તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશિક્ષણનો અભાવ:દિવ્યાંગોએ સુવિધા વગર રાષ્ટ્રીયકક્ષાએ 21 મેડલ મેળવ્યા છે

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટના દિવ્યાંગે છેલ્લા 15 વર્ષમાં રાજ્યકક્ષાએ 50થી વધુ મેડલ મેળવ્યા, પ્રશિક્ષણ ન મળતાં ગોલ્ડમેડલથી વંચિત

સ્થાનિક કક્ષાએથી જ યોગ્ય તાલીમ મળે તો ચોક્કસ પણે દિવ્યાંગ ખેલાડીઓ વિશ્વમાં દેશનું નામ રોશન કરી શકે તેમ રાજકોટમાં યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના શૈલેષભાઇ પંડ્યાએ કહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા 15 વર્ષમાં રાજકોટનાં દિવ્યાંગ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ 21 અને રાજ્યકક્ષાએ 50થી વધુ મેડલ મેળવ્યા છે. જોકે રાજકોટના દિવ્યાંગ ખેલાડીઓને કોચ, મેદાન તેમજ યોગ્ય પ્રશિક્ષણ ન મળવાને કારણે રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવવાથી વંચિત રહેવું પડે છે. રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેતા ખેલાડીઓને પોતાના સ્વખર્ચે રમવા જવાનું હોવાથી ઘણા ખેલાડીઓ આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ ભાગ લઇ શકતા નથી. જોકે રાજકોટના ખેલાડીઓને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો ન પડે તે માટે સંસ્થા તમામ સુવિધાઓ આપી રહી છે.

હાલ રાજકોટ જિલ્લામાં 150થી વધુ દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટિક, ટેબલ ટેનિસ, સ્વિમિંગ, પાવરલિફ્ટિંગની રમત રમી રહ્યા છે. હાલ કેટલીક રમતોમાં દિવ્યાંગ ખેલાડીઓને કોચનું માર્ગદર્શન મળી રહ્યું છે. ત્યારે અન્ય રમતોમાં પણ જો પ્રશિક્ષક દ્વારા સુવિધા સાથે તાલીમ આપવામાં આવે તો રાજકોટના દિવ્યાંગ ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડે તેવો પૂરો વિશ્વાસ છે.

રાષ્ટ્રીયસ્તરે ડંકો વગાડનાર ખેલાડી
પેરા સ્પોર્ટસમાં અનેક રમતોનો સમાવેશ છે, પરંતુ રાજકોટમાં સુવિધાઓના અભાવે અમુક જ રમતોમાં દિવ્યાંગ ખેલાડી ભાગ લઇ રહ્યાં છે. જોકે જે રમતોમાં રાજકોટના ખેલાડીઓ સામેલ થયા છે તેમાં રાષ્ટ્રીય સ્તરે તેમણે સિદ્ધિ પણ મેળવી છે. જેમાં ટેબલ ટેનિસમાં ધ્વનિ શાહ, પાવરલિફ્ટિંગમાં રામુ બાંભવા, ઇલાબેન દેવમુરારી, એથ્લેટિક્સમાં દીપક વાઘેલા, સોનલ વસોયા, જ્યોતિ બાલાસરા, સ્વિમિંગમાં જીગર ઠક્કર, ઇન્દ્રેશબેન પલાણ અને સ્પે.ઓલિમ્પિકમાં મંત્ર હરખાણીનો સમાવેશ થાય છે.

સ્પે.ખેલ મહાકુંભથી દિવ્યાંગ ખેલાડીઓમાં ઉત્સાહ વધ્યો છે
રાજ્યમાં ખેલ મહાકુંભની સાથે સાથે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભ પણ યોજાય છે. જેને કારણે દિવ્યાંગ ખેલાડીઓ મોટી સંખ્યામાં સ્પે.ખેલ મહાકુંભમાં ભાગ લે છે, પરંતુ તેમને પ્રેક્ટિસ માટે મેદાન સહિતની કોઇ સુવિધાઓ ન મળવાને કારણે દિવ્યાંગ ખેલાડીઓમાં રહેલી પ્રતિભાઓને બહાર લાવી શકતા નથી. ત્યારે સ્પે.ખેલ મહાકુંભની સાથે કોચ, મેદાન સહિતની સુવિધાઓ આપવામાં આવે તો ખરા અર્થમાં સ્પે.ખેલ મહાકુંભ સફળ બનશે.

અન્ય સમાચારો પણ છે...