રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને ઝોન ફાળવી દેવાયા હોવા છતાં પોતાની ઝોન કચેરીએ જવાને બદલે ફક્ત સેન્ટ્રલ ઝોન કચેરીએ જ બેસતા હોવાની ફરિયાદ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ મ્યુનિસિપલ કમિશનરને કરી છે અને હાજર રહે તે માટે સૂચના આપવા માંગ કરી છે.
વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, વહીવટી સરળતા માટે મનપાના 18 વોર્ડના વિસ્તારોને ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ એમ 3 ઝોનમાં વહેંચાયા છે. ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં 4, 5, 6, 15, 16 અને 18નો સમાવેશ થાય છે. સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં. 2, 3, 7, 13, 14 અને 17 જ્યારે વેસ્ટ ઝોનમાં 1, 8, 9, 10, 11 અને 12 સમાવાયા છે.
આ ત્રણેય ઝોન માટે ઝોન કચેરીઓ બનાવાઈ છે. આ તમામમાં ડેપ્યુટી કમિશનરની અલાયદી એ.સી. ચેમ્બર, ઈનોવા ગાડી, મિટિંગ રૂમ, કોન્ફરન્સ હોલની સુવિધા છે તેમજ સ્વતંત્ર નિર્ણય લેવાની સત્તા ડેપ્યુટી કમિશનરને આપેલી છે છતાં ડે. કમિશનરો પોતાની આ કચેરીઓમાં જતા નથી.
ઇસ્ટ ઝોન કચેરીમાં ડેપ્યુટી કમિશનર અનેક દિવસો સુધી ફરકતા નથી તેમજ વેસ્ટ ઝોન કચેરીમાં પણ આવી જ સ્થિતિ છે ત્યારે વિવિધ વિકાસ કામોની ફાઈલો અને રૂટિન કામગીરી છેક એક અઠવાડિયે અથવા 10-10 દિવસે થાય છે. આ ગંભીર બાબત હોવાથી બંને ડેપ્યુટી કમિશનરને ઝોન કચેરીમાં સમયસર હાજર રહેવા અને ફાઈલોનો નિકાલ કરવા તેમજ ફાઈલ ટ્રેકિંગ કરાવવા પત્રના અંતમાં માંગ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.