હુકુમ:મનપાના ઈન્ચાર્જ નાયબ આરોગ્ય અધિકારીએ દર્દીઓ ચકાસવાની ડ્યૂટી માગી, ચાર્જ લઈ લેવાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના દરમિયાન મેં અનુભવ્યું કે તબીબી શિક્ષણનો ઉપયોગ થવો જોઈએ : ડો. મનીષ ચુનારા

રાજકોટ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ નાયબ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારાને આ ચાર્જમાંથી મુક્તિ આપીને સદર આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તરીકે નિમવામાં આવ્યા છે જ્યારે તેમના સ્થાને ડો. મિલન પંડ્યા કે જે મેડિકલ ઓફિસર હતા અને ઈએમઓનો ચાર્જ અપાયો હતો હવે તેમને ઈએમઓ ઉપરાંત ઈસ્ટ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

આ અંગે આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ જણાવ્યું હતું કે, આશરે દોઢ મહિના પહેલા ડો. ચુનારાએ તેમને લેખિત રજૂઆત કરીને કામમાંથી મુક્તિ માગી હતી તેથી તેમની પાસેથી ચાર્જ લઈ લેવાયો છે અને ઈએમઓ ડો. મિલન પંડ્યાને જવાબદારી સોંપાઈ છે આ સિવાય બીજા કોઇ ફેરફાર કરાયા નથી. આ અંગે ડો. મનીષ ચુનારાએ જણાવ્યું હતું કે, નાયબ આરોગ્ય અધિકારી તરીકેની કામગીરી વહીવટી હોય છે તેમાં દર્દીઓ સુધી પહોંચીને નિદાન કરી શકાય નહિ.

ખાસ કરીને કોરોના દરમિયાન તેમને એ વાતનો ખ્યાલ આવ્યો હતો કે, જીવનનો સૌથી મહત્ત્વનો ભાગ તેમણે તબીબી શિક્ષણ પાછળ ખર્ચી નાખ્યો પણ હવે દર્દીઓ સુધી જઈ શકતા નથી તેથી વહીવટી કામગીરીમાંથી મુક્તિ માગી હતી. રાજકોટ મનપાની આરોગ્ય શાખામાં ઘણા સમયથી વિખવાદો ચાલી રહ્યા છે ત્યારે આ બદલીએ તેમાં મરી મસાલાનું કામ શરૂ કર્યું હતું પણ બંને છેડેથી કામગીરી બદલાવવાની જ વાત કરીને હાલ તો વિવાદ પર ઠંડું પાણી રેડી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...