હજુ સુધી તપાસ સોંપી નથી:મનપામાં ઈજનેરના આપઘાત જેવા ગંભીર કેસની ખાતાકીય તપાસ વિજિલન્સને ન સોંપાઈ

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી અને સુરક્ષા અધિકારીઓની તપાસ સમિતિની રચના કરી બધા પાસાઓ ચકાસવાની તસ્દી ન લેવાઈ

મહાનગરપાલિકાના ઈજનેર પરેશ જોશીના આપઘાત પ્રકરણમાં પોલીસે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ સામે ગુનો દાખલ કર્યો છે પણ મનપાના જ ઉપરી અધિકારીઓ તેમાં સામેલ છે તેવી પણ પૂરી શંકા છે આમ છતાં હજુ મનપાએ ખાતાકીય તપાસ વિજિલન્સ શાખાને અાપી નથી.

મનપાની વિજિલન્સ શાખામાં સરકારે ડીવાયએસપી કક્ષાના અધિકારી સહિતનો પોલીસ સ્ટાફ નિમ્યો છે. જેને ગેરરીતિના પ્રકરણોમાં પણ તપાસ સોંપાય છે. પરેશ જોશીના આપઘાત જેવા ગંભીર કેસમાં મનપામાં ક્યા અધિકારીની કેવી જવાબદારી હતી તેમજ કેટલો ત્રાસ અપાયો હતો તે આંતરિક તપાસ વિજિલન્સ શાખાને કરવાની હોય છે પણ મ્યુનિસિપલ કમિશનરે હજુ સુધી તપાસ સોંપી નથી તેમજ આ તપાસ વહીવટી અધિકારીઓને સોંપાય તેવી શક્યતા છે.

હકીકતે આવા ગંભીર કેસમાં સુરક્ષા અધિકારી અને વહીવટી અધિકારીઓની તપાસ કમિટી રચીને દરેક પાસાઓ જોવા જોઈએ પણ આવી કોઇ સમિતિ બનાવાઈ નથી તેથી એ વાતની પણ શક્યતા છે કે ઉપરી અધિકારીઓને બચાવવા માટે તપાસ જ નબળી પાડી દઈ માત્ર કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ પર મામલો ઢોળી મનપાની આબરૂ બચાવવા પ્રયાસ કરાશે.

ઈજનેરના મૃત્યુ બાદના બિલ અંગે તપાસ કરાશે
ઈજનેર જોશીએ 30મીએ આપઘાત કરી લીધો હતો અને જે બિલને લઈને આપઘાત કર્યો હતો તે એજન્સીએ 28મીએ મૂક્યું હતું. બિલની રકમ 37 લાખ રૂપિયાની હતી અને સમગ્ર વિવાદ કામને લઈને થતો હોવા છતાં ઈસ્ટ ઝોનના અધિકારીઓએ આ બિલ તેમની શાખામાં સ્વીકારીને 3 તારીખે બિલ જનરેટ કરી ઓડિટ શાખામાં મોકલાવી દીધું છે. ઈજનેરની સહી વગર આ કઈ રીતે બને તે પ્રશ્ન ઉઠાવતા કમિશનરે આ મામલે તપાસ ડીએમસીને આપી છે.

ઇજનેર જોશી સાથે ચાર વખત માથાકૂટ થયાની એન્જિનિયરની કબૂલાત
મનપાના ઇજનેર પરેશભાઇ જોશીએ અઠવાડિયા પૂર્વે ન્યારી ડેમમાં પડતું મૂકી જીવનનો અંત આણી લીધો હતો, ઇજનેરને આપઘાતની ફરજ પાડવાના આરોપસર પોલીસે મધુરમ કન્સ્ટ્રક્શનના એન્જિનિયર હાર્દિક ચંદારાણા અને સુપરવાઇઝર મયુર ઘોડાસરાની ધરપકડ કરી બંનેને રિમાન્ડ પર લીધા હતા, એજન્સીના એન્જિનિયરે કબૂલાત આપી હતી કે, ઇજનેર સાથે ચારેક વખત માથાકૂટ થઇ હતી. પોલીસે ગુરુવારે બંને આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંને આરોપીને એક દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યા હતા. એન્જિનિયર હાર્દિક ચંદારાણાએ કેફિયત આપી હતી કે, બિલ અને સેમ્પલના મુદ્દે ઇજનેર જોશી સાથે અગાઉ ચારેક વખત માથાકૂટ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...