મોતને મૂઠીમાં લઇને જીવતા લોકો:ચોમાસાને આડે ગણતરીના દિવસો પણ સ્માર્ટ સિટી કહેવાતા રાજકોટમાં 2466 મકાન મોતના માચડા સમાન, મનપાએ નોટિસ ફટકારી સંતોષ માની લીધો

રાજકોટ8 મહિનો પહેલા
રાજકોટમાં 2466 મકાન જર્જરિત.
  • સેન્ટ્રલ ઝોનમાં 590, વેસ્ટ ઝોનમાં 1130 અને ઇસ્ટ ઝોનમાં 746 જેટલી જર્જરિત બિલ્ડિંગો આવેલી છે

ગુજરાતમાં વિધીવત ચોમાસું બેસવાને લઇને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે સ્માર્ટ સિટી કહેવાતા રાજકોટ શહેરમાં જ 2466 મકાન એટલા જર્જરિત છે કે, ગમે તે ઘડીએ પડી શકે અને મોટી દુર્ઘટના નોતરી શકે છે. પરંતુ આ મકાનોમાં રહેતા લોકો મોતને મૂઠીમાં લઇને જીવતા હોય તેવું મકાનની સ્થિતિ જોતા લાગી રહ્યું છે. મોતના માચડામાં રહેતા લોકોને મકાન ખાલી કરવા માટે મનપાએ નોટિસ ફટકારી સંતોષ માની લીધો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

ભવિષ્યમાં જીવલેણ દુર્ઘટનાને આમંત્રણ
સ્માર્ટ સિટી તરીકે વિકસી રહેલા રાજકોટ શહેરમાં આજે પણ એવા 2466 મકાનો છે જે મોતનો માચડો બનીને ઊભા છે. દર વર્ષે ચોમાસાની ઋતુ પૂર્વે મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મકાન ધારકોને મકાન ખાલી કરવા માટે નોટિસ ચોક્કસ ફટકારવામાં આવે છે. પરંતુ ત્યારબાદ તેની સામે કોઇ પણ પ્રકારની આકરી કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના કારણે આ જર્જરિત ઇમારતો ભવિષ્યમાં જીવલેણ દુર્ઘટનાની જાણે રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

જર્જરિત મકાનો.
જર્જરિત મકાનો.

મકાનધારકોને તાત્કાલિક અસરથી મકાન ખાલી કરવા તાકીદ- સ્ટેન્ડિંગ ચેરમેન
રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે તાઉ-તે વાવાઝોડાની આગાહીના પગલે રાજકોટ મહાનગરપાલિકાની બાંધકામ અને ફાયરબ્રિગેડ શાખા દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં કુલ 2466 મિલકતો શોધી કાઢવામાં આવી છે કે જેની હાલત જર્જરિત છે. તેમજ ચોમાસામાં દુર્ઘટના સર્જી શકે તેમ છે. જે તમામ મિલકતોને નોટિસ ફટકારી દેવામાં આવી છે. જેમાં મકાનધારકોને તાત્કાલિક અસરથી મકાન ખાલી કરવા મનપા દ્વારા તાકીદ કરવામાં આવી છે. અને જરૂર જણાય તેઓને યોગ્ય સલામત જગ્યા પર સ્થળાંતર કરવામાં પણ આવશે.

વેસ્ટ ઝોનમાં સૌથી વધુ જર્જરિત મકાન.
વેસ્ટ ઝોનમાં સૌથી વધુ જર્જરિત મકાન.

વેસ્ટ ઝોન વિસ્તારમાં સૌથી વધુ કુલ 1130 જેટલી જર્જરિત ઈમારતો
રાજકોટ શહેર કુલ 3 ઝોનમાં વહેંચાયેલુ છે. જેમાં સેન્ટ્રલ ઝોન, ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનનો સમાવેશ થાય છે. શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર એટલે કે જૂના રાજકોટ અંતર્ગત વિસ્તારમાં સૌથી ઓછી 590 જેટલી જર્જરિત ઇમારતો આવેલી છે. તેમજ આ વિસ્તારમાં સૌથી વધુ કુલ 1130 જેટલી જર્જરિત ઈમારતોનો સમાવેશ થાય છે અને શહેરના સામાકાંઠા વિસ્તાર એટલે કે ઇસ્ટ ઝોનમાં 746 જેટલી જર્જરિત બિલ્ડિંગોને નોટિસ પાઠવી તત્કાલિક ધોરણે ઇમારત ખાલી કરવા સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...