સફળતા:રાજકોટના ASIની પુત્રીએ ગેટમાં 189મો ક્રમ મેળવી સ્પેસ રિસર્ચમાં પ્રવેશ મેળવ્યો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IITમાં પ્રવેશ મેળવનાર આઇશા રાજ્યની પ્રથમ વિદ્યાર્થિની

રાજકોટ પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ઇકબાલભાઇ મોરવાડિયાની પુત્રી આઇશાએ ગેટમાં 189મો ક્રમ મેળવી સ્પેશ રિસર્ચમાં પ્રવેશ મેળવ્યો. ઇકબાલભાઇએ જણાવ્યું કે, નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર પુત્રી આઇશાએ ધો.10 અને ધો.12માં ટોપ રહી હતી. તેનું સ્વપ્ન કલ્પના ચાવલાની જેમ અવકાશ યાત્રી જ બનવાનું હતું. તેનું સ્વપ્ન પૂરું કરવા મેં અને પત્ની પરવીને કોઇ પાછીપાની કરી ન હતી. ધો.12માં સારા માર્કે પાસ થયા બાદ કોટા જેઇઇની પરીક્ષા આપી હતી. તેમાં સારા માર્કસ સાથે પાસ થઇ કેસીજી કોલેજ ચેન્નઇ ખાતે એરોનોટિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો હતો.

4 વર્ષ અભ્યાસમાં ધ્યાન આપી 85 ટકા મેળવી ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ ગેટની પરીક્ષા આપવા માટે આઇશાએ 12થી 14 કલાકનું વાંચન કરી તૈયારી કરી હતી. આઇશાએ 2021માં ગેટની પરીક્ષા આપી હતી. જેનું પરિણામ આવતા આઇશાએ દેશમાં 189મો ક્રમ મેળવી મોટી સફળતા મેળવી હતી. ગેટમાં સફળતા મેળવ્યા બાદ તેને આઇઆઇટી કાનપુરમાં સ્પેસ રિસર્ચમાં માસ્ટર ઓફ સાયન્સના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ફોર્મ એપ્લાય કર્યું હતું. ત્યારે પુત્રી આઇશાની ઇચ્છા મુજબ વધુ એક વખત તેને સફળતા મળી અને તેને કાનપુર સ્થિત કોલેજમાં પ્રવેશ મળ્યો. જોકે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી હાલ આઇશાઓ 5 જાન્યુઆરીથી ઓનલાઇન અભ્યાસ શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...