તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરચોમાસે દુષ્કાળના ડાકલા:પાક સુકાયો, તળાવના તળિયા દેખાયા; સામોરના ખેડૂતે કહ્યું, ‘નાથ આવા દા’ડા કોઈને ન દેખાડે!’

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વર્ષાઋતુમાં વરુણદેવની વિદાયથી પાકનો વિનાશ
  • જામખંભાળિયાના 40થી વધુ ગામમાં પાક સુકાવા લાગતા ખેડૂતોની ઊંઘ હરામ

દી’નો નાથ આવા દા’ડા કોઈને ન દેખાડે! મારો નાથ રૂઠવાનો છે એવી ખબર હોત તો વાવણી જ ન કરત! વલોપાત સાથે દર્દભર્યા આ શબ્દો દેવભૂમિ દ્વારકા જિલ્લાના સામોર ગામના ખેડૂતના છે. વર્ષાઋતુમાં જ મેઘરાજાએ મહેર ન વરસાવતાં જગતના તાતની આંખમાં આંસુનો વરસાદ થઈ રહ્યો છે. આ પંથકમાં મોટાભાગના ખેડૂતોનો પાક પાણી વિના સુકાવા લાગ્યો છે. ગામનું વર્ષો જૂનું મોટું તળાવ પણ તળિયાઝાટક છે. ભરચોમાસે વરુણદેવે વિદાય લેતા ખેડૂતોની ઊંઘ ઊડી ગઈ છે. વાવણી બાદ વરસાદ ન થતાં સૌરાષ્ટ્રના મોટાભાગના પાક પર ખતરો છે.

ત્યારે દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયાના સામોર સહિતના 40થી વધુ ગામમાં ઊભો પાક સુકાવા લાગ્યો છે. 4500ની વસ્તી ધરાવતાં સામોર ગામમાં મગફળીનું વાવેતર થયું છે. ત્યારે વાવણી બાદ આજદિન સુધી વરસાદ ન થતાં ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો છે. સરપંચ લક્ષ્મણભાઈના જણાવ્યા મુજબ આવી દુષ્કાળ જેવી સ્થિતિ ક્યારેય નથી જોઈ. ખેડૂતોનો 70 ટકા પાક સુકાય ગયો છે. સામોર ગામ જ નહીં, પંથકના 40થી વધુ ગામના ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો છે. જેના પર ખેતી નભે છે, તે જામ સાહેબનું બાંધેલ તળાવ પણ ખાલીખમ છે. દર વર્ષે આ તળાવ ભરેલું હોય છે. જ્યાં હાલ કાંકરા તરી રહ્યાં છે.

વ્યાજે લીધેલા નાણાં દિવાળીએ કેમ પરત કરવા?
મારો 10 વીઘાનો પાક નિષ્ફળ ગયો છે. મગફળીની વાવણી કરી ત્યારે વ્યાજે નાણાં લીધાં હતા અને દિવાળીએ પરત કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ આવી સ્થિતિ ઊભી થશે તેવી કલ્પના પણ નહોતી કરી. સારા વરસાદની આશા વચ્ચે ઉનાળા જેવી સ્થિતિ ઊભી થતાં મગફળી સુકાય ગઈ છે. મારા જેવા અનેક ખેડૂતોની આ સ્થિતિ છે. - નગાભાઈ કંડોરિયા, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...