મિત્રની પુત્રી જ ઘાતકી નીકળી:રાજકોટમાં જમવા બાબતે બોલાચાલી થતા દંપતીએ સાધુને પથ્થરના ઘા મારી પતાવી દીધા, મૃતદેહ કોથળામાં ભરી રિક્ષામાં રાખી જામનગર હાઇવે પર ફેંકી દીધો

રાજકોટ2 મહિનો પહેલા
પોલીસે આરોપી ગીતા બાવાજી અને તેના પતિ વસંત જાદવની ધરપકડ કરી
  • પોલીસે ગણતરીની કલાકોમાં દંપતીની ધરપકડ કરી
  • આરોપી મહિલાના પિતા અને સાધુ મિત્ર હતો
  • એક મહિના પહેલા જ રાષ્ટ્રીયકક્ષાનો સ્કોચ એવોર્ડ જીતનાર રાજકોટ પોલીસના શાસનમાં શહેરમાં ત્રણ દિવસમાં ત્રણ હત્યા

રાજકોટના પરાપીપળિયા નજીક આજે સવારે સંતાષ સોલંકી નામના 50 વર્ષીય સાધુનો ગળુ કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમમાં ખસેડી હત્યારાઓની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ ગીતા બાવાજી નામની મહિલા અને તેના પતિ વસંત જાદવની ધરપકડ કરી ભેદ ઉકેલી નાખ્યો છે. સાધુની હત્યા ગીતા અને વસંતે જ કરી હોવાનું ખુલ્યું છે. ગીતાના પિતા અર્જુન મહારાજ સાથે સાધુ પરિચય ધરાવતા હતા. જમવા આવેલા સાધુની સાથે બોલાચાલી થતા દંપતીએ સાધુની પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. બાદમાં મૃતદેહ કોથળામાં પેક કરી CNG રિક્ષામાં રાખી જામનગર હાઇવે પર ફેંકી દીધો હતો.

મૃતક સાધુ સંતોષ
મૃતક સાધુ સંતોષ

સાધુ જામનગરના વતની
મૃતક સંતોષ સોલંકી જામનગરના વતની અને સાધુ જીવન જીવતા હતા. આરોપી ગીતાના પિતા અર્જુન મહારાજ અને મૃતક સાધુ બંને મિત્ર હતા. આથી ગીતા પણ સાધુને ઓળખતી હતી. જમવા આવેલા સાધુ સાથે બોલાચાલી થઇ હતી. ગીતા પિતા અર્જુન મહારાજ સૂઇ ગયા બાદ દંપતીએ સાધુની પથ્થરના ઘા મારી હત્યા કરી હતી. બાદમાં કોથળામાં મૃતદેહ રાખી જામનગર હાઇવે પર ફેંકી દીધો હતો.

કોથળામાં ભરી મૃતદેહ જામનગર હાઇવે પર ફેંક્યો હતો.
કોથળામાં ભરી મૃતદેહ જામનગર હાઇવે પર ફેંક્યો હતો.

યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર આજે રાજકોટ-જામનગર હાઇવે પર પરાપીપળીયા ગામ નજીક યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદમાં કોઈ અજાણ્યો શખસ કોથળામાં પેક કરી સાધુ જેવા દેખાતા પુરુષનો મૃતદેહ ફેંકી ગયો હતો. આ અંગેની જાણ થતા યુનિવર્સિટી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બાદમાં એસીપી ક્રાઇમ તેમજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સ્થળ પર દોડી ગઇ હતી. જેની તપાસ કરતા કોથળામાં ફેંકી દીધેલા મૃતદેહનું માથુ કાપેલી હાલતમાં જોવા મળ્યું હતું. જેને લઇ પોલીસે મૃતદેહને પીએમમાં ખસેડી હત્યારાઓની શોધખોળ હાથ ધરી હતી.

આરોપી ગીતાના પિતા અને સાધુ મિત્ર હતા.
આરોપી ગીતાના પિતા અને સાધુ મિત્ર હતા.

હત્યારા સુધી પહોંચવા પોલીસે CCTVનો સહારો લીધો
પોલીસ દ્વારા મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોર્ટમોર્ટમ કરાવવા ખસેડવામાં આવ્યો હતો. તેમજ આસપાસમાં CCTV ફૂટેજ તપાસી અને લાપત્તા થયેલા સાધુની નોંધ તપાસી મૃતકની ઓળખ મેળવવા અને હત્યારા સુધી પહોંચવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી.

ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
આરોપીઓએ સાધુની નિર્મમ હત્યા કરી હતી.
આરોપીઓએ સાધુની નિર્મમ હત્યા કરી હતી.

સાધુની ઓળખ થઇ તે પહેલા આરોપી પકડાઇ ગયા
પરાપીપળિયા નજીકથી સાધુની માથું છુંદાયેલી લાશ મળી હતી, સાધુની હત્યા કોણે અને શા માટે કરી હતી, મૃતક સાધુ કોણ છે સહિતના સવાલો પોલીસ માટે પડકારરૂપ હતા, યુનિવર્સિટી પોલીસે મૃતક સાધુની ઓળખ મેળવવા જામનગર અને જૂનાગઢ સુધી મૃતકની તસવીરો મોકલાવી ઓળખ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, જોકે મૃતક એસઆરપી કેમ્પ સામે રાત્રે જોવા મળ્યાનો એક સગડ પોલીસને મળ્યો અને પોલીસે કેમ્પ સામેના ઝૂંપડે જઇ પૂછપરછ કરતાં જ દંપતીએ હત્યા કર્યાની કબૂલાત આપી હતી, ત્યારબાદ મૃતક સાધુ સંતોષ સોલંકી હોવાનું ખુલ્યું હતું.

આરોપી મહિલાના પિતાની પણ સંડોવણી હોવાની પોલીસને શંકા
આરોપી ગીતાએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, રાત્રે ભોજન કર્યા બાદ પોતે, તેના પિતા અર્જુન મહારાજ અને તેની સાથે આવેલા તેના મિત્ર સાધુ સંતોષ સોલંકી સૂઇ ગયા હતા, થોડીવાર બાદ સાધુ સંતોષે ગાળો ભાંડતા પથ્થરથી તેનું માથું છૂંદી તેની હત્યા કરી નાખી હતી, હત્યા કરી ત્યારે તેના પિતા અર્જુન મહારાજ થોડે દૂર સૂતા હતા, તેમને ઝઘડાનો અવાજ સંભળાયો નહોતો, મધરાતે પિતાને ઉઠાડીને કહ્યું હતું કે, તેમની સાથે આવેલા સાધુ જતા રહ્યા છે તમે પણ જતા રહો તેથી પિતા અર્જુન મહારાજ ત્યાંથી રાત્રે જ જતા રહ્યા હતા, જોકે ગીતાની આ વાત પોલીસને ગળે ઉતરતી નથી, હત્યામાં મહિલાના પિતાની સંડોવણીની પણ પોલીસને શંકા છે, અર્જુન મહારાજ હાથ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે.