આત્મવિલોપનનો પ્રયાસ:ભૂમાફિયાઓના ત્રાસથી દંપતી કેરોસીન રેડે તે પહેલા પકડી લેવાયું

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SP કચેરીમાં રાવકીના પરિવારનો આત્મવિલોપનનો પ્રયાસ

તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં ન્યાય નહિ મળવાથી નારાજ લોકો સરકારી કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા હોવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે આત્મવિલોપનના પ્રયાસના વધુ એક બનાવમાં બુધવારે સવારે જિલ્લા પોલીસની કચેરીએ બે મહિલા સહિત ત્રણ વ્યક્તિ ધસી આવી શરીર પર કેરોસીન છાંટે તે પહેલા જ પોલીસે પકડી પાડ્યા હતા અને ત્રણેયને પ્રદ્યુમ્નનગર પોલીસમથક લઇ જવાયા હતા.

પોલીસ પૂછપરછમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનાર લોધિકા તાબેના રાવકી ગામના મુકેશભાઇ ખોડાભાઇ ડાંગર, તેની પત્ની લીના અને યુવાનના ફૈબા હંસાબેન મનસુખભાઇ સિંધવ હોવાનું જણાવ્યું હતું. વિશેષ પૂછપરછમાં તેઓ રાવકી ગામે બૌદ્ધવિહાર નામની જગ્યાએ રહે છે. જે જમીન ખાલી કરાવવા છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓનો ડોળો હોય અવારનવાર દારૂ પીને માથાકૂટ કરે છે.

તેમજ જમીન ફરતે બાંધેલી ફેન્સિંગ પણ તોડી નાંખે છે. તેમનો વિરોધ કરતા તેઓ ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપે છે. ભૂમાફિયાઓનો ત્રાસ વધી જતા લોધિકા પોલીસમથકમાં અરજી આપી હતી. એટલું જ નહીં અનેક વખત રૂબરૂ જઇને રજૂઆત પણ કરી હતી. તેમ છતાં પોલીસ તંત્ર ભૂમાફિયાઓ સામે કોઇ કાર્યવાહી કરતા ન હોય આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું હતું.

પહેલા જિલ્લા પંચાયત કચેરીએ આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ બાદમાં પોતે પત્ની અને ફૈબા સાથે જિલ્લા પોલીસ વડાની કચેરીએ કેરોસીનનું ડબલું લઇ પહોંચ્યા હતા. ત્યાં પહોંચતાની સાથે જ પોલીસે તેમને રાઉન્ડઅપ કરી લીધાનું જણાવ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...