છેતરપિંડી:ઊંચા વ્યાજની લાલચ આપી દંપતી ખેડૂતના 5.55 લાખ ચાઉ કરી ગયા

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાકતી મુદતે નાણાં લેવા જતા ચાંદલીના ખેડૂતને છેતરાયાની જાણ થઇ

લોધિકાના ચાંદલી ગામે રહેતા ખેડૂત વિક્રમસિંહ મુળુભા જાડેજાએ કોઠારિયા રોડ, મારુતિનગરમાં રહેતા નલીન નર્મદાશંકર ભટ્ટ અને તેના પત્ની જિજ્ઞાબેન સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આરોપી દંપતી કરણપરામાં આકાશ ક્રેડિટ કો. ઓ.સોસાયટી નામની મંડળી ચલાવતા હોય નલીનભાઇએ મંડળીમાં પૈસા રોકાણ કરવાથી સારું વળતર મળશે તેમજ નાણાંની સલામતી રહેશેની વાત કરી હતી. જેથી 2011માં વાર્ષિક 11 ટકાના દરે 1 વર્ષ માટે રૂ.5 લાખની રકમ ફિક્સ ડિપોઝિટ કરાવી હતી. એક વર્ષ બાદ પોતાને વ્યાજની રૂ.55 હજારની રકમ રોકડમાં ચૂકવી હતી.

જ્યારે પાંચ લાખની ફરી ફિક્સ ડિપોઝિટ કરી હતી. દરમિયાન પાકતી મુદત પહેલા નાણાંની જરૂરિયાત ઊભી થતા નલીનભાઇની ઓફિસ ગયા હતા. તેમને પૈસા લેવાની વાત કરતા મંડળીના મેનેજર પાસે જવાનું કહ્યું હતું. જેથી પોતે મહિલા મેનેજર પાસે જતા રકમ મંડળીમાં જમા નહિ હોવાનું કહ્યું હતું. ત્યારે ફરી નલીનભાઇ પાસે જતા તેને પણ તમારી રકમ જમા નથી તેવું કહ્યું હતું. એફ.ડી.ની રસીદ બતાવતા તેમાં કોઇ સહી નહીં હોવાનું જણાવ્યું હતું. ત્યારે દંપતીએ ખોટી રસીદ આપી હોવાની શંકા જતા 2012માં જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં ફરિયાદ કરી હતી.

ત્યારે ફરિયાદ કરી હોવાની ખબર પડતા દંપતીએ સમાધાનના પ્રયાસ કરી કટકે કટકે નાણાં આપવા જણાવી રૂ.1.65 લાખ આપ્યા હતા. અને સિક્યુરિટી પેટે રૂ.10 લાખના ચેક અને પ્રોમેશરી નોટ લખી આપી હતી. છતાં રકમ ચૂકવી ન હતી. મિત્રતાના દાવે નલીનભાઇએ આપેલા ચેક બેંકમાં વટાવવાને બદલે તેમની પાસે ઉઘરાણી કરી હતી. વારંવાર ઉઘરાણી કરતા નલીનભાઇએ હવે પૈસા ભૂલી જાવ નહીંતર બદનામ કરી દઇશ, ખોટી ફોજદારી કરી હેરાન કરીશ, જો હવે પૈસા માગશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંતે દંપતી સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...