સ્પેશિયલ સ્ટોરી:પરિવાર કોરોના ડેડબોડી મૂકીને ભલે જતો રહે, પણ રાજકોટના સ્મશાનમાં આ મહિલા ચોવીસે કલાક ઘરના સભ્યની જેમ કરે છે અંતિમસંસ્કાર

રાજકોટ2 વર્ષ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • કૉપી લિંક
રાજકોટના રામનાથપરા સ્મશાનમાં આ દંપતી કોરોના ડેડબોડીના અંતિમસંસ્કાર કરે છે. - Divya Bhaskar
રાજકોટના રામનાથપરા સ્મશાનમાં આ દંપતી કોરોના ડેડબોડીના અંતિમસંસ્કાર કરે છે.
  • રામનાથપરા સ્મશાનમાં આવતી રોજની સરેરાશ 12માંથી 6 જેટલી ડેડબોડી કોરોનાની હોય છેઃ સંચાલક
  • સ્મશાનમાં મહિલાઓ નથી આવતી, પરંતુ અહીં તો એક મહિલા જ કોરોનાની ડેડબોડીની અંતિમવિધિ કરે છે
  • પરિવારની સુરક્ષાની ચિંતા હોવાથી મંગુબેન અને તેમના પતિ દિનેશભાઈ રાત્રે પણ સ્મશાનમાં જ રહે છે

કોરોના મહામારીને કારણે લોકોમાં ભયનો માહોલ છે. કોરોનાના પોઝિટિવ કેસનું નામ પડે તોપણ લોકો ઘરમાં પુરાઈ રહે છે, ત્યારે રાજકોટના રામનાથપરા સ્મશાનમાં કોરોના મૃતકોના અંતિમસંસ્કાર એક દંપતી દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આ દંપતી છેલ્લાં 13 વર્ષથી સ્મશાનમાં કચરા-પોતાનું કામ કરે છે, સાથોસાથ ડેડબોડીના અંતિમસંસ્કાર પણ કરે છે. જો પરિવાર કોરોના ડેડબોડીને મૂકીને જતો રહે તો આ દંપતી ઘરના સભ્યની જેમ એના અંતિમસંસ્કાર કરી નાખે છે. સંતાનોની સેફ્ટી માટે દંપતી સ્મશાનમાં જ રાત વિતાવે છે.

24 કલાક દંપતી સ્મશાનમાં જ રહે છે.
24 કલાક દંપતી સ્મશાનમાં જ રહે છે.

દંપતી 24 કલાક રામનાથપરા સ્મશાનમાં સેવા આપે છે
મંગુબેન રાઠોડ અને તેમના પતિ દિનેશભાઈ રાઠોડ છેલ્લાં 13 વર્ષથી રામનાથપરા સ્મશાનમાં અંતિમવિધિની સેવાનું કાર્ય કરી રહ્યાં છે. દિનેશભાઈએ જણાવ્યું હતું કે 24 કલાક અહીં નોકરી કરીએ છીએ. શરૂઆતમાં ડર લાગતો હતો, પરંતુ હવે ડર લાગતો નથી. પરિવાર ના પાડે છે છતાં અમે અડગ છીએ અને અમે આ કાર્ય કરીએ છીએ. આ જ કરવું છે, બીજું કંઈ કરવું નથી. મંગુબેને જણાવ્યું હતું કે હું પણ મારા પતિ સાથે 13 વર્ષથી રામનાથપરા સ્મશાનમાં જ કામ કરી રહી છું. ડેડબોડીની અંતિમવિધિની સાથોસાથ હું કચરા-પોતાનું કામ કરું છું તેમજ ચા-પાણીની વ્યવસ્થા કરાવી દઉં છું. કોરોના ડેડબોડી આવે એટલે પરિવાર અમને સોંપી દે છે. પછી હું પરિવારને કહું છું કે તમે પ્રાર્થનાસભાના હોલમાં જતા રહો, અમે અંતિમવિધિ કરી નાખીશું.

મંગુબેન સ્મશાનમાં કચરા-પોતાનું પણ કામ કરે છે.
મંગુબેન સ્મશાનમાં કચરા-પોતાનું પણ કામ કરે છે.

રામનાથપરા સ્મશાનમાં 60 વર્ષના વૃદ્ધ પણ સેવા આપે છે
કોરોનાકાળમાં વૃદ્ધ લોકોને બહાર ન નીકળવાની સરકાર અપીલ કરી રહી છે, પરંતુ રામનાથપરા સ્મશાનમાં 60થી વધુ ઉંમર ધરાવતા ધીરુભાઈ રાઠોડ નામની વ્યક્તિ કોરોના ડેડબોડીની અંતિમવિધિનું કાર્ય કરે છે. ધીરુભાઈએ જણાવ્યું હતું કે કોરોનાની શરૂઆતમાં થોડો ડર હતો, પરંતુ અમે પ્રેક્ટિકલ થતા ગયા અને ડર ઓછો થતો ગયો. મૃતકના પરિવાર અને અમે પણ ડરીએ તો કાર્ય કેવી રીતે થાય અને ડેડબોડી પડી રહે. પરિવારના સભ્યો ના પાડે છતાં કાર્ય કરીએ છીએ, પરંતુ પરિવારના સભ્યોની સેફ્ટી માટે ઘરે જઈએ એ પહેલાં સ્નાન કરી સેનિટાઈઝ કરી લઈએ છીએ.

60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ધીરુભાઈ રાઠોડ પણ સ્મશાનમાં સેવા આપી રહ્યા છે.
60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ધીરુભાઈ રાઠોડ પણ સ્મશાનમાં સેવા આપી રહ્યા છે.

સ્મશાન અને સરકારના કોરોના ડેડબોડીના આંકડામાં વિસંગતતા
સરકાર રોજ કોરોનાના મૃતકના આંકડા બહાર પાડે છે, જેમાં 24 કલાકમાં સરેરાશ 4થી 6નાં મોત હોય છે, પરંતુ સરકાર અને સ્મશાનના આંકડામાં વિસંગતતા એ હોય છે કે રાજકોટના માત્ર એક જ સ્મશાનમાં કોરોનાની રોજની 5થી 6 બોડી આવે છે. શહેરમાં આવેલા અન્ય સ્મશાનમાં કોરોનાગ્રસ્ત ડેડબોડી જતી હોય એ અલગ જ. ત્યારે સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલા આંકડા કેટલા સાચા એ પણ એક મોટો સવાલ છે.

કોરોના ડેડબોડી આવે એટલે દંપતી અંતિમવિધિ કરે છે.
કોરોના ડેડબોડી આવે એટલે દંપતી અંતિમવિધિ કરે છે.