ક્રાઇમ:વિકલાંગ વૃધ્ધ પાસેથી દંપતીએ ચેક મેળવી રૂ.8.70 લાખ ઉપાડી લીધા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મદદ માટે વિશ્વાસમાં લીધા બાદ અન્ય ચેકમાં નકલી સહી કરી પૈસા ઉપાડ્યા

શહેરના દામજીમેપા પ્લોટ વિસ્તારમાં રહેતા વિકલાંગ વૃધ્ધને વિશ્વાસમાં લઇ ચેકબુક હસ્તગત કરી તેમાં નકલી સહી કરી પરિચિત દંપતી રૂ.8.70 લાખ હજમ કરી ગયું હતું. બેંક ખાતામાંથી રકમ ઉપડતાં વૃધ્ધને પોતે છેતરાયાનો અહેસાસ થયો હતો. અંતે પોલીસમાં રાવ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

હાલમાં બીમારી અને વૃધ્ધાવસ્થાને કારણે પોતે વિકલાંગ બન્યા છે, અને ઓછું દેખાય છે
દામજીમેપા પ્લોટમાં રહેતા વિકલાંગ મનોજભાઇ બાબુલાલ ચાવડાએ પોલીસ કમિશનરને કરેલી લેખિત ફરિયાદમાં આરોપી તરીકે વિમલ ઉર્ફે વિમલેશ મહેતા, તેની પત્ની મીરા અને નિશિતા મહેતાના નામ આપ્યા હતા. મનોજભાઇ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે જીવનભર દરજીકામ કરીને થોડી રકમ એકત્રિત કરી હતી, હાલમાં બીમારી અને વૃધ્ધાવસ્થાને કારણે પોતે વિકલાંગ બન્યા છે, અને ઓછું દેખાય છે. વિમલ મહેતા અને તેના પરિવાર સાથે પાંચેક વર્ષથી સંબંધ છે અને પોતા પાસે કેટલી રકમ છે ક્યા બેંકમાં ખાતું છે સહિતની હકીકત વિમલેશ મહેતા જાણતો હતો. મીરા અને નિશિતાને થાઇરોઇડની ગંભીર બીમારી છે અને મુંબઇમાં સારવાર કરાવવાની હોવાથી વિમલેશે વિકલાંગ મનોજભાઇ પાસે આર્થિક મદદ માગી હતી, મદદરૂપ થવાના હેતુથી મનોજભાઇએ બે ચેકમાં સહી કરી આપી હતી, પરંતુ અગાઉથી કાવતરું રચનાર વિમલેશે કેવાયસીના નામે મનોજભાઇની ચેકબૂક અને ખાતાબૂક લઇ લીધા હતા.

થોડા દિવસ બાદ મનોજભાઇના બેંક ખાતામાંથી રકમ ઓછી થઇ જતાં તેમણે બેંકે જઇને તપાસ કરી તો ચેક જોવા મળ્યા હતા પરંતુ તેમાં સહી મનોજભાઇના નામે કોઇએ કરી હોવાનું ખુલ્યું હતું. મનોજભાઇએ હસ્તાક્ષર નિષ્ણાત પાસે તપાસ કરાવતા ચેકમાં મનોજભાઇને બદલે અન્ય કોઇએ કર્યાનું સ્પષ્ટ થયું હતું. વિમલેશ, તેની પત્ની મીરા અને નિશિતાએ મનોજભાઇની મરણમૂડી સમાન રૂ.8.70 લાખ ઓળવી ગયાનું મનોજભાઇએ મીરાના પીયરિયાઓને કહેતા તમામે થોડા સમયમાં રકમ પરત આપી દેવાની ખાતરી આપી હતી, જોકે તે તમામ ખાતરી ફોકટ પુરવાર થતાં અંતે વૃધ્ધે પોલીસનું શરણું લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...