રાજકોટ શહેરમાં 11 દિવસમાં દંપતીએ સજોડે આપઘાત કર્યા હોવાની બીજી ઘટના સામે આવી છે. 15 જુલાઇના રોજ મોરબી રોડ પર દંપતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી ત્યાં આજે વધુ એક દંપતીએ લગ્નજીવનના દોઢ જ મહિનામાં ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હાલ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડવા કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
રાજકોટ શહેરના રેલનગર વિસ્તરમાં આવેલ સંતોષીનગર ફાટક પાસે નવદંપતીએ ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે બાદ તપાસ કરતા મૃતક કરણ પંચાસરા (ઉ.વ.22) અને સ્નેહા પંચાસરા (ઉ.વ.22) બન્ને પતિ પત્ની હોવાનું અને રેલવે ફાટકની સામે સંતોષીનગરમાં જ રહેતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક કરણ અને સ્નેહાએ દોઢ મહિના પૂર્વે જ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે જો કે તેઓ આપઘાત શા માટે કર્યો તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી માટે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પૂર્વે દંપતીએ ગળેફાંસો ખાધો હતો
ગત 15 જુલાઈના રોજ રાજકોટ શહેરના મોરબી રોડ પરની જય જવાન જય કિશાન સોસાયટીમા રહેતા બાબુ સોલંકી (ઉ.વ.21) અને તેમના પત્ની મમતા સોલંકી (ઉ.વ.20) એ વહેલી સવારે સાતેક વાગ્યે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ દંપતીના લગ્ન પણ 5 માસ પૂર્વે થયા હોવાનું અને ગૃહક્લેશમાં આપઘાત કર્યા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.