તંત્ર નિષ્ફળ:પરીક્ષાના CCTV લાઈવ કરવાના દેશના પ્રથમ પ્રયોગનો 5 મહિનામાં જ ફિયાસ્કો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • યુનિવર્સિટીના સ્થાપના દિને VCએ જાહેરાત કરી’તી: પરીક્ષા ચોરી અટકાવવામાં તંત્ર નિષ્ફળ
  • અસામાજિક તત્ત્વો વિદ્યાર્થિનીઓને ટ્રેક કરતા હોવાનું કારણ આપી પરીક્ષાના CCTV બંધ કરાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના દિને કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ કોલેજોમાં લેવાતી દરેક પરીક્ષા સીસીટીવી થકી લાઈવ કરવાની જાહેરાત હતી કરી હતી અને આ પ્રકારનો પ્રયોગ દેશમાં પ્રથમ વખત કર્યો હતો, પરંતુ માત્ર 5 જ મહિનાના ટૂંકા સમયગાળામાં દેશના પ્રથમ પ્રયોગનો ફિયાસ્કો થયો છે અને જાહેર જનતા માટે આ વ્યવસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બંધ કરી દીધી છે.

પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ અટકાવવા માટે આ પ્રયોગ કરાયો હતો પરંતુ તે સદંતર નિષ્ફળ રહ્યો છે. અસામાજિક તત્ત્વો સીસીટીવી લાઈવ થકી વિદ્યાર્થિનીઓને ટ્રેક કરતા હોવાનું કારણ આપીને યુનિવર્સિટીએ આ વ્યવસ્થા સદંતર બંધ કરી દીધી છે. યુનિવર્સિટીના સ્થાપના દિને કુલપતિએ જાહેર પ્રવચનમાં કરેલી જાહેરાતનો હાલ ફિયાસ્કો થતા વાલીઓમાં પણ રોષ ફેલાયો છે. અગાઉ આ વ્યવસ્થા થકી વાલીઓ પોતાના સંતાનની પરીક્ષા લાઈવ જોઈ શક્તા હતા.

અગાઉ યુનિવર્સિટીની પરીક્ષામાં માસ કોપી કેસ, પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ મોટાપાયે થતી હોવાની ફરિયાદો ઊઠી હતી. જેના પગલે કુલપતિએ જે કોલેજોમાં પરીક્ષા લેવાય તે કોલેજના સીસીટીવી ફૂટેજ વિદ્યાર્થીના વાલીઓ અને જાહેર જનતા જોઈ શકે તેવી વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિ અટકે અને જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ આચરતો ઝડપાઈ તો CCTVની મદદથી મોનિટરિંગ કરી શકાતું હતું, પરંતુ હવે આ પરીક્ષા લાઈવ કરવાની પહેલનો ફિયાસ્કો થઇ ગયો છે અને યુનિવર્સિટીએ જાહેર જનતા માટે પરીક્ષા લાઈવ કરવાનું બંધ કરી દીધું છે.

CCTV જોવા યુનિવર્સિટી રૂબરૂ જવું પડશે, વ્યક્તિ યોગ્ય લાગશે તો પાસવર્ડ અપાશે
યુનિવર્સિટીએ જાહેર જનતા માટે પરીક્ષાના સીસીટીવી ફૂટેજ લાઈવ બતાવવાનું બંધ કર્યા બાદ એવી સિસ્ટમ કરી છે કે જે વ્યક્તિએ પરીક્ષાના ફૂટેજ જોવા હોય તેણે યુનિવર્સિટી કેમ્પસ ઉપર રૂબરૂ આવવું પડશે. પરીક્ષા વિભાગમાં સંપર્ક કરવો પડશે. વિભાગના અધિકારીને ફૂટેજ જોવા માગનાર વ્યક્તિ યોગ્ય લાગશે તો જ તેને પરીક્ષા લાઈવ બતાવશે. તે વ્યક્તિએ યુનિવર્સિટી કેમ્પસમાં બેસીને જ ફૂટેજ જોવાના રહેશે.
હાલ યુનિવર્સિટીના 117 કેન્દ્ર ઉપર 61 હજાર વિદ્યાર્થીની પરીક્ષા ચાલી રહી છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના બીએ, બી.કોમ સહિત જુદા જુદા કોર્સના અંદાજિત 61 હજાર વિદ્યાર્થીની હાલ 5મા સેમેસ્ટરની પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા સવારે 8થી 10.30, 11.30થી 2, અને 3થી 5.30 સુધી એમ ત્રણ સેશનમાં લેવાઈ રહી છે. સોમવારથી શરૂ થયેલી પરીક્ષામાં પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 117 જેટલા કેન્દ્ર ફાળવાયા છે જેની સામે ઓબ્ઝર્વરની સંખ્યા 71 જેટલી છે.

અન્ય સમાચારો પણ છે...