છેલ્લા કેટલાક વખતથી સિમેન્ટ, રેતી, કપચી, ઇંટ સહિતની બાંધકામ સંલગ્ન ચીજવસ્તુઓના ભાવમાં આસમાની વધારો થતા રાજકોટ સહિત રાજ્યની જિલ્લા પંચાયતો-તાલુકા પંચાયતોમાં વિકાસકામોને અસર પડી છે. ઉંચા ભાવને કારણે કોન્ટ્રાક્ટર્સ દ્વારા ટેન્ડર્સ ભરવામાં નિરુત્સાહ જોવા મળતા ચોમાસા પહેલા ગામડાંઓના અંતરિયાળ રોડ-રસ્તાના કામો પૂર્ણ થશે કે નહીં? તે બાબત સામે પ્રશ્નાર્થ સર્જાયા છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં બાંધકામના કામોનો પ્રશ્ન ચર્ચાસ્પદ બન્યો છે. ચોમાસા પહેલા 58 જેટલા વિકાસકામના ટેન્ડર્સ બહાર પાડવામાં આવ્યા હતા, કોન્ટ્રાક્ટર્સ જૂના એસઓઆર મુજબ કાર્ય કરવા તૈયાર ન હોઇ, સંપૂર્ણ ટેન્ડર્સ ભરાયા ન હતા. સરકારે તાજેતરમાં એસઓઆરમાં સુધારા કર્યા છે પરંતુ માત્ર પાંચેક ટકાનો વધારો થયો છે સામે બાંધકામ ચીજોમાં અંદાજે પંદરથી વીસ ટકાનો ભાવવધારો નોંધાયો છે.
રાજકોટ જિલ્લામાં 15માં નાણાપંચના કામો હેઠળ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ રોડ-રસ્તાના કામો મંજૂર થયા છે, તેમાં જે તે વખતના એસ્ટિમેટ મુજબ વર્કઓર્ડર નીકળી ગયા છે. બાંધકામ સમિતિની ચેરમેન પી.જી.ક્યાડાએ જણાવ્યું હતું કે, 58 ટેન્ડર્સ પૈકી પાંચ-છ ટેન્ડર્સ ભરાયા છે જેમાંથી બે-ત્રણ કામના એગ્રીમેન્ટ થઇ ચૂક્યા છે. દરમિયાન અન્ય તમામ કામોના રિ-ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી છે. મોંઘવારીને કારણે કામગીરી ખોરવાઇ છે તે હકીકત છે, પરંતુ ચોમાસા પહેલા ગ્રામ્યના કામો પૂરા થઇ જાય તેવો અમારો પ્રયત્ન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.