રાજકોટ મનપામાં ઇજનેર તરીકે ફરજ બજાવનારા પરેશ જોષીએ ગત ડિસેમ્બર મહિનામાં ન્યારી ડેમમાં કૂદી આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. તાલુકા પોલીસ મથક દ્વારા બે વ્યક્તિઓ વિરુદ્ધ આત્મહત્યાના પ્રેરણાની કલમ હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસના મહિલા અગ્રણી અને વિરોધ પક્ષના પૂર્વ નેતા ગાયત્રીબા વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશનનું તંત્ર તપાસના નામે નાટક કરી રહ્યું છે. ડેપ્યુટી કમિશનર આશિષકુમારે તપાસ ચાલુ હોવાનો રૂટિન જવાબ આપ્યો છે. તપાસના નામે મનપા દ્વારા આખું કારસ્તાન દબાવી દેવા માટે અધિકારીઓ તપાસને જાણી જોઈને લંબાવી રહ્યા છે. સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર સ્પષ્ટ કરે કે તપાસ ચાલુ છે કે પૂરી.
મ્યુનિ.ના ડે.કમિશનરને જાન્યુઆરી મહિનાથી તપાસ સોંપાઇ છે
જે-તે સમયે આ કેસને લઈને પોલીસે મધુરમ કન્સ્ટ્રક્શનના ઇજનેર હાર્દિક ચંદારાણા અને મયુર ઘોડાસરા નામની વ્યક્તિ સામે પણ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે નાયબ કાર્યપાલક ઇજનેર જતિન પંડ્યાની પણ ધરપકડ કરી હતી. તેમનું નિવેદન નોંધ્યા બાદ તેમને જવા દેવામાં આવ્યા હતાં. તો સમગ્ર મામલે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા ડેપ્યુટી કમિશનર આશિષકુમારને તપાસ સોંપવામાં આવી હતી. આશિષકુમાર ગત 10 જાન્યુઆરીથી સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. પરંતુ આજ દિવસ સુધી આ તપાસનો અંત નથી આવ્યો.
ઉપરી અધિકારીઓ ધમકાવતા હોવાનું ખુલ્યું હતું
રાજકોટના નવાગામમાં ચાલી રહેલા સીસી રોડના કામનો કોન્ટ્રાક્ટ મધુરમ કન્સ્ટ્રક્શન પાસે છે અને પરેશભાઇ જ્યારે જ્યારે રોડના કામના સેમ્પલ લેતા હતા ત્યારે તેમને માર ખવડાવવાની ધમકી મળતી હતી. તેમજ ઉપરી અધિકારી પણ ધમકાવતા હતા. પરેશભાઇના આપઘાત બાદ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં બિલના મામલે એન્જિનિયર હાર્દિક ચંદારાણાએ ફોન કરી ધમકી આપ્યાના પોલીસને પુરાવા મળતાં પોલીસે આ અંગે હાર્દિક ચંદારાણા સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.