મોરબી પંથકના સિરામિક કારખાનાઓમાં કામ કરતા શ્રમિકો વચ્ચે થતી મશ્કરીઓ વચ્ચે હસવામાંથી ખસવું જેવો ઘાટ સર્જાતો હોવાના અગાઉ અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં પૂંઠમાં હવા ભરવાની નળી ભરાવી દેતા શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયો છે અને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
મોરબી-વાંકાનેર હાઇવે પર આવેલા બંધુનગર ગામ પાસે સોનમ સેનિટરી નામના કારખાનામાં કામ કરતા સરોજરાજ દેવીનરામ સરૈયા નામનો શ્રમિક અન્ય શ્રમિકો સાથે ઓરડીમાં ગત રાતે સૂતો હતો. આ સમયે અન્ય શ્રમિકોએ મશ્કરી કરવા નિદ્રાધીન સરોજરાજ સરૈયાની પૂંઠમાં એર કમ્પ્રેશરની નળી ભરાવી હવા ભરી દીધી હતી. જેને કારણે સૂતેલા શ્રમિકના શરીરમાં હવા ભરાતા જ તે સફાળો જાગી ગયો હતો અને તેની હાલત બગડી ગઇ હતી. હસવામાંથી ખસવું થઇ જતા અન્ય શ્રમિકો ગભરાઇ ગયા હતા.
બાદમાં યુવાનની તબિયત વધુ લથડતા તુરંત સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાર બાદ વધુ સારવાર માટે સરોજરાજને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવની જાણ થતાં રાજકોટ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સરોજરામ મૂળ બિહારનો છે અને તે ત્રણ વર્ષ પૂર્વે રોજીરોટી કમાવવા માટે મોરબી આવ્યો છે. ચાર ભાઇ, ત્રણ બહેનમાં સરોજરાજ વચેટ છે. જોકે, આ કૃત્ય કોણે કર્યું તે અંગે સારવાર લઇ રહેલા યુવાનને પણ ખબર ન હોય પોલીસે તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.