તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:રાજકોટ ટુર ઓપરેટરની હાલત અત્યંત કફોડી બની, 40 ટકા ધંધાર્થીએ બિઝનેસ બદલવો પડ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 થી 30 ઓપરેટરોએ પોતાનાં વાહન વેચી નાખ્યાં, ક્ષેત્રને ફરી બેઠું કરવું અત્યંત મુશ્કેલ

કોરોનાના કહેર વચ્ચે અનેક ધંધા રોજગાર મંદ પડી ગયા છે. ત્યારે સમગ્ર દેશમાં જો કોઈ વ્યવસાયને સૌથી વધુ અસર પહોચી હોય તો તે ટુર ઓપરેટરોનો ધંધો છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા રાજકોટના કુલ ઓપરેટરો પૈકી 40 ટકાએ પોતાનો વ્યવસાય બદલી નાખ્યો છે. સામે શહેરના કુલ 700થી વધુ ઓપરેટરો પૈકી 25 થી 30 લોકોએ પોતાના વાહન વેચી નાખ્યા છે. આ અંગે રાજકોટ શહેરના ટુર ઓપરેટર અમેશભાઈ દફતરીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના પગલે ધંધાને ખુબ જ માઠી અસરનો સામનો કરવો પડ્યો છે. અને સામે અર્થતંત્ર પણ નબળું પડ્યું છે.

સરકાર દ્વારા જે રાહત પેકેજ આપવામાં આવ્યા છે તેનાથી વ્યવસાયને કોઈજ ફાયદો નહીં પહોંચે. હાલ સ્થિતિ સાનુકુળ થઇ રહી છે, છતાં લોકોમાં સતત ડર છે કે, જો તે ફરવા જશે તો તેઓને કોરોના થઇ શકે છે. સતત દોઢ વર્ષથી ઘરમાં રહ્યા બાદ સપ્તાહના અંતમાં લોકો નજીકના સ્થળે જ ફરવા જવાનું પસંદ કરે છે. જેથી કોઈ અન્ય પ્રશ્ન ઉભા ન થાય. ત્યારે હાલની સ્થિતિને ધ્યાને લઇ ટુર ક્ષેત્રને બેઠું કરવા માટે નેટવર્કિંગ કરવું અત્યંત જરૂરી છે અને લોકોમાં વિશ્વાસ કેળવવો પણ ખુબ જ મહત્વનું છે. વધુને વધુ લોકો ફરી ફરવા તરફનો ઝુકાવ રાખશે તો તો જ ટુર ઓપરેટરોની સ્થિતિ સુધરશે.

કિસ્સો 1 | ઘર ચલાવવા માટે ટિફિન સેવા શરૂ કરી
રાજકોટના મહિલા ટુર ઓપરેટરે જણાવતા કહ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી વ્યવસાય મંદ પડતા તેઓએ ઘર ચલાવવા માટે ટિફિન સેવા શરૂ કરી છે એટલુ જ નહિ, ઇવેન્ટ મેનેજમેન્ટ પણ શરૂ કર્યું છે. આ ક્ષેત્રે લાખો રૂપિયા ગુમાવ્યા છતાં ફરી ક્યારે વ્યવસાય શરૂ થશે તેનો કોઈજ અંદાજ નથી. બીજી તરફ લોકો માટે બુકિંગ કરવા માટે પણ ડર લાગી રહ્યો છે. કે જો ફ્લાઈટ બંધ થશે તો શું થાય. ત્યારે ઘરનું ગુજરાન ચલાવવા માટે વ્યવસાય બદલવો પડ્યો છે.

કિસ્સો 2 | ગાડીઓ વેચવા કાઢી અને ફોટોગ્રાફીનું કામ શરૂ કર્યું
ટુર ઓપરેટર મનીષભાઈ ગોસ્વામીએ જણાવતા કહ્યું હતું કે, તેમની પાસે 3 ગાડીઓ હતી અને ટુર અને ટ્રાવેલ ક્ષેત્રે કામ કરી રહ્યા હતા. સ્થિતિ અત્યંત કફોડી બનતા તેઓએ તેમની બે ગાડી વહેચી નાખી છે અને એક ગાડીને વહેચવા કાઢી છે. ધંધો મંદ હોવાના કારણે હપ્તા પણ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. માત્ર એટલુજ નહિ હાલ લગ્નમાં ફોટોગ્રાફી કરવાનું કામ શરૂ કર્યું છે અને બીજી તરફ નોકરી પણ શોધી રહ્યા છે જેથી ઘર ચાલી શકે.

અન્ય સમાચારો પણ છે...