શહેરમાં આવેલી ઇન્ડિયા હોમ લોન લિ. નામની કંપનીએ લોન સામે દસ્તાવેજ મોર્ગેજ કર્યા પછી પણ લોનની ચૂકવણી નહિ કરતા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે કુલ રૂ.27,63,440ની રકમના વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે તેમના ગ્રાહકને ચૂકવવાનો સીમાચિહ્ન રૂપ હુકમ કર્યો છે.
સંજયભાઇ પરષોતમભાઇ સગપરિયાએ તેની પત્ની, પુત્રી, પુત્રના નામે મોટા વડા ગામે પૂર્વા હાઇટ્સમાં ફ્લેટ્સ ખરીદ કર્યા હતા. જેની સામે પોતાના, પત્ની, પુત્ર-પુત્રીના નામથી જુદી જુદી ચાર લોન મેળવવા માટે ઇન્ડિયા હોમ લોન લિ.માં કાર્યવાહી કરી હતી.
હોમ લોન કંપનીએ રૂ.64 લાખની લોનની રકમ ચૂકવી ન હતી
જે કંપનીની મિટિંગમાં લોન મંજૂર કરવામાં આવતા કંપનીએ સંજયભાઇ પાસેથી દસ્તાવેજો મેળવી રજિસ્ટ્રેશન ખર્ચ, સ્ટેમ્પ ડ્યૂટી, વકીલ ફી, વેલ્યૂએશન રિપોર્ટ સહિતના ખર્ચાઓ મળી રૂ.27.63 લાખનો ખર્ચ સંજયભાઇએ કર્યો હતો. તમામ દસ્તાવેજો મોર્ગેજ બાદ તમામ ફી પણ ચૂકવી દેવા છતાં હોમ લોન કંપનીએ રૂ.64 લાખની લોનની રકમ ચૂકવી ન હતી.
અનેક વખત કહેવા છતાં કંપનીએ અયોગ્ય અને ગેરકાયદેસર નીતિ અપનાવી વિશ્વાસઘાત કર્યો હતો. જેથી સંજયભાઇએ એડવોકેટ સુરેશ ફળદુ મારફત રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ઇન્ડિયા હોમ લોન લિ. કંપની તેમજ તેના ડાયરેક્ટર્સ, મેનેજર સહિત સામે ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદને પગલે ફોરમ દ્વારા તમામને નોટિસ મોકલવામાં આવી હતી.
તેમ છતાં સંજયભાઇને તેમના દસ્તાવેજો ડી મોર્ગેજ કરી આપ્યા ન હતા અને ખર્ચની રકમ પણ પરત કરી ન હતી. બાદમાં સંજયભાઇના વકીલ સુરેશ ફળદુએ કંપનીની અયોગ્ય નીતિરીતિ અંગે રજૂઆત કરી સંજયભાઇને હેરાન કર્યાની રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઇ ફોરમે ઇન્ડિયા હોમ લોન કંપનીના ડાયરેક્ટર્સ , મેનેજર સહિતનાઓને તેમની સામે થયેલી ચાર જુદી જુદી ફરિયાદ મુજબ રૂ.27.63 લાખની રકમ વાર્ષિક નવ ટકાના વ્યાજ સાથે સંજયભાઇને ચૂકવી આપવા મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.