2022નું વર્ષ રાજકોટ પોલીસ માટે ઘાત સમાન નીવડી રહ્યું છે. પહેલા હવાલાકાંડ પછી તોડકાંડ અને હવે દારૂકાંડને કારણે રાજકોટ પોલીસનું નામ ધૂળધાણી થઈ ગયું છે. રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે 2 ફેબ્રુઆરીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે 15 ટકા કમિશને હવાલાના પૈસા પાછા અપાવે છે તેવો આક્ષેપ કરતો ધગધગતો પત્ર લખ્યો હતો. જેના પડઘા રાજ્યભરમાં પડતાં ગૃહ વિભાગે તાબડતોબ તપાસ સમિતિની રચના કરીને હવાલાકાંડમાં સપડાયેલા મનોજ અગ્રવાલની સજારૂપે જૂનાગઢ બદલી કરી નાખી. બાદમાં કાયમી પોલીસ કમિશનરને બદલે છેલ્લા બે મહિનાથી ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદથી શહેરમાં પોલીસખાતું રોળવાય છે. ઉલ્લખનીય છે કે, તાજેતરમાં દારૂકાંડમાં ક્રાઈમબ્રાન્ચના 4 કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચનું વિસર્જન કર્યું પણ કોઇ સુધારો આવ્યો નહીં
ગુનાખોરી અટકાવવા માટે શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ કામ કરતી હોય છે. પરંતુ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ હવાલા બ્રાન્ચ હોવાનો આક્ષેપ રાજકોટના ઉદ્યોગપતિ સખિયા બંધુ અને ખુદ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે લગાવ્યો હતો. તેઓએ લગાવેલો આક્ષેપ સાબિત પણ કરી બતાવ્યો. આથી રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તપાસ સોંપી રિપોર્ટ આવ્યા બાદ રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ ખાતે સજારૂપી બદલી કરી હતી. સાથોસાથ ક્રાઇમ બ્રાન્ચમાં PI, PSIની બદલી કરી ક્રાઇમ બ્રાન્ચનું વિસર્જન કરી દીધું હતું. જોકે આ બાદ પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ જાણે સુધરવાનું નામ ન લેતી હોય તેમ એક બાદ એક વિવાદ અને કૌભાંડમાં સપડાય રહી છે. જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનું પ્રથમ હવાલાકાંડ બાદ કથિત તોડકાંડ અને હવે દારૂકાંડ સામે આવતા ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સામે કડક કાર્યવાહી કરી છે.
ઇન્ચાર્જ પોલીસ કમિશનરને અંધારામાં રાખી કૌભાંડ થાય છે
સીધી રીતે જોવા જઇએ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનરની સૂચના મુજબ તેના સુપરવિઝન હેઠળ કામ કરતી હોય છે. પરંતુ રાજકોટમાં તો હાલ કાયમી પોલીસ કમિશનર જ નથી અને ઇન્ચાર્જ પોલીસ કમિશનરને અંધારામાં રાખી કૌભાંડ કરી વિવાદોના ઘેરામાં સપડાય રહી પોતાના પર લાગેલા ડાઘ દૂર કરવાના બદલે વધુ ડાઘ લગાવવા કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરમાં ભાજપના ચાર ધારાસભ્યો જેમાં એક વર્તમાન રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી તો એક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે. જ્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને લોકસભાના સાંસદ મોહન કુંડારિયા પણ રાજકોટમાં છે. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા પણ રાજકોટના છે. ત્યારે આ નેતાઓ પણ પોતાની ભાજપ સરકાર પાસે રાજકોટ માટે કાયમી કડક પોલીસ કમિશનરની નિમણૂક કરાવવામાં ક્યાંક નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે.
ક્રાઇમ બ્રાન્ચને હવે ક્રિમિનલ બ્રાન્ચ તરીકેનું બિરુદ મળી ગયું
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને હવે ક્રિમીનલ બ્રાન્ચ તરીકેનું બિરુદ મળી ગયું છે. કારણ કે તાજેતરમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ચાર પોલીસ કર્મી સામે સુરેન્દ્રનગરના સાયલા નજીક દારૂ ભરેલા ટ્રક સાથે ચાલકનું અપહરણ કર્યાનું સામે આવ્યું હતું. આ બાબતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી હતી અને ગુનેગારોને પકડી ફોટા પડાવતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓનો જ ગુનેગાર તરીકે ફોટો સામે આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમની ફરિયાદ બાદ રાજકોટ ક્રાઇમ ડીસીપી દ્વારા ક્રાઇમ બ્રાન્ચના PSI ભાવના કડછા સહિત ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ દ્વારા ક્રાઇમ બ્રાન્ચના અન્ય એક ડઝન જેટલા પોલીસ કર્મીઓની બદલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
SOGના તમામ PI-PSIની જિલ્લા બહાર બદલી કરાઇ
વર્ષ 2022 રાજકોટ પોલીસ માટે ભારે ઘાત સમાન હોય તેમ ચાલુ વર્ષની શરૂઆતથી જ પ્રથમ રાજકોટ પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ-કર્મચારીઓ ઝપટે ચડ્યા હતા. તેઓ સામે 75 લાખના હવાલા કાંડનો આક્ષેપ રાજકોટના ઉદ્યોગપતિ સખિયા બંધુ અને ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. જેને લઇ સરકાર એક્શનમાં આવી હતી અને તત્કાલિન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સજારૂપી જૂનાગઢ પીટીસી ખાતે બદલી કરી ક્રાઇમ બ્રાન્ચ અને SOGના તમામ PI અને PSIની જિલ્લા બહાર બદલી કરી વિસર્જન કરવામાં આવ્યું હતું.
ભાજપના નેતાઓ કાયમી CPની નિમણૂક કરાવી શકતા નથી
બાદમાં ઇન્ચાર્જ CP તરીકે ચાર્જ રાજકોટના જ જોઈન્ટ CP ખુરશીદ અહેમદને આપવામાં આવ્યો અને ચાર્જ સંભાળ્યા બાદ વધુ એક 95 લાખનો કથિત તોડકાંડ સામે આવતા DCP પ્રવીણકુમાર મીણાને તપાસ સોંપવામાં આવી હતી. જેનો સમગ્ર રિપોર્ટ 21 એપ્રિલે ઇન્ચાર્જ CP ઉરશીદ અહેમદને સોંપવામાં આવ્યો છે. ત્યારે હવે ફરી નવાજૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. હાલ રાજ્યમાં ભાજપ સરકાર સત્તા પર છે અને રાજકોટમાં ભાજપનું જ શાસન છે. ભાજપના જ મોટા ગજાના નેતાઓ વસવાટ કરી રહ્યા છે ત્યારે આ નેતાઓ પોતાના શહેરમાં કાયમી કડક પોલીસ કમિશનર નિમણૂક કરાવી શકતા નથી કે કરાવવા માગતા નથી તે સૌથી મોટો સવાલ લોકમુખે ચર્ચાઇ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.