તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:રાજકોટમાં મ્યુનિ. કમિશનરે 83 જેટલી કપાત મિલકતના અસરગ્રસ્ત સાથે બેઠક યોજી, વધુ 5 સૂચિત સોસાયટી નિયમિત કરવા દરખાસ્ત

રાજકોટએક મહિનો પહેલા
મિલકત કપાતમાં આવતી હોય આ તમામ મિલકતને નોટિસ આપવામાં આવી હતી
  • કાલાવડ રોડની બન્ને બાજુ 10-10 ફૂટ કપાત કરી પહોળાઈ વધારવાનું આયોજન

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાકાળ પૂર્વે અંદાજે સવા વર્ષ પહેલા કાલાવડ રોડ પર કેકેવી ચોકથી મોટામવા ગામ સુધી લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરવામાં આવી હતી. આ અંગે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા મનપા ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં 83 જેટલી મિલકત કપાતમાં આવતી હોય આ તમામ મિલકતને નોટિસ આપવામાં આવી હતી. જેની સમયમર્યાદા પૂર્ણ થવા આવતા કપાતના અસરગ્રસ્તો સાથે બેઠક યોજી વાંધા–સૂચનોનું હિયરિંગ કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરની વધુ પાંચ સૂચિત સોસાયટીઓને નિયમિત કરવા માટે દરખાસ્ત કરી દેવામાં આવી છે.

મ્યુનિ. કમિશનર અમિત અરોરા
મ્યુનિ. કમિશનર અમિત અરોરા

કાલાવડ રોડની પહોળાઈ વધારવાનું આયોજન
આ અંગે મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, કેકેવી ચોકથી મોટામવા સુધીના કાલાવડ રોડની પહોળાઈ હાલમાં 30 મીટર છે. જ્યારે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત રસ્તાની બન્ને બાજુએ 3-3 મીટરની કપાત મુકીને રસ્તો 36 મીટર પહોળો કરવાનું આયોજન છે. ફૂટ મુજબની ગણતરીએ કાલાવડ રોડની પહોળાઈ 100 ફૂટ છે તેમાં બન્ને બાજુએ 10-10 ફૂટ કપાત કરી 120 ફૂટની પહોળાઇ કરવાનું આયોજન છે.

મિલકત કપાતમાં આવતી હોય આ તમામ મિલકતને નોટિસ આપવામાં આવી હતી
મિલકત કપાતમાં આવતી હોય આ તમામ મિલકતને નોટિસ આપવામાં આવી હતી

હોસ્પિટલ ચોક બ્રિજના કામની રાત્રે વિઝીટ કરી
હાલ મ્યુનિ. કમિશનર અમિત અરોરા એક પછી એક પ્રોજેક્ટની સમીક્ષા કરી રહ્યાં છે. જેમાં સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બની રહેલા થ્રી-આર્મ ફ્લાયઓવર બ્રિજની કામગીરી ચોવીસે કલાક ચાલુ રહે તે માટે તાજેતરમાં જ સૂચના આપી હતી. જે અંતર્ગત ગત રાત્રે 10.30 વાગ્યા આસપાસ તેમણે આ સાઈટની મુલાકાત લીધી હતી. આજથી હોસ્પિટલ ચોકથી કુવાડવા રોડ સદંતર બંધ થયો છે તે પૂર્વે કમિશ્નરે આ વિઝીટ લીધી હતી.

શહેરની વધુ 5 સૂચિત સોસાયટી નિયમિત કરવા દરખાસ્ત
રાજકોટ શહેરની વધુ પાંચ સૂચિત સોસાયટીઓને નિયમિત કરવા માટે દરખાસ્ત કરી દેવામાં આવી છે. સૂચિત સોસાયટીઓ નિયમિત કરવામાં આવતા પ્રશ્નો મામલે આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલે એક મહત્વની બેઠક યોજવામાં આવી રહી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 167 સૂચિત સોસાયટીઓને નિયમિત કરવાની મંજૂરી આપી દેવાઈ છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલના જણાવ્યા પ્રમાણે ગુરુવારે સૂચિત મામલે મુખ્યમંત્રીના બંગલે એક હાઇપાવર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં અગાઉ છ સૂચિત સોસાયટીઓ અને નિયમિત કરવા માટે દરખાસ્ત મોકલાઈ હતી. પરંતુ તેમાં કેટલીક વિગતો અધૂરી તેમ જ ગુણકારી હોવાથી આ છ દરખાસ્તોમાં પૂર્તતા કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટની વધુ પાંચ સૂચિત સોસાયટી ને નિયમિત કરવા માટેની દરખાસ્ત પણ કરવામાં આવી છે.

48 રાજમાર્ગોના દબાણો દૂર કરવા સ્ટેન્ડિંગ ચેરમેનની સૂચના
શહેરનાં 48 રાજમાર્ગો પર રેકડી -પાથરણાવાળાઓના દબાણોથી મુક્ત રાખવા જાહેરનામું વર્ષોથી અમલમાં છે. ત્યારે હવે ફરી આ રાજમાર્ગો પર રેકડી-પાથરણાવાળાઓના દબાણો થવા લાગ્યા હોય. સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ અને એસ્ટેટ વિભાગના ચેરમેન દિલીપ લુણાગરિયાએ મ.ન.પા.ના એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઓફિસરો સાથે બેઠક યોજી આ તમામ રાજમાર્ગો પરથી રેકડી-કેબીનો -પાથરણાઓના દબાણો દૂર કરવા કડક શબ્દોમાં સુચનાઓ આપી હતી. આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, શહેરની જ્યુબેલી શાક માર્કેટ, યુનિવર્સિટી રોડ, પરાબજાર, મોચી બજાર, 150 રિંગ રોડ, રૈયા રોડ, મવડી મેઇન રોડ વગેરે મુખ્ય રાજમાર્ગો પર રેકડી-કેબીનો અને ખાસ કરીને પાથરણાવાળાઓનું દબાણ વધ્યું હોય ટ્રાફિક જામની ફરિયાદો મળી રહી છે.