શહેરના કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીના બે સગાએ નર્સિંગ સ્ટાફ સાથે ઝઘડો કરી તમાચા ઝીંકી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. બી ડિવિઝન પોલીસમથકના પીએસઆઇ કે.યુ.વાળાએ જણાવેલી વિગત મુજબ, કુવાડવા રોડ પોલીસમથકમાં હેડ કોન્સ.તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઇ ગાંડુભાઇ વાંકે ગુરુવારે તેના મોરબી રોડ પર આવેલા નિવાસ સ્થાને ઝેરી દવા પી લીધી હતી. બાદમાં પરિવારજનોએ જમાદાર પ્રકાશભાઇને સારવાર માટે ગોકુલ હોસ્પિટલ લઇ આવ્યા હતા.
દરમિયાન સારવાર લઇ રહેલા જમાદાર પ્રકાશભાઇને તેમના પરિવારજનો અન્ય હોસ્પિટલ લઇ જવા માગતા હોય ગુરુવાર બપોરે 108ને બોલાવી હતી. અને એક નર્સિંગ સ્ટાફને એમ્બ્યુલન્સમાં સાથે મોકલવાની વાત કરી હતી, પરંતુ હોસ્પિટલના નિયમ મુજબ એમ્બ્યુલન્સમાં નર્સિંગ સ્ટાફ સાથે જઇ શકતા ન હોય સાથે જવાની ના પાડી હતી. ત્યારે દર્દી પ્રકાશભાઇના બે સગાએ નર્સિંગ સ્ટાફ સાથે ઝઘડો કર્યો હતો.
બે શખ્સ સામે ગુનો નોંધાયો
મામલો વધુ બિચકતા ઉશ્કેરાયેલા એક શખ્સે સ્ટાફને તમાચા ઝીંકી દીધા હતા. સ્ટાફને તમાચા મારતાની સાથે જ અન્ય નર્સિંગ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા. અને સ્ટાફને તમાચા ઝીંકનાર શખ્સને બહાર લઇ ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી અને હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના હેડ રવિભાઇ અશોકભાઇ ત્યાગીની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદને પગલે પોલીસે હુમલો કરનાર બે શખ્સના નામ મેળવવા તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.