રાજકોટના સમાચાર:ચૂંટણીમાં પ્રથમ મતદાન કરનારા મતદારોનું કલેકટર સન્માન કરશે,દર કલાકે મતદાનની ટકાવારી જાહેર થશે

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ - Divya Bhaskar
રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ

રાજકોટ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના નિર્દેશમાં વિવિધ કામગીરીઓ વેગવાન બની છે. જ્યાં તેમણે પત્રકારો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીમાં પ્રથમ મતદાન કરનારા મતદારોનું કલેકટર સન્માન કરશે,દર કલાકે મતદાનની ટકાવારી જાહેર થશે.

બારકોડવાળી મતદાર કાપલીનું વિતરણ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી ડ્યૂટીમાં રહેલા કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે તાલીમ સ્થળે મતદાન સુવિધા કેન્દ્ર ઊભા કરવામાં આવશે. વિવિધ વિધાનસભા વિસ્તારોમાં તાલીમ ગોઠવાશે એ સાથે મતદાનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. હાલ જિલ્લામાં આઠ વિધાનસભા મત વિસ્તારોમાં બૂથ લેવલ ઓફિસર દ્વારા બારકોડવાળી મતદાર કાપલીનું વિતરણ ચાલી રહ્યું છે.

1 હજાર જેટલા મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,હાલમાં જ માઈક્રો ઓબ્ઝર્વરનું બીજું રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું છે. જિલ્લામાં આઠ વિધાનસભાના આશરે 1 હજાર જેટલા મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ થશે. જેમાં જે-તે વિધાનસભાના ઓબ્ઝર્વર જરૂર મુજબ વધારો-ઘટાડો કરી શકશે. ઉપરાંત સી.આર.પી.એફ. તથા પોલીસના જવાનો પણ સુરક્ષામાં તહેનાત રહેશે. મતદાન પહેલાં પોલિંગ કર્મચારીઓને ઈ.વી.એમ. તથા વી.વી.પેટ.ની તાલીમ બે વાર આપવામાં આવશે.

મતદાન જાગૃતિના સંદેશા નાગરિકો સુધી પહોંચાડીશું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,બહેનોને મતદાન માટે પ્રેરણા મળે તે માટે ગેસના સિલિન્ડર પર પણ મતદાન અચૂક કરજો તેવા સ્ટિકર્સ લગાવવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાની ટેક્સ શાખા સાથે મળીને દરેક કરદાતા નાગરિકોને પણ મતદાનની અપીલ કરતા એસ.એમ.એસ. કરવામાં આવશે. ઉપરાંત વિવિધ સમાચાર માધ્યમો, ચેનલ્સના માધ્યમથી પણ નાગરિકોને મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે. લોકોને મતદાન માટે પ્રેરણા મળે તેવા પેમ્ફલેટ છપાવીને અખબારોના માધ્યમથી ઘરે-ઘરે વિતરણ કરીશું. ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકાની વાન દ્વારા પણ મતદાન જાગૃતિના સંદેશા નાગરિકો સુધી પહોંચાડીશું.

14 વૃદ્ધાશ્રમમાં પણ મતદાનની અપીલ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,પહેલીવાર મતદાન કરનારા યુવા મતદારો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં યુવાનોને મતદાન વખતે શું શું ખ્યાલ રાખવો, શું શું ના કરવું તેની સમજ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મતદાન જાગૃતિ માટે રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્વર પુજારા પણ ઉપસ્થિત રહેશે. લોકશાહીમાં મતદાન થકી નાગરિકોની સહભાગિતા વધારવા પર ભાર મુકતાં તેમણે કહ્યું કે, વૃદ્ધ લોકોનું મતદાન વધે તે માટે 14 વૃદ્ધાશ્રમોમાં પણ મતદાનની અપીલ કરીશું. ઉપરાંત આ વૃદ્ધોને મતદાન માટે તકલીફ ના પડે તે માટે વાહનની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

દર કલાકે મતદાનની ટકાવારી જાહેર
વધુમાં તેમણે કહ્યું કે, મતદાન માટે અન્યોને પ્રેરણા મળે તે માટે મતદારોનું સન્માન પણ કરાશે. જેમાં વિધાનસભા દીઠ પ્રથમ મતદાન કરનારા બે બુઝુર્ગ મતદારો, બે યુવા મતદારો તેમજ થર્ડ જેન્ડરના મતદારોનું સન્માન કરાશે. ઉપરાંત સૌથી પહેલું મતદાન કરનારા વિધાનસભા દીઠ બે યુવા મતદારો સાથે ડીનર વિથ કલેક્ટર કાર્યક્રમનું પણ આયોજન વિચારણા હેઠળ છે. મતદાન વખતે જ મતદાનની ટકાવારી અંગે તેમણે કહ્યું કે, આ વખતે પહેલીવાર બૂથ એપના માધ્યમથી મતદાન વખતે જ દર કલાકે મતદાનની ટકાવારી જાહેર કરવાનું આયોજન છે. જો કે તે શહેર પૂરતું સીમિત હશે.

પોલિંગ સ્ટાફનું ત્રીજું રેન્ડમાઈઝેશન કરાશે
વધુમાં તેમણે કહ્યું કે, જિલ્લામાં પેરા મિલિટરી ફોર્સની નવ કંપનીઓ આવી ગઈ છે. જેના દ્વારા વિવિધ રૂટો પર માર્ચપાસ્ટ પણ કરાય છે અને પોલીસની સાથે રહીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ છે. આ વખતે સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ થઈ રહ્યું છે અને સોશિયલ મીડિયામાં પ્રચારનો ખર્ચ ઉમેદવારના ખાતામાં ઉમેરવામાં આવશે. મતદાનના અગાઉના દિવસોમાં ઓબ્ઝર્વર તથા ચૂંટણી અધિકારીની હાજરીમાં પોલિંગ સ્ટાફનું ત્રીજું રેન્ડમાઈઝેશન કરાશે. જેમાં દરેક સ્ટાફને બૂથની ફાળવણી થશે

આરોગ્યના વિભાગ દ્વારા દૂધ, ડેરી પ્રોડક્ટસ, ખાદ્યતેલ વગેરેના નમૂના લેવાયા
મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા ખાણીપીણીના પરીક્ષણ સાથે હવે વધુ એક વખત ચાના નમુના લેવાનું શરૂ કરાયું છે. રાજકોટના રસ્તા અને બજાર વિસ્તારમાં ચાનો ધંધો એ ઉદ્યોગની જેમ ચાલે છે ત્યારે ચા અને ચાની ભુકીનું પરીક્ષણ વધુ એક વખત શરૂ કરાયું છે. નાના મવા રોડ પર રાજનગર ચોકમાં આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં જય સિયારામ ટી સ્ટોલમાંથી ચાની લુઝ ભુકીનો નમુનો લેવામાં આવ્યો હતો. તો ત્યાં નજીકમાં જ આવેલ ચામુંડા ટી સ્ટોલમાંથી ચા લુઝનો નમુનો લઇને આ બંને સેમ્પલ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.દરમ્યાન મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર આજીડેમ ચોક્ડી વિસ્તારમાં ખાણી-પીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઠંડાપીણા, મસાલા, દૂધ, ડેરી પ્રોડક્ટસ, ખાદ્યતેલ વગેરેના કુલ 21 નમૂનાનું સ્થળ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...