• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Collector Of Rajkot Issued A Notification Saying, Drive On Punitnagar Road, JETCO Says, There Is A Heavy Line Here, We Will Not Be Responsible If There Is An Accident.

વિવાદ:રાજકોટના કલેક્ટરે જાહેરનામું બહાર પાડી કહ્યું, ‘પુનિતનગર રોડ પરથી વાહન ચલાવો’, જેટકો કહે છે, ‘અહીંયા હેવી લાઈન છે, અકસ્માત થશે તો અમે જવાબદાર નહીં’

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગોંડલ રોડ ચોકડીએ બ્રિજ બનતો હોવાથી એકબાજુનો વાહન વ્યવહાર બંધ કરાયા પછી એક બાદ એક સમસ્યા બહાર આવી રહી છે
  • નિયમ મુજબ 66 કે.વી. લાઈનથી 1.75 મીટરના અંતર સુધી બાંધકામ ન થાય, રૂડાએ થાંભલાને અડીને રોડ બનાવ્યો જેથી વીજ અકસ્માતની સંભાવના

રાજકોટમાં ગોંડલ ચોકડીએ ઓવરબ્રિજ બનતો હોવાથી રિંગ રોડ-2 અને પુનિતનગર રોડ પર ડાયવર્ઝનનું જાહેરનામું જિલ્લા કલેક્ટરે જિલ્લા પોલીસવડા અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અભિપ્રાય મુજબ બહાર પાડ્યું પણ આ અભિપ્રાયમાં અનેક જગ્યાએ છીંડા રહી ગયા છે. તેવામાં જે રોડ પરથી ભારે વાહનો સિવાયને પ્રવેશવાનુંં છે તે રોડ જ સુરક્ષિત ન હોવાનો અને ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે તેવું સરકારી તંત્રએ અગાઉ જાહેર કર્યું હોવાનું સામે આવ્યું છે.

ગોંડલ રોડ તરફથી આવતા ટ્રાફિકમાં ભારે વાહનો ફક્ત રિંગ રોડ-2થી શહેરમાં આવી શકશે જ્યારે અન્ય વાહનો માટે પુનિતનગર રોડ ફાળવાયો છે. આ પુનિતનગર રોડ ડીપી પ્લાન મુજબ 30 મીટર પહોળો છે અને હાલ 15 મીટર બનાવાયો છે જ્યારે થોડા અંતર માત્ર 8 જ મીટર પહોળાઈ ધરાવે છે કારણ કે, રોડની બંને તરફ જેટકોની હાઈ ટેન્શન વીજલાઈનના એચ ટાઈપ થાંભલા છે. માત્ર આટલું જ નહિ રોડ બન્યો ત્યારે એટલે કે 2020માં જેટકોએ રૂડાને પત્ર લખીને કહ્યું હતું કે, રોડ બનાવવામાં ઈન્ડિયન ઈલેક્ટ્રિસિટી અધિનિયમન 79નો ભંગ કર્યો છે. આ નિયમ મુજબ વીજલાઈનથી 1.75 અંતર બાદ જ કોઇ બાંધકામ કરવાનું હોય છે પણ રૂડાએ તો લાઈનની નીચે જ રોડ બનાવ્યો જે ગેરકાયદે છે. આથી વીજ અકસ્માત થવાનો ભય હોવાથી રોડ અસુરક્ષિત છે અને રોડ ખુલ્લો મૂકવો ન જોઈએ જો રોડ ખુલ્લો મુકાય અને અકસ્માત થાય તો તેની જવાબદારી જેટકોની રહેશે નહિ આથી ઝડપથી લાઈન શિફ્ટિંગની નિયમ મુજબ અરજી કરી પૈસા ભરી દેવા.

આ પત્ર પરથી સ્પષ્ટ થાય છે કે રોડ અસુરક્ષિત છે ત્યાં અકસ્માતનો ભય છે એટલું જ નહિ 15 મીટર પહોળો રોડ એક સ્થળે તો માત્ર 8 મીટરનો જ થઈ જાય છે કારણ કે, બંને તરફ થાંભલા છે. બીજી બાજુ રૂડા કહે છે કે આ રોડ ડીપી પ્લાનમાં મુકાયો હતો અને ત્યારે બધા વિભાગો પાસેથી વાંધા મગાવ્યા હતા જેટકોએ ત્યારે કોઇ વાંધો રજૂ કર્યો ન હતો. આ બધા વાંધાઓ વચ્ચે જ કલેક્ટરે રાજકોટ જવા માટે માત્ર તે જ રોડનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડ્યું છે તેથી ત્યાં ટ્રાફિકની સંખ્યા વધતા અકસ્માતનો ભય પણ વધી ગયો છે. આ વધુ એક પુરાવો છે કે તંત્ર વચ્ચે સંકલનનો અભાવ થાય ત્યારે આખરે પ્રજાએ જ ભોગવવું પડે છે.

રૂડા કહે જેટકોની સમસ્યા, જેટકો કહે અમે નોટિસ આપતા રહીશું
રૂડાના સીઈઓ ચેતન ગણાત્રાએ આ મામલે જણાવ્યું હતું કે, પ્લાન મંજૂરી અર્થે મુકાયો ત્યારે તમામ વિભાગોને નોટિસ ઈસ્યૂ કરીને વાંધા મગાવ્યા હતા અને 6 મહિનાનો સમય આપ્યો હતો. આમ છતાં ત્યારે જેટકોએ કોઇ વાંધા રજૂ કર્યા ન હતા. રોડ બન્યાના 8 મહિના પછી અચાનક નોટિસ આપી હવે રોડ બની ગયા બાદ કેવી રીતે ખસેડી શકાય? જેટકોના થાંભલાને કારણે જ રોડ સાંકડો બનાવવો પડ્યો છે. જે તે સમયે વાંધો ન ઉઠાવ્યો તે મુદ્દે અમે પત્ર વ્યવહાર કરતા તેનો જવાબ આવ્યો નથી. બીજી તરફ જેટકોના ઈજનેર પ્રફુલ વરસડાએ જણાવ્યું હતું કે ‘ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને આ રોડની સ્થિતિ જોતા રૂડાને તાત્કાલિક નોટિસ અપાઇ હતી અને સમયાંતરે નોટિસ આપી છે. એક સ્થળે તો વાયરની નીચેથી રોડ બનાવ્યો છે જે સદંતર ગેરકાયદે છે. રૂડા સાથે બેઠક કરતા તેઓએ પૈસા ભરવાની તૈયારી બતાવી હતી પણ અન્ડરગ્રાઉન્ડની કામગીરી કરીને જ્યાંથી કેબલ બહાર કાઢવાનો છે ત્યાં મનપાની હદ છે અને તેઓએ આ માટે જગ્યા આપવાની ના પાડી દીધી છે. રૂડા અને આરએમસીએ નક્કી કરવાનું છે બાકી અમે તો નોટિસ આપતા રહીશું.’

અકસ્માતની બીકે હેવી લાઈનમાં વીજપ્રવાહ ઘટાડાયો
રોડ નીકળવાને કારણે 66 કેવી વિક્રમ-પુનિત એચફ્રેમ અને 66 કેવી. વિક્રમ-ખોડિયારનગર લાઈનમાં કોઇ પણ જગ્યાએ વાહન અથડાવવા ઉપરાંત કેબલ તૂટવા જેવા ગંભીર અકસ્માત થઈ શકે છે કારણ કે, વીજલાઈન દાયકાઓ જૂની છે. આ ડરથી જેટકોએ છેલ્લા બે વર્ષથી હેવી વીજલાઈન હોવા છતાં તેમાંથી જૂજ વીજપ્રવાહ પસાર કરાવાય છે અને તે પણ એ ડરે કે જો વીજપ્રવાહ સદંતર બંધ કરાશે તો કેબલ ચોરી થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...