રાજકોટ શહેર અને જિલ્લામાં ઘણા ઐતિહાસિક સ્થળો આવેલા છે. આ દરેક સ્થળોમાં પોતપોતાનો અનોખો ઈતિહાસ છૂપાયેલો છે. જેમ કે કબા ગાંધીનો ડેલો, કસ્તુરબા ધામ, ખંભાલિડા બૌધ્ધ ગુફાઓ, હિંગોળગઢ, ઓસમ ડુંગર આ ઉપરાંત કેટલાક બેનમૂન બાંધકામો પણ છે. આ બધા જ સ્થળો ટુરિસ્ટ પોઈન્ટ પણ છે જો કે આ તમામને એકતાંતણે જોડવા માટે એક હિસ્ટ્રી સર્કિટ બનાવવાનું આયોજન કરાયું છે.
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના સચિવ રાજકોટ આવ્યા હતા અને તેમની સાથે બેઠકમાં હિસ્ટ્રી સર્કિટની ચર્ચા કરી હતી. રાજકોટ જિલ્લામાં ઘણા ઐતિહાસિક સ્થળો છે જેમના ઈતિહાસને લોકભોગ્ય બનાવાશે. જૂના રાજકોટ તેમજ આસપાસના સ્થળો, ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કરાશે. હાલ દરખાસ્ત તૈયાર કરવાની છે આ માટેની કામગીરી શરૂ કરવા માટે પુરાતત્વ વિભાગને કામગીરી અપાશે.
હિસ્ટ્રી સર્કિટ બનવાથી રાજકોટની તવારીખમાં જે પણ ઘટનાઓ જે તે સ્થળોએ બની છે તેની તમામ માહિતી મળી રહેશે. આ કારણે રાજકોટમાં રહેતા ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ મુલાકાતે આવતા ઈતિહાસપ્રેમીઓ તેમજ વિદ્યાર્થીઓ રાજકોટના ઈતિહાસને ખુબ જ સારી રીતે સમજી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.