ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ડો.ભરત બોઘરાએ વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા 15 ઓક્ટોબરથી લાગુ પડી જશે તેમ કહી કાર્યકરોને ચૂંટણીના કામે લાગી જવા હાકલ કરી હતી, જોકે ત્યારબાદ ભૂલનો અહેસાસ થતાં બોઘરાએ ફેરવી તોળ્યું હતું અને પોતે અંદાજ વ્યક્ત કર્યાનું કહી બચાવનો પ્રયાસ કર્યો હતો.
રાજકોટના હેમુ ગઢવી હોલમાં શુક્રવારે રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી મળી હતી, કાર્યકરોને સંબોધતી વખતે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ડો.ભરત બોઘરાએ કહ્યું હતું કે, 15 ઓક્ટોબરે આચારસંહિતા લાગુ પડી જશે, ચૂંટણીની તૈયારીના 100 થી 125 દિવસ બાકી છે ત્યારે સરકારની વિવિધ યોજના અને કામગીરી લોકો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.બોઘરાએ આચારસંહિતા લાગુ પડવાની તારીખ જાહેર કરીને કાર્યકર્તાઓને ચોંકાવી દીધા હતા.
મીડિયા કર્મીઓએ પૂછ્યું હતું કે, ચૂંટણી ક્યારે યોજાશે તે ચૂંટણીપંચ જાહેર કરતું હોય છે અને ચૂંટણીપંચ જાહેર કરે નહીં ત્યાં સુધી કોઇ પણ વ્યક્તિને કે નેતાને આ વાતની જાણ હોતી નથી તો 15 ઓક્ટોબરે આચારસંહિતા લાગુ પડી જશે તેવું તમે કેવી રીતે કહી શકો?, તેવા પ્રશ્નથી ડો. બોઘરાને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને બચાવ કરતા કહ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં નિશ્ચિત સમયે ચૂંટણી યોજાય તો પણ ઓક્ટોબર મહિનામાં આચારસંહિતા લાગુ પડે તેવા અંદાજ સાથે પોતે આ વાત કરી હોવાનું કહી ફેરવી તોળ્યું હતું.
રાદડિયા-બાવળિયાએ બોઘરાનો બચાવ કર્યો
ડો.બોઘરાના નિવેદન બાદ જિલ્લા કારોબારી સ્થળે હાજર ધારાસભ્ય જયેશ રાદડિયાને મીડિયાએ ચૂંટણીની તારીખ ડો.બોઘરા કેવી રીતે જાહેર કરી શકે તેમ પૂછતા રાદડિયાએ કહ્યું હતું કે, ડો.બોઘરાએ શક્યતા વ્યક્ત કરી હશે, જ્યારે ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે, ચૂંટણીપંચે ચૂંટણીની તારીખ નક્કી કરવાની હોય છે, ડો.બોઘરાએ કેવી રીતે જાહેર કર્યું તે અંગે પૂછાતા બાવળિયાએ જણાવ્યું હતું કે, એ ભરતભાઇનો વિષય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.