કોરોના રાજકોટ LIVE:શહેર અને જિલ્લામાં 8 દિવસમાં 800 ટકા કેસ વધ્યા, સિટીમાં આજે 166 અને ગ્રામ્યમાં 91 વ્યક્તિ સંક્રમિત થઈ

રાજકોટ5 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર.
  • હજુ દવાની આડેધડ ખરીદી થતી ન હોવાથી સંગ્રહખોરી અટકી
  • શહેરમાં કુલ 327 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા

રાજકોટમાં ગઇકાલ કરતા 17 કેસ ઘટીને આજે નવા 166 કેસ નોંધાયા છે. આઠ દિવસ પહેલા 21 કેસ નોંધાયા હતા. 8 દિવસમાં 800 ટકા કેસ નોંધાયા છે. આથી પોઝિટિવ કેસની કુલ સંખ્યા 43963 પર પહોંચી છે. જ્યારે જિલ્લામાં આજે નવા 91 કેસ નોંધાયા છે. જિલ્લામાં 8 દિવસ પહેલા 11 કેસ નોંધાયા હતા. આથી ગ્રામ્યમાં પણ આજે 800 ટકાથી વધુ કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ કેસની સંખ્યા 15326 થઇ છે.​​​​​

મારવાડી યુનિ. 17 જાન્યુઆરી સુધી બંધ
ગઇકાલે મારવાડી યુનિવર્સિટીમાં 10 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી કોરોનાના વધતા કેસોને લઇને 17 જાન્યુઆરી સુધી મેનેજમેન્ટ ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત થતા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ યુનિવર્સિટીનું એક બિલ્ડીંગ કન્ટેન્મેન્ટ ઝોનમાં ધકેલી દેવામાં આવ્યું છે. પરીક્ષાની તારીખો 13 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. શહેરના યાજ્ઞીક રોડ પર આવેલા રામકૃષ્ણ આશ્રમના નિખિલેશ્વરાનંદ સ્વામી સહિત 4 સંતો કોરોના સંક્રમિત થયા છે.

શહેરમાં 327 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસનો આંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. હાલ રાજકોટ શહેરમાં 988 એક્ટિવ કેસ થયા છે. પોઝિટિવ કેસની સામે રાહતના સમાચાર એ સામે આવ્યા છે કે, માત્ર 5 દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે બાકીના તમામ દર્દીઓ હોમ આઇસોલેટ થયા છે. હાલમાં શહેરમાં 327 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. પોઝિટિવ રેશિયો 2.70 ટકા પહોંચ્યો છે. ગ્રામ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 280 થઇ છે.

શહેરમાં 7 ટેસ્ટિંગ ડોમ પર ટેસ્ટિંગ કામગીરી
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત આરોરાએ જણાવ્યું હતું કે, કોરોનાના લક્ષણો ધરાવતા લોકોના 7 ટેસ્ટિંગ ડોમ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે અને RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ઓક્સિજનની જરૂર હજુ સુધી પડે તેવી સ્થિતિ આવી નથી. પરંતુ હાલમાં સંજીવની અને ધન્વંતરિ રથ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જોકે લોકોએ કોરોનાથી ગભરાવવાની જરૂર નથી. લક્ષણો જણાય તો તુરંત ટેસ્ટ કરાવી ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરાવી લેવી.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

શહેરમાં હોસ્પિટલાઈઝેશનનો રેશિયો 1 ટકા કરતા પણ ઓછો
શુક્રવાર બપોર સુધીમાં જે 496 એક્ટિવ કેસ હતા તેમાંથી માત્ર 4 જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જ્યારે બાકીના તમામ હોમ આઈસોલેશનમાં છે જે દાખલ છે તેમાંથી પણ માત્ર 1 જ સિવિલ હોસ્પિટલમાં છે જ્યારે બાકીના 3 ખાનગીમાં સારવાર લઇ રહ્યા છે. આ રીતે રાજકોટ શહેરમાં હોસ્પિટલાઈઝેશનનો રેશિયો 1 ટકા કરતા પણ ઓછો છે. તબીબો જણાવી રહ્યા છે કે વેક્સિનને કારણે કોરોના થયા બાદ પણ લક્ષણો સાવ સામાન્ય છે અને ઘરે રહીને જ દર્દીઓ સાજા થઈ રહ્યા છે.

ગ્રામ્યમાં 229 એક્ટિવ કેસમાંથી 6 દર્દી જ હોસ્પિટલાઈઝ
બીજી તરફ રાજકોટ જિલ્લામાં નવા 69 કેસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 229 થઈ છે અને તેમાંથી પણ માત્ર 6 જ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જ્યારે બાકીના હોમ આઈશોલેશનમાં છે. તંત્રના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે કોરોના કેસની ગતિ એકદમથી વધી રહી છે પણ બીજી તરફ હોસ્પિટલાઈઝેશન નથી તેથી ગભરાવવાની જરૂર નથી. પણ, જે પણ વ્યક્તિ પોઝિટીવ આવે પછી તે હોમ આઈસોલેશનમા હશે તો પણ સતત 14 દિવસ સુધી ઘરે જ રહેવુ પડશે.

રાજકોટ મ્યુનિ,કમિશનરે રાજકોટની સ્થિતિ વિશે મીડિયાને માહિતી આપી.
રાજકોટ મ્યુનિ,કમિશનરે રાજકોટની સ્થિતિ વિશે મીડિયાને માહિતી આપી.

મારવાડીમાં 10 વિદ્યાર્થી પોઝિટિવ, રજિસ્ટ્રાર કહે માત્ર 4 જ છે
રાજકોટની ભાગોળે આવેલી મારવાડી કોલેજમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 10 બાળકો બે દિવસમાં પોઝિટિવ આવ્યા હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તેમના માતા-પિતા કોલેજ આવીને હોમ આઈસોલેશન માટે ઘરે લઈ જવા પણ આવ્યા હતા અને તમામને અલગ અલગ જિલ્લામાં લઈ જવાયા છે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ શાહે જણાવ્યું હતું. જોકે મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ત્યાં એક સપ્તાહમાં માંડ 4 જ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા બીજા કોઇ પણ પોઝિટિવ આવ્યા નથી.

એન્ટિબાયોટિક દવાની ખરીદીમાં 15 ટકાનો વધારો
કોરોનાની પ્રથમ લહેરમાં બીપી, ડાયાબિટીસ, માસ્ક સેનિટાઈઝર તો બીજી લહેરમાં ટેમિફલૂ, ઓક્સોમીટર, રેમડેસિવીર ઈન્જેક્શન સહિત મેડિકલ સાધનોની ડિમાન્ડ વધી હતી. જોકે અત્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે પરંતુ આમ છતાં હજુ દવાની આડેધડ ખરીદી થતી નથી. એટલે સંગ્રહખોરી અટકી છે. જોકે અત્યારે એન્ટિબાયોટિક દવાની ખરીદીમાં 15 ટકાનો વધારો થયો હોવાનું સૌરાષ્ટ્ર-કચ્છ કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ મયૂરસિંહ જાડેજા જણાવે છે. ત્રીજી લહેરના અનુસંધાને લોકો તરફથી આવતી દવાની જરૂરિયાતને પહોંચી શકાય તે માટે હાલ દરેક મેડિકલમાં દોઢ ગણો સ્ટોક રાખવામાં આવ્યો છે હાલમાં માસ્કની ડિમાન્ડ જોવા મળે છે જ્યારે સેનિટાઈઝર અને ઓક્સોમીટર તેમજ ટેમ્પરેચર ગનની ડિમાન્ડ નહીંવત છે.

મારવાડી યુનિ.માં કોરોના વિસ્ફોટ, પરીક્ષા સ્થગિત કરાઈ
મારવાડી યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલી પાર્ટીના આયોજન બાદ કોરોના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નરેશ જાડેજાના જણાવ્યા અનુસાર 10મીથી 13 જાન્યુઆરી દરમિયાન વિદ્યાર્થીઓનું અભ્યાસ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત આ ત્રણ દિવસના સમયગાળા દરમિયાન પરીક્ષા આપતા 3000 જેટલા વિદ્યાર્થીઓની સાયન્સ, એન્જિનિયરિંગ તથા ફાર્મસી વિભાગની પરીક્ષાને રદ કરાઇ છે.

250 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા, સૌથી વધુ ધોરાજીમાં 138
ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના કેસમાં વધારો થતા તાલુકામાં ફરી માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 254 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જે તે વિસ્તારને કેસમાં વધારો થતા તે વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાય છે. સૌથી વધુ કેસ ધોરાજી તાલુકામાં સામે આવતા માત્ર ધોરાજીમાં જ 138 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે વિસ્તારને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ ગોંડલ તાલુકામાં 45, જેતપુરમાં 29, ઉપલેટામાં 13, રાજકોટ તાલુકામાં 10, જસદણમાં 7, લોધિકામાં 4, જામકંડોરણામાં 4, પડધરીમાં 2, કોટડાસાંગાણીમાં 2 એમ કુલ 254 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...