કોરોનાની પહેલી અને બીજી લહેરમાં અત્યંત બિહામણા દ્રશ્યો જોયા બાદ હવે ત્રીજી લહેર પણ ભૂક્કા કાઢ રહી હોય તેવી રીતે રેકોર્ડબ્રેક કેસ મળી રહ્યા છે. ત્યારે આજે ફરી શહેરમાં નવા 1259 કેસ નોંધાયા છે. શહેરમાં એક સપ્તાહ દરમિયાન 37409 ટેસ્ટ કરાયા હતા અને તેમાં 4016 પોઝિટિવ કેસ આવ્યા હતા જે સરેરાશ 10 ટકાનો પોઝિટિવ રેશિયો ધરાવે છે એટલે કે દર 10 ટેસ્ટમાંથી એક વ્યક્તિ પોઝિટિવ નીકળ્યો છે. જેને પગલે ટેસ્ટિંગ બુથની બહાર લોકોની કાતર લાગી છે. હજુ પણ ધ્યાન રાખવામાં નહીં આવે તો ત્રીજી લહેર કલ્પી ન શકાય તેટલા લોકોને ઝપટે લેશે.
લેબોરેટરીના સંચાલકો સાથે રિવ્યુ બેઠક યોજી
આજે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ સિવિલ હોસ્પિટલના ડોકટરો અને લેબોરેટરીના સંચાલકો સાથે રિવ્યુ બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમજ સિવિલ હોસ્પિટલમાં હાલ આરટી-પીસીઆર અને એન્ટીજન 3500 જેટલા ટેસ્ટ થઇ રહ્યા છે જે વધારીને 6000 ટેસ્ટ કરવા માટે કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા સિવિલ હોસ્પિટલના અધિક્ષકને આદેશ કરવામાં આવેલ હતો.
મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની તબિયત લથડી
શહેરમાં કોરોના જ્વાળામુખીની જેમ ફાટ્યો હોય તેમ એક પછી એક સંક્રમિતોની સંખ્યા દીવસ દરમિયાન વધુ રહી છે. જ્યાં આજે રાજકોટ IBના DYSP એસ.એમ.ધાધલ પરિવારના પાંચ સભ્યો સાથે કોરોના પોઝિટિવ થતા હોમ આઇસોલેટ થયાં છે.આ સાથે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પ્રકાશ માંગુડા,ગોંડલના મામલતદાર કે.વી નકુમ, ધોરાજીના મામલતદાર કે.ટી જોલાપરા પણ કોરોના સંક્રમિત થયા છે. ઉપરાંત રાજકોટ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની તબિયત લથડી છે. અત્યંત શરદી-ઉધરસના કારણે તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો છે. જેનું પરિણામ સાંજે આવશે.
શહેરમાં ટેસ્ટ વધશે તેમ હજુ આ આંક ઘણો વધશે
ગઈકાલે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં 1336 પોઝિટિવ કેસ નોંધાયા હતા. બીજી લહેર પીક પર હતી ત્યારે પણ 20 એપ્રિલના રોજ એક દિવસમાં સૌથી વધુ 764 પોઝિટિવ કેસ ચોપડે નોંધાયા હતા આ તેના કરતા બમણા જેટલા કેસ છે. બીજી તરફ ટેસ્ટની સંખ્યા પણ સાવ જૂજ જ છે તેથી શહેરમાં ટેસ્ટ વધશે તેમ હજુ આ આંક ઘણો વધશે.
ગ્રામ્યમાં 777 એકટીવ કેસ છે
રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે ગોંડલમાં 37, જેતપુરમાં 36, ધોરાજીમાં 16, ઉપલેટામાં 15 , રાજકોટ તાલુકામાં 6, લોધીકા-જામકંડોરણામાં 3, કોટડાસાંગાણીમાં બે વર્ષની બાળકી સહિત 4 કેસ નોંધાયા છે. જ્યારે -જસદણમાં 4 અને પડધરીમાં 1 કેસ નોંધાયો છે. ગ્રામ્યમાં 777 એકટીવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 16253 સંક્રમિતો નોંધાઇ ચુકયા છે.
બે સિન્ડિકેટ સભ્ય, એક વિદ્યાર્થી સંક્રમિત, યુનિવર્સિટીની લેબ બંધ
રાજકોટ સહિત રાજ્યમાં છેલ્લે ઘણા દિવસોથી કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ બે સિન્ડિકેટ સભ્યો અને એક વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા યુનિવર્સિટીના ટીચિંગ અને નોન ટીચિંગ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનનો એક વિદ્યાર્થી પણ સંક્રમિત થતા આ ભવનની લેબોરેટરી એક સપ્તાહ માટે બંધ કરી છે અને આખા ભવનને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ યુનિવર્સિટીના બે સિન્ડિકેટ સભ્યો પણ કોરોના પોઝિટિવ થયા છે જેમાંથી એક સભ્યને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે એક વિદ્યાર્થી સંક્રમિત થતા આખું ભવન સેનિટાઈઝ કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.