રાજકોટ શહેરમાં ઘણા સમય બાદ સોમવારે એક સાથે 4 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાંથી 3 એક જ પરિવારના સભ્ય છે અને હાલ જામનગર છે. આ ઉપરાંત આ ચારેય વેસ્ટ ઝોન વિસ્તારના જ છે. કુલ 2 દર્દી સારવાર હેઠળ હતા. જેમાં 4નો વધારો થતા સંખ્યા 6 પર પહોંચી હતી. પરંતુ આજે 2 દર્દીને ડિસ્ચાર્જ આપતા હાલ 4 દર્દી જ સારવાર હેઠળ છે. જેથી શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 63700 પર પહોંચી છે.
2 માસ પૂર્વે ખાનગી લેબમાં રિપોર્ટ કરાવ્યા
આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર બે મહિના પહેલા ઈન્ડોનેશિયાથી રાજકોટ આવેલા પરિવાર પૈકી એક વૃદ્ધ દંપતી અને એક યુવાનને થોડા દિવસ પહેલા કોરોનાના લક્ષણો જણાતા ખાનગી લેબમાં રિપોર્ટ કરાવ્યા હતા જે પોઝિટિવ આવ્યા હતા. જોકે ફરી બીજા જ દિવસે સેમ્પલ અપાયા તેનું પરિણામ નેગેટિવ આવ્યું હતું.
આ તમામ દર્દીની હાલત સ્થિર છે
આરોગ્ય શાખાએ બે શક્યતા દર્શાવી છે એક શક્યતા ફોલ્સ પોઝિટિવની હોઈ શકે અને બીજી શક્યતા એ છે કે જ્યારે બીજી વાર સેમ્પલ લેવાયા ત્યારે ચેપ હળવો થઈ ગયો હોય. જોકે બંને સ્થિતિમાં એક વખત પોઝિટિવ રિપોર્ટ આવતા તેને પોઝિટિવ જ ગણવા પડે. હાલ આ પરિવાર જામનગરમાં છે તેથી સ્થાનિક તંત્રને જાણ કરી દેવાઈ છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સર્જરી માટે 29 વર્ષના યુવાનને દાખલ કરાયા હતા અને સર્જરી પહેલા કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. આ તમામ દર્દીની હાલત સ્થિર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.