કોરોનાની ત્રીજી લહેર પહેલા રાજકોટ જિલ્લામાં સીરો સરવે કરવામાં આવ્યો છે અને રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે, પરંતુ સીરો સરવેનો ફાઇનલ રિપોર્ટ જિલ્લા લેવલથી નહીં ગાંધીનગરથી આવશે. સંપૂર્ણ એનાલિસિસ બાદ 5 જિલ્લા અને કોર્પોરેશનનો રિપોર્ટ એક સાથે જાહેર થશે.
કોરોનાની ત્રીજી લહેર આવે તો લોકોમાં એન્ટિબોડી બન્યાં છે કે નહીં તે જાણવા માટે રાજકોટ જિલ્લામાં સીરો સરવે કરવામાં આવ્યો છે. જિલ્લાના દરેક તાલુકાના નક્કી કરાયેલ ગામોમાં સરવે કરવામાં આવ્યો છે. જિલ્લાના 50 ગામમાંથી સેમ્પલ લેવામાં આવ્યાં છે. દરેક ગામમાંથી 50 સેમ્પલ લેવાયા છે. કુલ મળી જિલ્લામાંથી 1800 સેમ્પલ લેવામાં આવ્યાં છે. હાલ તમામ સેમ્પલના રિપોર્ટ કરવા માટે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યાં છે, પરંતુ આ સેમ્પલનો રિપોર્ટ શું આવશે? તે ગાંધીનગરથી જાહેર થશે.
કોરોનાની ત્રીજી લહેરની તૈયારી
કોરોનાની ત્રીજી લહેર પહેલા તંત્ર એલર્ટ છે. ત્યારે હવે એક અઠવાડિયામાં સીરો સરવેનો રિપોર્ટ સામે આવી જશે. જેથી કેટલા ટકા લોકોમાં એન્ટિબોડી વિકસિત થયા છે તે જાણી શકાશે. બાદમાં જે વિસ્તાર રેડ ઝોન સહિતના અલગ ઝોન નક્કી થશે. જેના આધારે કોરોનાની ત્રીજી લહેરની તૈયારી કરવામાં આવશે.
વ્યક્તિગત રિપોર્ટ જાહેર નહીં કરાય
રાજકોટ જિલ્લાના 50 ગામમાંથી 1800 સેમ્પલ લેવામાં આવ્યાં છે, પરંતુ તેમાંથી કોઈ પણને સીરો સરવેનો વ્યક્તિગત રિપોર્ટ આપવામાં નહીં આવે. જેથી કોઈ પણ સેમ્પલ આપનાર વ્યક્તિમાં એન્ડિબોડી બન્યાં છે કે નહીં તે વ્યક્તિગત નહીં જાણી શકાય. મહત્ત્વનું છે કે, અત્યાર સુધી લોકો એવું માની રહ્યાં હતા કે, સેમ્પલ આપનારને રિપોર્ટ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.