વાલીઓમાં રોષ:બાળકોને સવારે 7 વાગ્યે બોલાવ્યા, ટૂર્નામેન્ટ બપોરે 2 વાગ્યે શરૂ ન થઇ

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીની સ્પર્ધામાં ભૂખ્યા-તરસ્યા બાળકો રઝળ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે ટૂર્નામેન્ટમાં ભાગ લેવા છેક અમદાવાદથી વાલીઓ તેમના બાળકોને લઈને આવ્યા હતા. સવારે 7 વાગ્યે હાજર થવાનો સમય અપાયો હોવાથી દરેક વાલી પોતાના બાળકને લઈને સવારથી પહોંચી ગયા હતા પરંતુ કરાટે ટૂર્નામેન્ટના આયોજનમાં અનેક અવ્યવસ્થા સર્જાઈ હતી અને બપોરે 2 વાગ્યા સુધી સ્પર્ધા શરૂ જ નહીં થતા બાળકો અને વાલીઓ ભૂખ્યા-તરસ્યા રઝળી પડ્યા હતા.

છ-છ કલાક સુધી બાળકોની સ્પર્ધામાં વારો નહીં આવતા વાલીઓ પણ રોષે ભરાયા હતા અને આયોજકોને ફરિયાદ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં રવિવારે કરાટે ટૂર્નામેન્ટમાં સવારે 7 વાગ્યે હાજર થવાનો સમય અપાયા બાદ છેક બપોરે 2 વાગ્યા સુધી સ્પર્ધા શરૂ જ નહીં થતા વાલીઓએ દેકારો મચાવ્યો હતો. કરાટે ટૂર્નામેન્ટના આયોજનમાં અનેક ક્ષતિઓ બહાર આવી હતી. કલાકો સુધી આયોજકો દેખાયા ન હતા, કોચ આવ્યા ન હતા.

આ ઉપરાંત બપોરે 2 વાગ્યા સુધી સ્પર્ધા શરૂ નહીં થતા નાછૂટકે વાલીઓએ બાળકો માટે જમવાની-પાણીની બહારથી વ્યવસ્થા કરવી પડી હતી. કોમ્પ્લેક્સમાં પાણી-શૌચાલયની પણ વાલીઓને અસુવિધા થઇ હોવાની ફરિયાદો ઊઠી હતી. વાલીઓએ કહ્યું હતું કે, છેક અમદાવાદથી સ્પર્ધામાં ભાગ લેવા બાળકને લઈને આવ્યા છીએ પરંતુ અહીં ખૂબ અવ્યવસ્થા છે. 2 વાગ્યા સુધી બાળક ભૂખ્યું-તરસ્યું રહ્યું પછી અમે બહારથી વ્યવસ્થા કરી.

અન્ય સમાચારો પણ છે...