છેલ્લા બે દિવસથી રાજકોટમાં 44.00 ડિગ્રી તાપમાન રહ્યા બાદ શુક્રવારે એક ડિગ્રી તાપમાન ઘટ્યું હતુ. આ સાથે જ તાપમાન 43.4 ડિગ્રી પહોંચ્યું હતુ. જો કે તાપમાન ઘટયું હોવા છતાં પવનની ઝડપ અને લૂ વર્ષાને કારણે બપોરના સમયે આકરો તાપ અનુભવાયો હતો. હવામાનખાતાના જણાવ્યા મુજબ આજથી હવે પવનની દિશા બદલાશે એટલે તાપમાન ક્રમશ: ઘટશે. ત્રણ દિવસ સુધી 40 થી 42 ડિગ્રીની વચ્ચે તાપમાન જળવાઈ રહેવાની સંભાવના હોવાથી ગરમીમાં આંશિક રાહત મળશે ત્યારબાદ અઠવાડિયા પછી વાદળછાંયુ વાતાવરણ રહેશે.
હવામાનખાતાના જણાવ્યા મુજબ નૈઋત્ય-પશ્ચિમ તરફના પવનો ફુંકાતા ગરમીમાં રાહત મળશે. શુક્રવારે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તાપમાન 44 ડિગ્રી હતું. આ સિવાય અન્ય જિલ્લામાં ભાવનગરમાં 40.2, દ્વારકા 33.7, ઓખા 34.2, પોરબંદર 35.2, વેરાવળ 33.6, દીવ 31.8, મહુવા 33.8, કેશોદ 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા કેટલાક દિવસથી મહત્તમ તાપમાન ઊંચુ રહેતા બપોરના સમયે રોડ- રસ્તા પર લોકોની અવરજવર પણ ઘટી છે. આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.