કામગીરીનો રિપોર્ટ રજૂ કરાશે:ટ્રાફિક સમસ્યા હલ કરવા ચેમ્બરના સૂચનો, કમિશનરે એક્શન રિપોર્ટની ખાતરી આપી

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં આશાપુરા રોડ પરનો વનવે છે તે દૂર કરવા માંગ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે પોલીસ કમિશનર સાથે બેઠક કરી હતી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે કેટલાક સૂચનો કર્યા હતા, પોલીસ કમિશનરે પણ સૂચનોનો અભ્યાસ કરી તેમાંથી નક્કર કાર્યવાહી કરી એક્શનનો રિપોર્ટ આપવાની ખાતરી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના હોલમાં બુધવારે ચેમ્બરના આગેવાનો અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તથા અન્ય પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ અને ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ બેઠકમાં કહ્યું હતું કે, શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બન્યો છે, જિલ્લા પંચાયત ચોકમાં થતી ટ્રાફિક સમસ્યા, આશાપુરા રોડ પરના નાના કટકાને વનવે જાહેર કર્યો છે જેથી ટ્રાફિકની સ્થિતિ વધુ કથળે છે તો આ માર્ગને તાકીદે વનવે મુક્ત કરવા માંગ કરી હતી.

મનપાના અનેક પ્લોટ ખાલી છે ત્યાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવે તો પાર્કિંગની સુવિધા મળી રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલ ચોકથી રેલવે સ્ટેશન રોડ પર બંને બાજુ શાકભાજી વાળાઓની ભરાતી બજાર ગેબનશાહ પીર દરગાહ વાળા રોડ પર ફેરવવાનું સૂચન કરવામાં આવ્યું હતું, તેમજ ટ્રાફિક વોર્ડન દ્વારા કરાતા વ્યવહારની પણ ચર્ચા કરી હતી.

સાઇબર ક્રાઇમના વધતા બનાવમાં વેપારીઓ અને લોકોને લૂંટાતા કેવી રીતે બચાવી શકાય તે અંગે જાગૃતતા લાવવા પણ અપીલ કરી હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વક્તવ્યમાં કહ્યું હતું કે, ટ્રાફિક સમસ્યા અંગે જેટલા સૂચનો કરવામાં આવ્યા છે તેનો અભ્યાસ કરી યોગ્ય નિરાકરણ લાવશે, નો એન્ટ્રી અને વનવેના જાહેરનામા અંગે અભ્યાસ કરી કાર્યવાહી કરાશે. ટૂંકા ગાળામાં ચેમ્બરના આગેવાનો સાથે બેઠક કરશે અને તેમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરેલી કામગીરીનો રિપોર્ટ કાર્ડ રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...