તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:ચેમ્બરે 45 વેપારી એસોસિએશનને પૂછ્યું, સ્વૈચ્છિક લોકડાઉન કરવું જોઈએ?, મોટાભાગના વેપારીઓએ સ્પષ્ટ ના પાડી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓએ કહ્યું, ત્રણ મહિનાના લોકડાઉનથી આર્થિક રીતે ભાંગી ગયા છીએ, હવે ન પોષાય
  • વેપારીઓએ કહ્યું કે, સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્કના નિયમથી કોરોનાથી બચી શકાશે

3 મહિનાના લોકડાઉનથી આર્થિક, માનસિક રીતે પડી ભાંગ્યા હવે ધંધો બંધ રાખવો પોષાય અેમ નથી.જો વેપાર ઉદ્યોગ બંધ થશે તો આખી ચેઈન તૂટી જશે, રોજીરોટીના પ્રશ્ન ઊભા થશે. આવક બંધ થઈ જવાથી વેપારીઓની હાલત કફોડી બની જશે. લોકડાઉનમાં થયેલી નુકસાનીની ભરપાઇ કરી શક્યા નથી અને તેવામાં જો લોકડાઉન લાગુ કરવામાં આવે તો દેણામાં દિવાળી જેવું થશે. માટે લોકડાઉન ન કરવું જોઈએ તેમ રાજકોટના 45 વેપારી એસોસિએશને સ્વૈચ્છિક લોકડાઉન મુદ્દે ચેમ્બરે કરેલી ઓનલાઈન બેઠકમાં પોતાનો સૂર વ્યક્ત કર્યો હતો. જેના પગલે લોકડાઉનનો નિર્ણય કેન્સલ કરાયો હતો. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે, વેપારીઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખી હાલ લોકડાઉનનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે, પરંતુ દરેક વેપારી દુકાનમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં જરા પણ બેદરકારી ન દાખવે અને જો નિયમનું પાલન કરવામાં આવશે તો કોરોનાનું સંક્રમણ ઓછું થશે.

વેપારીઓએ બેઠકમાં પોતાના આ મંતવ્યો આપ્યા
1. કર્મચારીઓને છૂટો દોર મળી જશે. બિનજરૂરી તેઓ બહાર નીકળશે અને સંક્રમણ વધુ ફેલાશે. - પ્રનાંદ કલ્યાણી, પ્રમુખ ધર્મેન્દ્ર રોડ વેપારી એસો.
2. સૌથી વધુ કેસ શાક બકાલાની રેંકડીથી ફેલાય છે. ત્યાં સૌથી વધુ ભીડ થાય છે, ઈન્ડસ્ટ્રીઝમાં તો સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ છે માટે લોકડાઉન ન કરવું. - નરેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ આજી જીઆઇડીસી
3. સોનીબજારમાં સંક્રમણ વધુ ફેલાયું છે. સંક્રમણ અટકાવવા અમે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દીધું છે. - દિવ્યેશ પાટડિયા, પ્રમુખ જેમ્સ એન્ડ જ્વેલરી એસો.
4. માર્કેટિંગ યાર્ડ બંધ કરશો તો મજૂરો બેકાર બની જશે,ખેડૂતોનો માલ વેચાશે નહીં તેની આવક બંધ થઇ જશે. -અતુલભાઈ કમાણી, વેપારી બેડી યાર્ડ
5. રહેણાક વિસ્તારમાંથી આવે તો આખો ફ્લેટ સીલ કરી દેવો જોઈએ. હાલ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. - અરવિંદભાઈ શાહ, ગુજરાત મિનિ સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસો.
6. જીવતા હશું તો વ્યવસાય થશે. બંધ રાખીશું તો સંક્રમણ તૂટી જશે. જાહેર જનતાના હિતમાં બંધ રાખો. - શિવલાલ બારસિયા, પુર્વ પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ
7. ઈન્ડસ્ટ્રીઝમાં બંધ રાખવું હવે પોષાય એમ જ નથી. મજૂરોની સાથે માલિકોને પણ ખાવાના ફાંફા પડશે, આખી ચેઈન તૂટી જશે. - યશ રાઠોડ, સેક્રેટરી રાજકોટ એન્જિનિયરિંગ એસો.
8. દરેક વેપારી ખુદ તકેદારી રાખે અને ગ્રાહકો પાસે પણ નિયમનું પાલન કરાવે. - ભૂપતભાઈ છાંટબાર, હોલસેલ ટેક્સટાઈલ્સ મર્ચન્ટ એસો.
9. જે નાના વેપારીઓ છે તેની હાલત વધુ કફોડી બનશે. તેની ખુદની આવક બંધ થશે ,કર્મચારીઓના પગાર પણ નહીં થાય. - જયમીન ઠાકર, વેપારી લાખાજીરાજ રોડ

અન્ય સમાચારો પણ છે...