હવે ‘સેટ’ થયા:વર્ષ 2018માં થયેલી ઉજવણીના બિલ હવે મનપામાં મંજૂર

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેટરે જ મુદ્દો ઉઠાવ્યો, વર્તમાન ચેરમેન અને શહેર પ્રમુખ બોડીમાં હતા છતાં કેમ હવે રન ફોર યુનિટી, એકતા યાત્રાના બિલ મુકાયા!
  • સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે, ગ્રાન્ટ અને હેડના પ્રશ્નો હતા, બાદમાં કોરોના આવી ગયો

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 2018માં થયેલી જુદી જુદી ઉજવણીઓના બિલ 3 વર્ષ બાદ હવે છેક કમિટીમાં મંજૂરી અર્થે મુકાયા છે. આ શંકાસ્પદ બિલ શા માટે અટવાયા હતા તેના કારણો સંકલનની બેઠકમાં પણ અપાયા ન હતા તેથી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય કોર્પોરેટર કશ્યપ શુક્લએ પણ વાંધો ઉઠાવ્યો હતો જોકે બાદમાં બધું મંજૂર કરાયું હતું અને પછી આ વાંધા ઉઠાવવા મુદ્દે કોઇએ પ્રતિક્રિયા આપી ન હતી.

સ્ટેન્ડિંગ કમિટીની દરખાસ્તમાં પત્ર નં. 232માં મુખ્યમંત્રીની હાજરીમાં થયેલા વિવિધ કાર્યક્રમોના ખર્ચને બહાલી માટે 4.80 લાખ રૂપિયાનું બિલ મુકાયું. ત્યારબાદ પત્ર નં. 233માં સુઝલામ સુફલામ જળ અભિયાન 2018 અંતર્ગત વિવિધ કાર્યક્રમમાં થયેલા ખર્ચને ચૂકવવા 33.48 લાખના બિલ મુકાયા તેમજ 22-10-2018થી 30-10-2018 દરમિયાન એકતા રથ યાત્રાના ખર્ચ માટે પત્ર નંબર 234માં 12.41 લાખ રૂપિયાનું બિલ મુકાયું છે. આ ઉપરાંત 8-1-2020ના થયેલા પતંગ મહોત્સવનો 2.94 લાખ રૂપિયા ખર્ચ પણ પત્ર નં. 235ની દરખાસ્તમાં અપાયો છે આ તમામ હવે મંજૂર કરાતા કોન્ટ્રાક્ટર્સના પૈસા છૂટા થયા છે.

આવાસ યોજનામાં પ્રાયોગિક ધોરણે ડસ્ટબિન મુકાશે
શહેરમાં જ્યાં જ્યાં કચરાપેટી હતી તે સ્થળો ન્યૂસન્સ પોઈન્ટ બની ગયા હતા તેથી તેને દૂર કરાઇ છે પણ મનપાની આવાસ યોજનાઓમાં હજુ પણ કચરાનો પ્રશ્ન છે. આ કારણે પ્રાયોગિક ધોરણે 40 મોટી પૈડાવાળી કચરાપેટી ખરીદાશે અને જે તે બિલ્ડિંગની નજીક જ મુકાશે જેમાં લોકો કચરો એકઠો કરી બાદમાં ટિપરવાનમાં ઠાલવી શકશે.

અન્ય સમાચારો પણ છે...