તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિવર્સિટીમાં માટી કૌભાંડ:7.50 લાખના બિલમાં ટ્રેક્ટરને બદલે કારનો નંબર નીકળ્યો

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેમ્પસની જ માટી યુનિવર્સિટીને વેચી મારવાનું કૌભાંડ, ઓડિટમાં કૌભાંડ ઝડપાયું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ પણ લાઇબ્રેરી પાછળ ચાલી રહેલા બાંધકામમાં કોન્ટ્રાક્ટરે યુનિવર્સિટી કેમ્પસમાંથી જ માટી લઈને બાંધકામમાં વાપરી લાખોનું બિલ મૂકવા મુદ્દે સિન્ડિકેટની મિટિંગમાં બબાલ થઇ હતી. ત્યારબાદ હવે યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પણ આ જ પ્રકારે એક જગ્યાએથી માટી લઈને બીજી જગ્યાએ નાખી ટ્રેક્ટરના ફેરા કર્યા હોવાનું બિલ યુનિવર્સિટીમાં મૂકી કૌભાંડ આચરવાનો પ્રયાસ કરાયો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં માટીના ફેરા કર્યા અંગેનું રૂ.7.50 લાખનું બિલ જે મુકાયું હતું તેમાં ટ્રેક્ટરનો નંબર ચેક કરતા તે નંબર ટ્રેક્ટરને બદલે એક કારનો હોવાનું ખૂલતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર કૌભાંડમાં કોન્ટ્રાક્ટ દ્વારા કારનો નંબર ટ્રેક્ટરનો દર્શાવી ખોટું બિલ મૂકી પાસ કરાવવાનું ષડ્યંત્ર યુનિવર્સિટીના ઓડિટમાં છતું થયું છે પરંતુ યુનિવર્સિટીના બાંધકામ સહિતના વહીવટી વિભાગ દ્વારા સમગ્ર કૌભાંડ અંદરોઅંદર જ સમેટી લેવાનો પ્રયત્ન કરવામાં પણ આવી રહ્યો છે.

યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના આસપાસના એરિયામાં માટી નાખવાના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિ આચરી હોવાનું બહાર આવતા યુનિવર્સિટી કેમ્પસમાં ચર્ચા જાગી છે. છેલ્લા 10 દિવસમાં માટી નાખવા મુદ્દે બીજી વખત વિવાદ થતા ઓડિટ વિભાગે ગેરરિતી ઝડપી છે. યુનિવર્સિટીમાં રજૂ કરાયેલા બિલમાં માટીના ટ્રેક્ટરના ફેરા કર્યાનું દર્શાવાયું છે. બિલમાં ટ્રેક્ટર નંબર પણ દર્શાવાયો છે જેની તપાસ કરતા તે વાહન નંબર ટ્રેક્ટરને બદલે કારનો નીકળતા માટીના ફેરા કર્યા છે કે કેમ તે અંગે પણ શંકા થઇ રહી છે. હાલ તો આ સમગ્ર કૌભાંડમાં અંદરખાને તપાસ થઇ રહી હોવાનું જાણવા મળ્યું છે.

સિન્ડિકેટમાં માટી કૌભાંડ મુદ્દે તડાફડી બોલશે
યુનિવર્સિટીના કેટલાક સિન્ડિકેટ સભ્યો પણ આ સમગ્ર કૌભાંડથી વાકેફ છે. ત્યારે હવે આગામી મળનારી સિન્ડિકેટની મિટિંગમાં પણ આ સમગ્ર કૌભાંડ અંગે તડાફડી બોલવાની પ્રબળ સંભાવના છે. આ સમગ્ર કૌભાંડ અંગે હવે સિન્ડિકેટમાં તપાસ સમિતિ બનશે કે સત્તાધીશો ઝડપી કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

કઈ ખોટું થયું હશે તો તટસ્થ તપાસ બાદ પગલાં લઇશું
યુનિવર્સિટીમાં આ પ્રકારના માટીના કામમાં કઈ ખોટું થયું હશે તો તેની તટસ્થ તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ પગલાં પણ લેવામાં આવશે. આ અંગે તમામ વિભાગ પાસેથી રિપોર્ટ મળ્યા બાદ આખરી નિર્ણય લઇશું. > ડો. વિજય દેશાણી, ઉપકુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...