રાજ્ય સરકારે ઈ-સરકાર પોર્ટલ શરૂ કર્યું છે જેનો ઉદ્દેશ્ય તમામ કામગીરી પેપરલેસ કરવાનો છે. આ કામગીરી 25 ડિસેમ્બરથી શરૂ થશે. સંપૂર્ણ પેપરલેસ થવામાં રાજકોટ જિલ્લા પંચાયત રાજ્યની પ્રથમ સરકારી કચેરી બને તે માટે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ તાલીમના ધમધમાટ શરૂ કરીને 20 તારીખથી જ પેપરલેસ બનાવવા આદેશ કર્યો છે.
જિલ્લા પંચાયત કચેરી અને તાબાની તમામ કચેરીઓમાં હાલ જે પણ ફાઈલો છે તે સૌથી પહેલા સ્કેન કરીને તેની ઈ-કોપી બનાવવામાં આવશે ત્યારબાદ નવી તમામ ફાઈલ પણ પેપરલેસ જ બનશે. આ પ્રક્રિયાને કારણે હવે ફાઇલો નહિ ફરે પણ બધું જ કામ કમ્પ્યૂટરની મદદથી જ થશે. આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે, કઈ ફાઈલ ક્યા ટેબલ પર ક્યા કર્મચારી કે અધિકારી પાસે કેટલા સમયથી પેન્ડિંગ તેનો તમામ રિપોર્ટ રોજેરોજ જોઈ શકશે તેથી વહીવટી કામમાં દાંડાઈ અને ઈરાદાપૂર્વક કામ અટકાવવાની વૃત્તિઓ અટકાવી શકાશે.
પેપરલેસ બનાવવા માટે તાલીમ આપવામાં આવી છે અને 19મી સુધીમાં તમામ ફાઈલો નવી સિસ્ટમ મુજબ જ ઈ-વેથી ચાલે તેવો આદેશ અપાયો છે. ફેબ્રુઆરીમાં બજેટ આવી રહ્યું છે અને બજેટ પણ ઈ-કોપીમાં જ તૈયાર થાય તેના માટે પદાધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે.
કાગળ નહિ ફેરવવાની વાત પર કર્મચારીઓ પાણી ફેરવે તેવી શક્યતા
સરકારી કચેરીઓને પેપરલેસ બનાવીને પારદર્શક બનાવવા પ્રયત્નો થયા છે. આ કારણે કચેરીઓમાં કાગળ ઘટશે અને ખર્ચ બચશે જોકે કાગળ નહિ ફેરવવાના આ નિર્ણય પર કર્મચારીઓ જ પાણી ફેરવી શકે તેવી શક્યતા છે. પેપરલેસ કામગીરીમાં સૌથી મોટો પડકાર હયાત આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રેનિંગનો જ આવશે જેમાં ઘણી કચેરીઓ હજુ પાછળ છે અને કર્મચારીઓ પણ તેમાં પડવા માગતા નથી. આ ઉપરાંત પેપરલેસ કામગીરી થતા અમુક કર્મચારીઓની લાલિયાવાડી પણ બંધ થઈ જાય એટલે પહેલો વિરોધ તેવા જ કર્મચારીઓમાંથી આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.