ફરજમાં રુકાવટ:ધંધાર્થીએ જગ્યા રોકાણ શાખાના ઇન્સ્પેક્ટર સાથે ઝપાઝપી કરી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાધુવાસવાણી રોડ પર રેંકડી હટાવવાનું કહેતા ઉશ્કેરાયો

રાજકોટ મનપાના જગ્યા રોકાણ શાખાના ઇન્સ્પેક્ટર સાથે ફ્રૂટના ધંધાર્થીએ ફરજમાં રુકાવટ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. જગ્યા રોકાણ શાખામાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયરાજસિંહ જાડેજા મંગળવારે તેમની ટીમ સાથે સાધુવાસવાણી રોડ પર રાજમાર્ગ પર રેંકડી ઊભી રાખી વેપાર કરતા ધંધાર્થીઓના દબાણ દૂર કરવા પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ત્યારે રાજપેલેસ ચોક પાસે એક સાથે ત્રણ ફ્રૂટની રેંકડી નડતરરૂપ હોય ત્યાં પહોંચ્યા હતા. તપાસ કરતા ત્રણેય ફ્રૂટની રેંકડી એક જ ધંધાર્થીની હોય તેને રેંકડીઓ રોડ પરથી હટાવી લેવા જણાવ્યું હતું.

ધંધાર્થીએ રેંકડી હટાવવાને બદલે ઉશ્કેરાય જઇ ગાળો ભાંડવા લાગ્યો હતો. જેથી તેને ગાળો દેવાની ના પાડી તેની ત્રણેય રેંકડી જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરતા તે ફરીથી ઉશ્કેરાય જઇ પોતાની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. મામલો વધુ ન વણશે તે માટે તુરંત પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા મોબાઇલ ત્યાં આવી હતી. તેની પૂછપરછમાં તે રેલનગર, અર્પણપાર્ક-1માં રહેતો સંદીપ સુદામચંદ નાવાણી હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેને યુનિવર્સિટી પોલીસમથક લઇ જઇ તેની સામે ફરજ રુકાવટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફ્રૂટના ધંધાર્થી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...