તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠાલવી પોતાની વ્યથા:બિલ્ડરે રૂ.4 કરોડ ન આપી છેતરપિંડી કરી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના કાલાવડ રોડ પરના પ્રદ્યુમ્ન ગ્રીનસિટીમાં રહેતા ટ્યૂશન ક્લાસીસના સંચાલક વિજયભાઇ ગોરધનભાઇ મકવાણા, તેના પત્ની કાજલબેન અને પુત્રી નિયતિ ગત તા.11ના પોતાનું ઘર છોડીને લાપતા થઇ ગયા હતા, બિલ્ડર જે.પી.જાડેજાએ લેણા નીકળતા રૂ.4 કરોડ નહીં ચૂકવતા સામૂહિક આપઘાતની ચીમકી સાથે ઘર છોડી ગયા હતા. આ ઘટનાને છ દિવસ વીતી જવા છતાં લાપતા ત્રણેય સભ્યની ભાળ હજુ પોલીસને મળી નથી, તેના પરિવારજનો પણ આકુળ વ્યાકુળ બન્યા છે ત્યારે વિજયભાઇના ભાઇ કિરણભાઇ મકવાણાએ પોતાની વ્યથા ભાસ્કર સમક્ષ વ્યક્ત કરી હતી.

કિરણભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, પોતે તથા તેના ભાઇ વિજયભાઇએ વતનની 20 વીઘા જમીન વેચીને કેકેવી ચોકમાં ભાગીદારીમાં એક બિલ્ડિંગ બનાવ્યું હતું, તત્કાલીન સમયે રહેલા ભાગીદાર પૈસાની વ્યવસ્થા નહીં કરી શકતા તે ભાગીદારીમાંથી છૂટા પડ્યા હતા અને બિલ્ડર જે.પી.જાડેજા ભાગીદારીમાં આવ્યા હતા. બિલ્ડિંગમાં 70 ટકા હિસ્સો વિજયભાઇ અને કિરણભાઇનો હતો જ્યારે બિલ્ડર જાડેજાનો 30 ટકા હિસ્સો હતો. પીએન એસોસિએટ નામની ભાગીદારી પેઢી પણ બનાવી હતી. એક સમયે બેંક લોનના હપ્તા ભરવા મુશ્કેલ બનતા જે.પી.જાડેજાએ બેંક લોન પૂરી કરાવી હતી જોકે ત્યારે લખાણ થયું હતું કે તેમની ભાગીદારીનો હિસ્સો અને બેંક લોન સહિત જાડેજાને રૂ.9.30 કરોડ બિલ્ડિંગ વેચાણ થાય ત્યારે લેવાના થશે અને બાકીની રકમ મકવાણા બંધુની રહેશે.

જાન્યુઆરી 2020માં એક ડોક્ટરે રૂ.13.51 કરોડમાં બિલ્ડિંગ ખરીદ કરવાનો સોદો કર્યો હતો અને સુથી પેટે કિરણભાઇને રૂ.1 લાખ ચૂકવ્યા હતા પરંતુ તે સોદો ત્યારબાદ કેન્સલ થયો હતો. ગત ગુરુવારે વધુએક પાર્ટી બિલ્ડિંગ ખરીદવા માટે આવી ત્યારે વિજયભાઇ બિલ્ડર જાડેજા પાસે પહોંચ્યા ત્યારે જાડેજાએ બિલ્ડિંગના કેટલા રૂ.15-16 કરોડ આવશે? તેવો સવાલ કર્યો હતો અને બાદમાં બિલ્ડિંગમાં તમારો કોઇ હિસ્સો જ નથી તેવું કહેતા વિજયભાઇ પરિવાર સાથે ઘર છોડવા મજબૂર બન્યા હતા. કિરણભાઇએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, જ્યારે બેંકની લોન ભરપાઇ કરવાની કાર્યવાહી થતી હતી ત્યારે બેંક પ્રક્રિયાના કાગળોમાં વિજયભાઇ અને કિરણભાઇએ સહી કરી આપી હતી, તેમાં બિલ્ડર જાડેજાએ છળકપટથી મકવાણા બંધુનો બિલ્ડિંગ પરનો 70 ટકા હિસ્સો પણ પોતાના નામે કરાવી લીધો હતો, આમ બિલ્ડર જે.પી.જાડેજાએ છેતરપિંડી કરતાં ઘર છોડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...