નણંદ અને ભાઇ વચ્ચેના પ્રેમસંબંધથી પરિણીતાને સાસરિયાઓએ માનસિક-શારીરિક ત્રાસ આપ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દોઢસો ફૂટ રિંગ રોડ, ઉમિયા ચોક, હિમાલયપાર્કમાં છેલ્લા ચાર વર્ષથી પિયરમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ક્લાર્ક બિનીશાબેન નામની પરિણીતાએ ગીરગઢડા રહેતા પતિ શક્તિ, સસરા મનસુખભાઇ બચુભાઇ ધીનૈયા, સાસુ દયાબેન, જર્મની રહેતા દિયર જગદીશભાઇ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
શક્તિ સાથે 2015માં લગ્ન થયા બાદ આઠ દિવસ ગામડે રહ્યા બાદ બંને રાજકોટ રહેવા આવ્યા હતા. ત્રણ વર્ષ દાંપત્ય જીવન સુખમય વિત્યા બાદ વિવાદના વમળો શરૂ થયા હતા. નણંદ અવારનવાર રાજકોટ આવતી જતી રહેતી હોય નાના ભાઇ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જેની પતિ અને સાસરિયાઓને ખબર પડતા આ બધુ પોતે જ કરાવ્યું હોવાનું કહી મેણાં મારી હેરાન કરવાનું ચાલુ કર્યું હતું.
સાસરિયાઓની ચડામણીથી પતિ પોતાને પિયરિયાઓને ત્યાં જવા પણ દેતા ન હતા તેમજ ફોન પર વાત પણ કરવા દેતા ન હતા. એટલું જ નહિ નણંદને પણ ઘરની બહાર નીકળવા દેતા ન હતા. તેને મારા ભાઇ સાથે જ લગ્ન કરવા હોવાનું કહેતા તેને સાસુ-સસરા માર પણ મારતા હતા. દરમિયાન નાનો ભાઇ પોતાની નણંદને ભગાડી જઇ પ્રેમલગ્ન કરી લીધા હતા. જેથી પતિ તેમજ સાસરિયાઓએ પોતાને માનસિક રીતે ટોર્ચર કરવાનું ચાલુ કર્યું હતું.
આ સમયે જર્મની રહેતા દિયર જગદીશભાઇ ફોન કરી પતિ શક્તિને પત્નીને લઇ ગામડે લઇ જવા દબાણ કરતા રહેતા હતા. પરંતુ પોતાને ગામડે લઇ જઇ હેરાન કરશેની બીક હોવાથી ગામડે ગઇ ન હતી. બાદમાં દિયર જર્મનીથી રાજકોટ ઘરે આવી તારે એક જ ભાઇ છે, તારા ભાઇ માટે જ હું અહીં આવ્યો છું, તારો ભાઇ મને ભેગો થાય એટલે અમે બેય ભાઇઓ શું કરીએ છીએ તે તું જોજે તેમ કહી ધમકી આપી હતી.
પતિ પણ તું ક્યારેય તારા બાપના ઘરે નહીં જા તેવું લખાણ કરાવવા દબાણ કરતા હતા. પોતે ના પાડતા પતિએ પોતાને માર માર્યો હતો. ભાઇ-નણંદે કરેલા પ્રેમલગ્ન પાછળ પોતે જવાબદાર હોવાનો ખાર રાખી સાસરિયાઓએ ત્રાસ આપતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.