દિવસે ને દિવસે દરેક ચીજવસ્તુના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધતાં ખાદ્ય ચીજવસ્તુઓ અને શાકભાજીના ભાવથી ગરીબ અને સામાન્ય વર્ગની આર્થિક કમર ભાંગી ગઈ છે. હાલ શાકભાજીમાં સૌથી વધુ ભાવ લીંબુનો છે. લીંબુનો ભાવ હાલ એક કિલોએ 300થી વધુ રૂપિયા હોવાથી લોકોને પરેશાની ભોગવવી પડે છે. ત્યારે ધોરાજીના હીરપરા વિસ્તારમાં મોણપરા પરિવારના દીકરાના લગ્નપ્રસંગમાં મોંઘવારીનો હળવો વિરોધ જોવા મળ્યો હતો. પીઠી ચોળવાની વિધિમાં રૂપિયા કે દાગીનાની જગ્યાએ મિત્રોએ મીઠાઈનાં બોક્સમાં મોંઘેરાં લીંબુની ગિફ્ટ આપી હતી.
લીંબુની ગિફ્ટ જોઈ મહેમાનો હસી પડ્યા
વરરાજાને ગિફ્ટરૂપે મીઠાઈના બોક્સમાં લીંબુ અપાતાં મહેમાનો અને વરરાજાના ચહેરા પર હાસ્ય લહેરાયું હતું. ગિફ્ટ આપવાનો હેતુ કદાચ એ હશે કે લીંબુના ભાવ એટલા ઊંચકાયા છે કે લીંબુ કોઈને મોંઘી ભેટ તરીકે પણ આપી શકાય. લીંબુના વધતા જતા ભાવને કારણે અનોખી રીતે સૌકોઈનું ધ્યાન ખેંચવા હળવો વિરોધ પણ કરવામાં આવ્યો હતો, જેનાથી મહેમાનો પોતાના ચહેરા પર હાસ્ય રોકી શક્યા નહોતા.
વરરાજા પ્રશાંત મોણપરાને અનોખી ગિફ્ટ અપાઈ
લગ્નપ્રસંગમા આવેલા દિનેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની અંદર શાકભાજી અને લીંબુના ભાવ વધી રહ્યા છે, એને કારણે લોકો ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે. હાલ લગ્નગાળાની સીઝન છે, જેમાં લીંબુની ખાસ જરૂરિયાત હોય છે. આવા સંજોગોની અંદર અમારા વિસ્તારોમાં પ્રશાંત મોણપરાના લગ્નમાં વરરાજાએ અમે સોના-ચાંદી કે રોકડ રકમને બદલે લીંબુ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા છે. આડકતરી રીતે અમે સરકારને કહેવા માગીએ છીએ કે હાલમાં શાકભાજી અને લીંબુના ભાવ વધી રહ્યા છે, એને કારણે લોકો ખૂબ મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ ભાવો અંકુશમાં લાવવા સરકાર પ્રયાસ કરે.
લીંબુના ભાવ પર અંકુશ લાવવા સરકારને અપીલ
આ અનોખી ગિફ્ટ દ્વારા વધતા જતા લીંબુના ભાવો પર સરકાર નિયંત્રણ લાવે એવી અપીલ કરાઈ હતી. આ પહેલાં પણ એક એવો પણ ફોટો વાઇરલ થયો હતો કે વરરાજાની મિત્રોએ લગ્નમાં ભેટના સ્વરૂપે વર-વધૂને પેટ્રોલની એક લિટરની બોટલ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.