ભરશિયાળે સૌની યોજનાનું પાણી મગાશે:રાજકોટના આજીના માર્ચમાં અને ન્યારી ડેમના મે મહિનામાં તળિયા દેખાશે, નર્મદા નીર ઠાલવવા મ્યુનિ. સરકારને પત્ર લખશે, ઉનાળો કાઢવો મુશ્કેલ

રાજકોટએક મહિનો પહેલા
આજીડેમમાં હાલ 624 MCFT પાણીનો જથ્થો.
  • આજી ડેમમાં 600 MCFT અને ન્યારી-1 ડેમમાં 300 MCFT સૌની યોજનાનું પાણી ઠાલવવા રજુઆત કરાશે

રાજકોટ મહાનગરમાં ચાલુ વર્ષના ચોમાસાથી તમામ જળાશયો છલકાઇ ગયા હતા. પરંતુ મહાનગરની વસ્તી અને જરૂરિયાતને ધ્યાને લેતા વર્ષમાં ઓછામાં ઓછી ત્રણ વખત નર્મદા નીર ઠલવવા પડે છે. જાન્યુઆરીમાં ફરી સૌની યોજનાના પાણીની જરૂર પડશે તેવું મનપા કહે છે. 29 ફૂટના આજી-1 ડેમ પર પાણી વિતરણ વ્યવસ્થાનો મોટો મદાર રહેલો છે. જળાશયમાં વર્ષમાં લગભગ ત્રણેક વખત સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી ઠલવવામાં આવે છે. જાન્યુઆરી, માર્ચ અને તે બાદ ચોમાસા સુધીમાં પણ એકાદ વખત પાણી ઠલવવા મનપા દ્વારા સરકારને પત્ર લખશે. આજી ડેમના માર્ચમાં અને ન્યારી ડેમમાં મે સુધીમાં તળિયા દેખાશે.

આજીમાં 600 MCFT નર્મદાનું પાણી ઠાલવવા રજુઆત કરાશે
હાલ શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઇ રહી છે. ત્યારે 2022ના નવા વર્ષના પ્રારંભથી આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવું પડશે. વોટર વર્કસ વિભાગ દ્વારા આમ તો હવે લગભગ દર મહિને પાણીની સ્થિતિનો રિવ્યુ કરવામાં આવે છે. તેના આધારે વાર્ષિક આયોજન કરીને સરકારમાં પણ મોકલાય છે. આવતા મહિને આજી ડેમમાં 600 MCFT અને ન્યારી-1 ડેમમાં 300 MCFT સૌની યોજનાનું પાણી ઠાલવવા સરકારને પત્ર લખવામાં આવશે.

ન્યારી 1 ડેમમાં મે મહિના સુધી ચાલે તેટલું પાણી.
ન્યારી 1 ડેમમાં મે મહિના સુધી ચાલે તેટલું પાણી.

ઉનાળામાં પાણીની તકલીફ ન પડે તે માટે નર્મદાનું પાણી મગાશેઃ મ્યુનિ.કમિશનર
આ અંગે મનપાના કમિશન અમિત અરોરાએ જણાવ્યું હતું કે, પાણી માટે આપણા માટે જે મેઇન સોર્સ છે તેમાં આજી, ન્યારી, ભાદર અને નર્મદા નીરનો સમાવેશ થાય છે. નર્મદા નીરની બે પાઇપલાઇન છે. સૌની યોજનાથી અમને આજી અને ન્યારીમાં પૂરતું પાણી આપવામાં આવે છે. જેનાથી રાજકોટવાસીઓને પીવાનું પાણી પૂરુ પાડીએ છીએ. દર વર્ષે આગોતરા આયોજન કરીએ છીએ. દર વર્ષે આપણે નર્મદા લાઇનનું ક્લિનિંગ કરીએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમયસર સરકાર પાસેથી નર્મદાનું પાણી માગવામાં આવશે જેથી ઉનાળામાં પાણીની તકલીફ ન પડે. માગને જોઇ આપણે સરકાર પાસેથી તેટલા જથ્થાનું નર્મદા પાણી માગીશું.

મનપા કમિશનર અમિત અરોરાએ મીડિયા સાથે વાત કરી.
મનપા કમિશનર અમિત અરોરાએ મીડિયા સાથે વાત કરી.

હાલ આજીમાં 624 MCFT અને ન્યારીમાં 1084 MCFT પાણી
હાલની સ્થિતિેએ આજી ડેમમાં 15 માર્ચ સુધીનું એટલે કે 624 MCFT પાણી છે તો ન્યારીમાં મેના અંત સુધીનું 1084 MCFT પાણી રહેલું છે. રાજકોટને રોજ નિયમિત 20 મિનીટ પાણી આપવા માટે જળાશયોમાંથી 400 MLD જેટલું પાણી વિતરણ કરવામાં આવે છે. ભાદર-1માંથી પણ રાજકોટને રોજ 40 MLD પાણી મળે છે. ભાદરમાંથી રાજકોટને દર ચોમાસા સુધી પાણી મળતું રહે છે. પરંતુ આજી અને ન્યારીમાં બેથી ત્રણ વખત સૌની યોજનાના પાણી ઠલવવા પડે છે તે ઉલ્લેખનીય છે.

અન્ય સમાચારો પણ છે...