તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સ્મશાનમાં સુરાપુરાની ડેરીમાં રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યા યુવકની લાશ મળી

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાવડી રોડ પર ગૌતમબુદ્ધનગરમાં રહેતા નિવૃત્ત કંડક્ટર પક્ષીઓને ચણ નાખવા ગયા ત્યારે લાશ જોવા મળી

શહેરની ભાગોળે વાવડી રોડ પર આવેલા અનુસૂચિત જાતિના સ્મશાનમાં સુરાપુરાની ડેરીમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી આવી હતી. લાશ ડેરીની જાળીમાં કપડું બાંધેલી હાલતમાં હતી, યુવકના પગ જમીનને અડેલા હોવાથી યુવકને ટૂંપો દીધા બાદ લાશ ટીંગાડી દેવામાં આવ્યાની પણ શંકા ઊઠી હતી. પોલીસે રહસ્યના આટાપાટા સર્જતી આ ઘટનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા.

150 ફૂટ રિંગ રોડ પર પુનિતનગર નજીક ગૌતમબુદ્ધનગરમાં રહેતા નિવૃત્ત કંડક્ટર નટુભાઇ રાઠોડ સોમવારે સવારે 6.30 વાગ્યે ઘર નજીક વાવડી રોડ પર આવેલા અનુસૂચિત જાતિના સ્મશાને પક્ષીઓને ચણ નાખવા ગયા હતા ત્યારે સ્મશાનમાં આવેલી સુરાપુરાની ડેરીમાં તેમની નજર પડી હતી અને ડેરીની લોખંડની જાળી સાથે દોરડું બાંધેલી હાલતમાં એક યુવકની લાશ જોવા મળતાં નટુભાઇ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે જાણ કરતાં 108 અને તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી. 108ના સ્ટાફે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાજપુરોહિતે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.

યુવકની લાશ જે સ્થિતિમાં મળી હતી તે જોતા અનેક શંકાઓ ઊઠી હતી. ડેરીમાં સુરાપુરા દાદાની મૂર્તિ પાસે જ યુવકનો મૃતદેહ હતો, તેના ગળા પર કપડાંનો ટુકડો બાંધેલો હતો અને કપડાંનો બીજો છેડો લોખંડની જાળી સાથે બંધાયેલો હતો. યુવકના બંને પગ જમીનને અડતા હતા, જો યુવકે ફાંસો ખાધો હોય તો તેના પગ જમીનને કેવી રીતે અડ્યા તેવા સવાલો ત્યાં હાજર લોકોમાં ચર્ચાવા લાગ્યા હતા. યુવકને ગળાટૂંપો દઇ મોતને ઘાટ ઉતાર્યા બાદ હત્યાના બનાવને આપઘાતમાં ખપાવવાનો કોઇએ પ્રયાસ કર્યો હતો કે કેમ તેવા સવાલો પણ ઉઠ્યા હતા.

પીએસઆઇ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, મૃતક યુવક અંદાજે 18 થી 20 વર્ષની વયનો છે, તેની પાસેથી ઓળખ મળે તેવા કોઇ પુરાવા મળ્યા નથી. મૃતક યુવક પરપ્રાંતીય હોય તેવું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. મૃતક યુવકના સેમ્પલ ડીએનએ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે, યુવકના પરિવારના સભ્યનો ભવિષ્યમાં દાવો કરનારના પણ તે સમયે સેમ્પલ લેવામાં આવશે અને ડીએનએ ટેસ્ટ ત્યારે કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...