રાજકોટના ક્રાઈમ ન્યૂઝ:સરધાર નજીક વાડીમાં કપાસના પાક વચ્ચેથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધાર ગામથી રાજકોટ તરફ જતાં રસ્તા પર રવજીભાઇ કરસનભાઇ ટીંબડીયાની વાડીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતાં આજીડેમ પોલીસને જાણ થતાં આજીડેમ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ વાડી માલિક સવારે આવ્યા ત્યારે એક શખ્સ કપાસના પાક વચ્ચેથી ઊંધો પડેલો મળ્યો હતો. 108ને જાણ કરવામાં આવતાં તેના તબીબ મનસુખભાઇ જતાપરાએ તેને મૃત જાહેર કરતાં પોલીસે કાર્યવાહી કરી હતી. યુવાનનું પડી જવાથી અથવા એટેક આવી જતાં મૃત્યુ થયાની શક્યતા છે. કારણ કે શરીર પર ઈજાના કોઈ નિશાન જોવા મળ્યા નથી. મૃતકના કોઇ વાલીવારસ હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

પડધરીના મોટા ખીજડીયામાં સર્પદંશથી યુવાનનું મોત
રાજકોટ જિલ્લાના પડધરીના મોટા ખીજડીયા ગામના ખેડૂત હરેશ લક્ષ્મણભાઈની વાડીએ રહેતાં કમલસિંગ જુવાનસિંગ સુવિયા (ઉ.વ.32) ગત સાંજે વાડીએ કામ કરતા હતા. ત્યારે વાડીમાં નિકળેલા ઝેરી સાપે દંશ દેતા બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેને તાત્કાલિક સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. પરંતુ અહીં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં ખસેડ્યો હતો. મૃતક મૂળ મધ્યપ્રદેશના વતની હતા અને છેલ્લાં કેટલાંક સમયથી પડધરી ખાતે ખેત મજૂરી કરતા હતા.

અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ હકિકતના આધારે અમદાવાદ શહેર ચાંદખેડા પોલીસ મથકનાં અપહરણના આઇ.પી.સી. કલમ 363 ગુનાનો આરોપી સુનીલભાઇ કડવાભાઇ મકવાણા (ઉ.વ.23) તથા ભોગ બનનાર સગીરાને ગોંડલ તાલુકાના ઘોઘાવદરના બસસ્ટેશન પાસેથી ઝડપી પાડ્યા હતા. બાદમાં આગળની કાર્યવાહી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી હતી.

આરોપી આશીષ ચૌહાણ ઝડપાયો.
આરોપી આશીષ ચૌહાણ ઝડપાયો.

1.50 લાખની ચોરી કરનાર ચોર પકડાયો
રાજકોટ જિલ્લાના લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડેકોરા હાઇ લેન્ડ ટાવર પેન્ટ હાઉસમાંથી રોકડા રૂ.1.50 લાખની ચોરીના ગુનામાં આરોપીને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચએ ઝડપી પાડ્યો છે. રાજકોટ ગ્રામ્યના લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડેકોરા હાઇ લેન્ડ ટાવર બી પેન્ટ હાઉસ 11,12 ખાતે ગત 22 ઓક્ટોબરના રોજ અમીતભાઇ ધીરજલાલ રોકડના મકાનમાંથી કોઈ અજાણ્યો ચોર રોકડા રૂપિયા 1.50 લાખની ચોરી કરી લઈ ગયો હતો. જેના સીસીટીવી કેમેરા ચેક કરતા એક વ્યકિત રૂમની બારીમાંથી પ્રવેશ કરી રૂમમાંથી બીજા અન્ય રૂમમાં જતો જોવા મળ્યો હતો. થોડીવાર પછી લેડીસનુ પર્સ લઈને બહાર નીકળતો જોવા મળ્યો હતો. ઘણી ચોરીઓમાં પકડાયેલ આશીષ ઉર્ફે આશીયો અમૃતભાઇ ચૌહાણ હોવાનુ માલુમ થતા આરોપી આશીષ ઉર્ફે આશીયો અમૃતભાઇ ચૌહાણની ખાનગી રાહે તપાસ કરાવતા કાલાવાડ રોડ ઉપર હોવાની હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ ઉપર જતા તે મળી આવ્યો હતો.

CCTVમાં ચોર ઝડપાયો
CCTVમાં ચોર ઝડપાયો

સોની વેપારીને ચોરીનો મુદ્દામાલ વહેચવા જાય તે પૂર્વે જ દંપતિ સહિત 6 પકડાયા
રાજકોટ શહેરના જંકશન વિસ્તારમાં આવેલા હંસરાજનગરમાં સિનિયર સિટીજનના મકાનમાં પાંચ દિવસ પૂર્વે ચોરીને અંજામ આપી 3.23 લાખની ચોરી કરનાર ગેંગના 6 સભ્યોને પ્રનગર પોલીસે ઝડપી પાડીતેની પાસેથી સોના ચાંદીના દાગીના રૂ.3.23 લાખ તેમજ રિક્ષા રૂ.50 હજાર મળી કુલ રૂ.3.73 લાખ સહીતનો તમામ મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

GMCમાં નોંધણી કરાવ્યા વગર દવાખાનું ચલાવતો તબીબ ઝબ્બે
રાજકોટ શહેરની ભાગોળે આવેલ ખોખળદળ ગામમાં ગુજરાત મેડીકલ કાઉન્સિલ (GMC)માં નોંધણી વગર દવાખાનું તબીબ ચલાવે છે જે બાતમીના આધારે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે ખોખળદળની પંચાયત ઓફીસની સામે ડો. જોષીભાઇ કલીનીકમાં દરોડો પાડી રાહુલ હસમુખ જોષી (ઉ.વ.42) ને પકડી રજીસ્ટ્રેશન સર્ટી. માંગતા તેને ગુજરાત મેડીકલ કાઉન્સિલમાં નોંધણી કરાવ્યા વગર છેલ્લા ત્રણ માસથી કલીનીક ચાલુ કર્યાનું કબુલતા પોલીસે તેની ધરપકડ કરી એલોપેથીક દવા તથા સાધનો મળી રૂ.8500નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂની અદાવતનો ખાર રાખી પતિએ પત્ની અને સાળાને ઢોર માર માર્યો
રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્તારમાં રિસામણે માવતરે રહેતી 29 વર્ષીય પરિણીતા અને તેનો ભાઈ એસટી વર્કશોપ પાસે આવેલ ગીતાનગરમાં રેહતા તેના પતિ જયદીપભાઈના ઘરે કપડાં લેવાં ગયા હતાં ત્યારે અગાઉના ઝઘડાનો ખાર રાખી તેના પતિ અને જેઠ પ્રવીણ સહિતનાઓએ ધોકાથી મારમાર્યો હતો. જેમાં સામાપક્ષે બચાવમાં પરિણીતા, તેના ભાઈ રોહિત અને સસરા રાજુભાઈએ જયદીપભાઈ નાથાભાઇ પરમાર (ઉ.વ.27) ને ધોકાથી ફટકાર્યા હતાં. સામસામી મારમારીમાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા તમામને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તોનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત પરિણીતાના લગ્ન કારખનેદાર જયદીપ સાથે થયાં હતાં, જે બાદ ગૃહકાંકસથી કંટાળી તે છેલ્લા બે માસથી પિતાના ઘરે રેહતી હતી.

બીમારીથી કંટાળીને પરિણીતાએ ફિનાઈલ પીધું
રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર અંબેડકરનગરમાં રહેતી પરિણીતાએ ગઈકાલે તેના ઘરે હતાં ત્યારે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. મહિલા લાંબા સમયથી માનસિક બીમારીથી પીડિત હતાં. જેનાથી કંટાળીને પગલું ભર્યું હતું. તેને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે.

ત્રણેય બાઈક બળીને ખાખ થતા 2 લાખ રૂપિયાનું નુકસાન
ત્રણેય બાઈક બળીને ખાખ થતા 2 લાખ રૂપિયાનું નુકસાન

નાણાવટી ચોકમાં ત્રણ બાઈક સળગાવી અજાણ્યા શખ્સ ફરાર
અયલેશભાઇ હર્ષદભાઇ વસાવડા એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે મારા માસીના ઘરે છેલ્લા સાતેક મહિનાથી રહું છું અને મારો પરીવાર જુનાગઢ ખાતે રહે છે. ગઇકાલે રાત્રીના દોઢેક વાગ્યાની આસપાસ અમે લોકો સુવા માટે ગયેલ હતા અને આશરે અઢી વાગ્યાની આસપાસ મારા માસીના દિકરા પિનાકીનભાઈ રાવલ મારી પાસે આવેલ અને મને વાત કરેલ કે તમે જલ્દી નીચે આવો ગાડી સળગે છે તેવી વાત કરતા હું તરત જ નીચે ગયેલ હતો અને નીચે જઇને જોયુ તો આ અમારા મકાનની બહાર મારું બજાજ કંપનીનું બાઇક તથા મારા ધર્મના બહેન પુર્વશીબેન પારેખનું એક્ટીવા મોપેડ તથા મારા માસીના દિકરા આશિષભાઇ રાવલનું ટીવીએસ જયુપીટર બહાર પાર્ક કરીને રાખેલ હતી તે ત્રણેય ગાડીઓ સળગતી હાલતમાં જોવામાં આવેલ અને તે દરમ્યાન મેં ફાયર બ્રિગેડમાં જાણ કરીને ફાયરની ગાડી બોલાવેલ હતી અને ફાયરની ગાડી આવી જતા આગ બુઝાવેલ હતી.આ ત્રણેય બાઈક કોઇ અજાણ્યા ઈસમે અમારી જાણ બહાર રાત્રીના સમયે અમે લોકો સુઇ ગયેલ હોય બાદ સળગાવી દિધેલ હોવાનું અમને જાણવા મળ્યું છે. આગની ઘટના વખતે મુખ્ય ફાયર સ્ટેશન કનક રોડથી ફાયર બ્રિગેડ દોડી ગયું હતું અને આગ બુઝાવી હતી અંદાજે ત્રણેય બાઈક સળગી જતા 2 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. હાલ પોલીસ ફરિયાદ નોંધાવતા યુનિવર્સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

આરોપી દિલીપ રાઠોડ
આરોપી દિલીપ રાઠોડ

3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝબ્બે
ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં 3 વર્ષ પહેલા ડુપ્લીકેટ ડ્રાઈવીંગ લાયસન્સ કાઢવા અંગે ફરિયાદ નોંધાઈ હતી જેમાં જેતપુર ખાતે રહેતો આરોપી દિલીપ રાઠોડ (ઉ.વ.34) નાસ્તો ફરતો હતો જેને આજ રોજ રાજકોટ પેરોલ ફેલો સ્ક્વોડની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડી SOG પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...