રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:સંધા તળાવમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો, સંતકબીર રોડ પર ઇમિટેશનના વેપારી સાથે 5.22 લાખની છેતરપિંડી

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
અજાણ્યા પુરૂષના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો. - Divya Bhaskar
અજાણ્યા પુરૂષના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો.
  • પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો

રાજકોટ નજીક વાંકાનેર રોડ પર સંધા તળાવમાંથી આશરે 45 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો છે. આ અંગેની જાણ થતા કુવાડવા રોડ પોલીસના PSI જે.કે. પાંડાવદરા અને તેમની ટીમ દોડી ગઈ હતી. બાદમાં પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. તેમજ મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં સંતકબીર રોડ પર આવેલ ઇમિટેશનના વેપારી સાથે રૂ. 5.22 લાખની છેતરપિંડી કરી ત્રણ રાજસ્થાની શખ્સો નાસી જતા વેપારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ક્યાં કારણોસર મોત થયું તે દિશામાં પોલીસની તપાસ
મૃતક ડેમમાં અકસ્માતે પડ્યો? અથવા આપઘાત કર્યો? કે પછી અન્ય કોઈ કારણસર તેનું મોત નીપજ્યું? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામેલ આ અજાણ્યા પુરુષ અંગે કોઈને જાણકારી હોય તો કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અથવા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા પોલીસે અપીલ કરી છે. મૃતકે સ્કાય બ્લુ કલરનો શર્ટ અને જીન્સનું પેન્ટ પહેર્યું છે.

સંતકબીર રોડ પર ઇમિટેશનના વેપારી સાથે 5.22 લાખની છેતરપિંડી
શહેરના નાનામવા રોડ પર રહેતા અને સંતકબીર રોડ પર જલારામ રોલ એન્ડ કોબા નામે દુકાન ધરાવતા અક્ષયભાઇ તન્નાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, રાજસ્થાની શખ્સ સુજરામસિંગ બાધારામ, લક્ષ્મણસિંગ અને નરેન્દ્રસિંહ દુકાન સામે શિવાલય કોમ્પ્લેક્ષમાં શિવાની બેંગલ્સ દુકાન ધરાવતા હોવાથી છેલ્લા 8 માસથી પરિચયમાં હતા. આ બાદ ઇમિટેશન માલની ખરીદી કરી સાઉથના રાજ્યોમાં વેચવા માટે લઇ ગયા હતા અને બે-ત્રણ દિવસમાં આપી દઇશ તેવું જણાવ્યું હતું. પરંતુ 15 ફેબ્રુઆરીના રોજ તેની દુકાન બંધ થઇ ગઇ અને તમામના ફોન પણ સ્વીચ ઓફ આવતા હતા. બાદમાં તપાસ કરતા આ શખ્સો વેપારીનો માલ લઇ નાસી ગયાનું માલુમ થતા વેપારીએ આખરે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણે શખસ સામે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જાહેરમાં જુગાર રમતા શખસની ધરપકડ કરી.
જાહેરમાં જુગાર રમતા શખસની ધરપકડ કરી.

ક્રિકેટ મેચ પર હાર-જીતનો જુગાર રમતા શખસની ધરપકડ
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ગાંધીનગર સોસાયટી શેરી નં.2માં રાજ ગોકુલ પાન ચોક પાસે જાહેર રોડ ઉપરથી ચિરાગ દીલીપભાઇ વ્યાસને ઝીમ્બામ્બે તથા અફઘાનિસ્તાન વચ્ચે ચાલતી વન ડે ક્રિકેટ મેચ પર રન ફેરનો રૂપિયાની હારજીતનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ સહિત 6000નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.