ભાસ્કર એક્સક્લૂઝિવ:બોર્ડની પરીક્ષા ફરી જૂની પેટર્નથી લેવાશે, કોરોનાકાળ વખતની રાહતો પાછી ખેંચવાનો નિર્ણય

રાજકોટ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • 2023ની બોર્ડની પરીક્ષામાં ધો.10માં 24ને બદલે 16 માર્કના જ હેતુલક્ષી પ્રશ્નો
 • ધોરણ 12 સાયન્સ-કોમર્સમાં જનરલ ઓપ્શન નહીં મળે
 • 12 સાયન્સની બોર્ડ પરીક્ષામાં 20ના બદલે હવે 10 MCQ

કોરોના મહામારી અને ઓનલાઈન શિક્ષણને લીધે વિદ્યાર્થીઓમાં ઘણો લર્નિંગ લોસ જોવા મળ્યો હતો જેના પગલે વર્ષ 2022ની બોર્ડની પરીક્ષામાં શિક્ષણબોર્ડે ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે સરળ પેપર સ્ટાઈલ બનાવીને લાગુ કરી હતી પરંતુ હવે જ્યારે કોરોના મહામારી નથી અને શાળાઓમાં શિક્ષણ પણ ઓફલાઈન ચાલી રહ્યું છે ત્યારે શિક્ષણબોર્ડે કોરોનાના સમયમાં વિદ્યાર્થીઓને આપેલી રાહત પાછી ખેંચી છે.

હવે અગાઉ 2019માં જે રીતે બોર્ડના પેપર લેવાતા હતા તે જૂની પેપર સ્ટાઈલથી આગામી 2023ની બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લેવાશે. વિદ્યાર્થીઓ આ બદલાયેલી પેપર સ્ટાઈલ સમજી શકે તે માટે ‘દિવ્ય ભાસ્કરે’ શિક્ષણવિદ નીલેશભાઈ સેંજલિયા પાસે ધોરણ 10 અને 12ની બદલાયેલી પેપર સ્ટાઈલનું મૂલ્યાંકન કરાવી લખાવ્યું હતું. આગામી 2023માં લેવાનારી બોર્ડની ધો.10ની પરીક્ષામાં 24ને બદલે 16 માર્કના જ ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાશે, ધોરણ 12 સાયન્સ-કોમર્સમાં હવે જનરલ ઓપ્શન નહીં મળે!

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહમાં જનરલ ઓપ્શન આપ્યા હતા તે ફરીથી ઈન્ટરનલ ઓપ્શન શિક્ષણબોર્ડે કરી નાખ્યા છે. ચાલુ વર્ષમાં વિદ્યાર્થીઓ ઓફલાઈન જ અભ્યાસ કરવાના હોવાથી રાબેતા મુજબની પેપરસ્ટાઈલ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ માટે આ જાણવું જરૂરી - ભાસ્કર એક્સપર્ટ: શિક્ષણવિદ્દ નીલેશ સેંજલિયા
2022માં કોરોનાને લીધે આવી હતી પેપર સ્ટાઈલ

 • સેકશન-Aમાં કોરોનાને કારણે 30% ઓબ્જેક્ટિવ અર્થાત્ 24 માર્કસના 24 પ્રશ્નો પૂછાતા
 • સેક્શન-Bમાં કોરોનાને કારણે 2 માર્કસના 13 પ્રશ્નો પૂછાતા તેમાંથી કોઈપણ 9 પ્રશ્નોના જવાબ આપવાના હતા.
 • સેકશન-Cમાં કોરોનાને કારણે 9 પ્રશ્નો પૂછાતાં તેમાંથી કોઈપણ 6 પ્રશ્નોના જવાબ આપવાના હતા.
 • સેકશન-Dમાં કોરોનાને કારણે 8 પ્રશ્નોમાંથી કોઈ 5 પ્રશ્નોના જવાબ આપવાના થતા હતા.

2023માં આવી હશે પેપર સ્ટાઈલ

 • હવે 20% ઓબ્જેકટીવ મુજબ 16 માર્કસના 16 પ્રશ્નો પૂછાશે.
 • હવે, રાબેતા મુજબ ઇન્ટરનલ ઓપ્શન સાથે 10 પ્રશ્નો પૂછાશે, બધાના જવાબ આપવાના ફરજિયાત રહેશે.
 • હવે, રાબેતા મુજબ 8 પ્રશ્નો પૂછાશે, ઈન્ટરનલ ઓપ્શન સાથે બધાના જવાબ આપવાના ફરજિયાત રહેશે.
 • હવે, રાબેતા મુજબ 5 પ્રશ્નોના જવાબ ફરજિયાત આપવાના થશે.

5 વર્ષમાં ત્રણ વખત બોર્ડે પેપર સ્ટાઈલ બદલી
ધો. 10માં પાંચ વર્ષ પહેલા 50 ટકા MCQ અને 50 ટકા સબ્જેકટીવ પ્રશ્નો પૂછાતા, છેલ્લા ત્રણ વર્ષથી 80 માર્કસનું પૂરેપૂરૂં પેપર સબ્જેકટીવ કરાયું છે. ધો. 10 માં પહેલા 100 માર્કસના પેપરને 70 માર્કસમાં કન્વર્ટ કરવામાં આવતા અને ઈન્ટર્નલ 30 માર્કસ એમ 100 ગુણ વિષય પ્રમાણે મૂકવામાં આવતા. હવે, છેલ્લા ત્રણેક વર્ષથી બોર્ડની પરીક્ષા જ 80 માર્કસની લેવાઈ છે, તેમાં 20 માર્કસ ઇન્ટર્નલ ઉમેરી દરેક વિષયની 100 માર્કસની માર્કશીટ બને છે.

બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત વિષય યથાવત
CBSE બોર્ડની જેમ ધો.10ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને પણ વર્ષ 2022થી બેઝીક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સના વિકલ્પો આપેલા છે. તેથી અભ્યાસમાં નબળા અને જેમને આવતા વર્ષે કોમર્સ અથવા આર્ટ્સ રાખવું છે તેઓ બેજિક મેથ્સ રાખી સરળતાથી બોર્ડમાં પાસ થઈ શકશે. જેમણે ભવિષ્યમાં સાયન્સ રાખવું છે, તેવા વિદ્યાર્થી તથા ત્રણેય વિકલ્પો ખૂલ્લા રાખવા ઈચ્છતા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખી પોતાની નિપુણતા સાબિત કરશે. આમ, બેજિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સથી વિધાર્થીઓને ભવિષ્યના કારકિર્દીના પ્રવાહો તથા પાસ થવામાં ખૂબ જ સરળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...