રાજકોટનો લંપટ શિક્ષક કાંડ:અડપલાં કરનાર પતિને બચાવવા ભાજપનાં મહિલા આગેવાને પીડિતા-શિક્ષકને ધમકાવ્યાં

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • નવી મેંગણીની ઘટનામાં મહિલા આગેવાને ધમકી આપી, પુત્રએ પોલીસની બીક બતાવી
  • જેની સામે આપવીતી રજૂ થઈ તે કર્મચારીને ઘરે બોલાવી ડરાવી, નોકરીમાંથી કાઢી મૂક્યો

નવી મેંગણી ગામે આવેલી જ્ઞાનજ્યોત સ્કૂલના સંચાલક દિનેશ જોશી વિરુદ્ધ તેની જ શાળાની બે વિદ્યાર્થિની સાથે અડપલાં કરવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ પ્રકરણ શનિવારે બહાર આવ્યું હતું, પણ એ પહેલાં પીડિતાઓ અને શિક્ષકોને દબાવવા માટે દિનેશનાં પત્ની સીમાબેન જોશી, જે ભાજપ મહિલા મોરચાનાં હોદ્દેદાર છે તેમણે ફોન પર પીડિતાઓને ધમકાવી હતી તેમજ તેના પુત્રએ પણ દબાણ કર્યું હતું. વિદ્યાર્થિનીઓએ પોતાની કથની બે શિક્ષિકાને સંભળાવી હતી. બાદમાં આ શિક્ષિકાઓ પીડિતાઓને લઈને શાળામાં વહીવટી કામગીરી કરતા તેમજ શિક્ષક તરીકે પણ ફરજ બજાવતા પૃથ્વી ડોડિયા પાસે ગયા હતા.

પીડિતાઓએ ત્યાં પોતાની આપવીતી જણાવતાં શિક્ષકે તરત જ સંચાલિકા સીમા જોશીને ફોન કરી દીકરીઓ આ રીતે વાત કરી રહી છે એમ કહ્યું હતું. આ સાંભળીને સીમાબેન લાજવાને બદલે ગાજ્યાં હતાં અને શિક્ષક પૃથ્વી સામે આક્ષેપ કર્યા હતા કે તેણે આ બધું કરાવ્યું છે. પીડિતા સાથે પણ વાત કરીને તેણે પણ ન બોલવાના શબ્દો 14 વર્ષની બાળકીને કહ્યા હતા, જેથી બાળકી પણ અવાચક બની હતી. સીમાબેને ધમકાવ્યા બાદ તેના પુત્રએ ફોન પર વાત કરીને પીડિતાઓને પોલીસ બોલાવીને ફિટ કરી દેવાની ધમકી આપી હતી.

આ સમગ્ર ઘટના બાદ પીડિતાના વાલીઓને જાણ થઈ હતી, જોકે શુક્રવારે ફરિયાદ દાખલ થઈ ન હતી. બીજા દિવસે સવારે પૃથ્વી ડોડિયા શાળાએ ફરજ પર ગયા તો તેમને ગેટ પરથી જ પરત જવા અને લેપટોપ સંચાલકના ઘરે મૂકવા કહી નોકરી પરથી દૂર કર્યા હતા. શિક્ષક લેપટોપ દેવા ઘરે ગયા તો સીમાબેન અને તેના પુત્રએ 3 કલાક સુધી તેને ધમકાવી આક્ષેપ કર્યો હતો કે તેણે જ ખોટી ફરિયાદ ઊભી કરી છે. આક્ષેપ થતાં શિક્ષક રડવા લાગ્યા હતા છતાં ધમકાવવાનું બંધ કર્યું ન હતું. શનિવારે સાંજે જ્યારે પોલીસ ફરિયાદ થઈ, ત્યાર બાદ પણ આ સિલસિલો અટક્યો ન હતો અને તેને ફરીથી ફોન કરીને ફરિયાદ તેણે જ કરાવી હોવાનું આક્ષેપ કર્યો હતો.

ગ્રામજનો એકઠા થતાં મામલતદાર મેંગણી પહોંચ્યા
મેંગણી ગામે અડપલાંની ઘટનાની ફરિયાદ બાદ સોમવારે સવારે ગ્રામજનો એકઠા થયા હતા અને આવેદન આપવા મામલે ચર્ચા થઈ રહી હતી. એ બાબત કોટડાસાંગાણી મામલતદારને ધ્યાને આવતાં તેઓ ઝડપથી ગામ પહોંચ્યા હતા. ગ્રામવાસીઓ સાથે વાત કરી હતી અને બાદમાં જ્યાં ઘટના બની એ સ્કૂલે ગયા હતા અને સંચાલકો સાથે વાત કરી હતી. ગ્રામજનોને કાર્યવાહી થશે એવી હૈયાધારણા આપી હતી, આથી તેમણે સાંજના સમયે મામલતદાર કચેરીએ જઈને શાંતિપૂર્ણ આવેદન પાઠવ્યું હતું.