ગિરગઢડાના ટેભા ગામે રહેતાં બહેનની ઘરે ગયેલા ઉનાના એલમપુર ગામે રહેતાં ભાણજીભાઈ જાદવભાઈ મકવાણા (ઉં.વ.35) અને તેનો પુત્ર રોહિત (ઉં.વ.7) ઘરે પરત ફરતાં હતા. ત્યારે ટેભા અને ધમાચાની વચ્ચે બાઇક સ્લીપ થતાં બન્ને પિતા-પુત્ર રોડ પર પટકાયા હતાં. બન્નેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ઉના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં બન્નેની તબિયત લથડતાં રોહિતને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તેનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બાદમાં તેના પિતા ભાણજીભાઈની પણ તબિયત લથડતાં તેમને પણ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેનું પણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં ગિરગઢડા પોલીસને જાણ કરતાં પોલીસે રાજકોટ આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
વીંછિયાના વાંગધ્રા ગામમાં મારામારીનો બનાવ બન્યો
વીંછિયા તાલુકાના વાંગધ્રા ગામે મારામારીનો બનાવ બન્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ગામના સરપંચ પ્રતિનિધિ પાસે કોઝ-વેનો વર્કઓર્ડર સમજાવા બાબતે ગ્રામજનો સાથે મારામારી થઈ હતી. કોઝ-વેના બાંધકામમાં ગેરરીતિને લઈ ગ્રામજનોએ સરપંચના પ્રતિનિધિ પાસે વર્કઓર્ડર માગ્યો હતો. જોકે, સરપંચના પ્રતિનિધિએ લોખંડના પાઈપથી મારામારી કરી હતી. આ બનાવમાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે. આ બનાવને લઈને બે લોકો વિરૂદ્ધ વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
ચાઈનીઝ દોરી વેચતી મહિલા સહિત 4ની ધરપકડ
રાજકોટ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક મહિલા સહિત કુલ 4 વેપારીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ભક્તિનગર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે વેપારી હિતેષ ઠકરારની ધરપકડ કરી છે. શહેરના ગોપાલનગર વિસ્તારમાં જીવનધારા જનરલ સ્ટોરમાં વેપારી ચાઈનીઝ દોરી વેચતો હતો. જેથી પોલીસે તેની પાસેથી કુલ 6 ચાઈનીઝ દોરીની રીલ કબ્જે કરી કુલ 1400નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેર એલસીબીએ પણ બે વેપારીની ધરપકડ કરી
જ્યારે બી ડિવિઝન પોલીસે છાયાબેન ઉમરાણીયા પાસેથી તેમના ગોડાઉનમાંથી કુલ 28 નંગ ચાઈનીઝ દોરીની રીલ સાથે કુલ 6800ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર એલસીબી ઝોન 1 ટીમ દ્વારા દૂધસાગર રોડ પરથી વેપારી સતિષ અને પરેશ ઠક્કરની ધરપકડ કરી તેની પાસેથી 13,750 કિંમતની 55 નંગ ચાઈનીઝ દોરીની રીલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
વિદેશી દારૂની 330 બોટલ સાથે એક શખસની ધરપકડ
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના મોરબી રોડ પર બેડી માર્કેટ યાર્ડ નજીક કારમાં દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર પસાર થતા તેને અટકાવી તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 330 નંગ બોટલ મળી આવતા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે અમદાવાદના આરોપી ભરત સોમૈયાની ધરપકડ કરી કુલ 6.63 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ દારૂનો જથ્થો ક્યાંથી લાવી કોને આપવાનો હતો તેમજ તેની સાથે અન્ય કોની કોની સંડોવણી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વ્યાજખોરો સામે લોક દરબાર યોજાયો
રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10 જાન્યુઆરીને મંગળવારના રોજ સવારે 10થી 1 વાગ્યા સુધી લોકદરબારનું આયોજન શહેરના ટાગોર રોડ પર આવેલ હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ લોક દરબાર ખુદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં કરવામાં આવશે અને તેની સાથે રાજકોટ શહેર પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2021માં છેલ્લે લોકદરબાર યોજાયો હતો. જેમાં 83 જેટલાં અરજદારોએ પોલીસ સમક્ષ અરજી અને ફરિયાદ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.