19મીએ મનપાનું જનરલ બોર્ડ:રાજકોટમાં સૌથી વધુ સમસ્યા ડ્રેનેજની પણ કોર્પોરેટરે રમકડાં-લાઈબ્રેરીના પ્રશ્ન પૂછ્યા!

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂના પ્રશ્નો ફરી પૂછવાની પરંપરા નિભાવશે ભાજપના નેતાઓ.
  • ​​​​​​​કોર્પોરેટર પોતાની રીતે સવાલ તૈયાર કરવાની પણ તસ્દી લેતા નથી, અગાઉથી નક્કી કરેલા પ્રશ્નોની જ થાય છે ઉઠાંતરી

રાજકોટ મહાનગરપાલિકામાં સૌથી મોટી બેઠક અને સત્તા જનરલ બોર્ડ છે. આ બોર્ડમાં લેવાયેલા નિર્ણય સર્વોપરી હોય છે અને તેમાં થયેલી ચર્ચા પર અધિકારી તેમજ પદાધિકારીઓની જવાબદારી નક્કી થાય છે. પણ, બોર્ડમાં શાસક પક્ષના જ સૌથી વધુ કોર્પોરેટર હોવાથી પક્ષની શાખ રહે અને પ્રશ્નકાળ પણ સચવાય જાય તેવા પ્રશ્નો પૂછવામાં પણ આળસ કરી રહ્યા છે.

અને અગાઉથી જ નક્કી કરાયેલા પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે. 19મીએ આગામી મળનારા જનરલ બોર્ડમાં પહેલો પ્રશ્ન વોર્ડ નં.14ના કોર્પોરેટર ભારતીબેન મકવાણાનો છે જેમાં તેમણે શહેરની મોબાઈલ લાઇબ્રેરીની સંખ્યા અને તેમાં વાચકોની સંખ્યા પૂછી છે. આ પ્રશ્ન અગાઉ ઘણી વખત પૂછાઈ ગયો છે.

લાઇબ્રેરીની સંખ્યા, વાચકોની સંખ્યા, સ્થળ અગાઉ ઘણી વખત પૂછાઈ ચૂક્યા છે. જોગાનુજોગ આવો જ પ્રશ્ન દેવાંગ માંકડે પૂછ્યો હતો અને તેમાં તેનો ક્રમ પણ પહેલો આવ્યો હતો. શાસક પક્ષની જૂની રીત મુજબ જો તેમનો વારો પહેલો આવે તો એક જ પ્રશ્નમાં એક કલાક કાઢી નાખે છે જેથી બીજા પ્રશ્નો અને ખાસ કરીને વિપક્ષના હોય તો તેમાં ચર્ચાનો સમય જ ન આવે.

તેને લઈને ત્યારે દેવાંગ માંકડે અલગ અલગ પેટા પ્રશ્ન પૂછ્યા હતા અને અન્ય કોર્પોરેટર પણ પોતાના પેટા પ્રશ્ન આપી રહ્યા હતા છેવટે કઈ લાઇબ્રેરીમાં કેટલા રમકડાં છે તે સંખ્યા પણ પૂછી લેવાઈ હતી. હકીકતે નગરસેવકો પાસે પોતે પૂછી શકાય તેવા પ્રશ્નો છે જ નહિ તેથી જ અગાઉથી જે વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યા હોય અથવા તૈયાર કર્યા હોય તેમાંથી જ ઉઠાંતરી કરી રહ્યા છે.

બજેટમાં રજૂ થાય તે પહેલાં જ વિપક્ષે હિસાબ માગી લીધો, પછી કરશે કશું નહિ
જનરલ બોર્ડમાં ત્રીજો પ્રશ્ન વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીનો છે. જેમાં તેમણે વર્ષ 2022-23ના બજેટનો હિસાબ 31-12ની સ્થિતિએ માગી લીધો છે. આ ઉપરાંત અગત્યની શાખાઓએ છેલ્લા છ મહિનામાં શું કામગીરી કરી તે પણ માહિતી માગી છે.

અગાઉ મહાનગરપાલિકા જે તે વર્ષનો વહીવટી અહેવાલ પ્રસિદ્ધ કરતી હતી પણ હવે તે કરાતો નથી ત્યારે તે શા માટે નથી કરાતો તેમજ તેની પાછળ કોણ જવાબદાર છે તેની વિગતો પૂછાઈ છે. જ્યારે કોર્પોરેટર મકબુલ દાઉદાણીનો પ્રશ્ન સૌથી છેલ્લે આવ્યો છે જેમાં તેમણે વોર્ડ નં. 15ના ઔદ્યોગિક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોની ફરિયાદોની સંખ્યા અને સ્થિતિ પૂછી છે તેમજ ત્યાં ડિમોલિશન માટે ટીમ પહોંચ્યા બાદ કોના કહેવાથી અને ક્યા કારણે ડિમોલિશન અટકાવાયું તેના કારણો માંગ્યા છે.

જ્યારે 2014 બાદ મનપામા જે વિસ્તારો ભળ્યા તેમાંથી કેટલી જમીનો મનપાએ પોતાના હસ્તક લીધી છે કેટલી બાકી છે તે પણ અહેવાલ માગ્યો છે. વિપક્ષ પણ દર વર્ષે આવા હિસાબો માગવાના પ્રશ્ન પૂછે છે પણ તેમાંથી કોઇ નિષ્કર્ષ નીકળતો નથી અને આ જવાબોમાંથી કાર્યવાહી થઈ હોય તેવું પણ બન્યું નથી.

સોલાર રૂફ ટોપ ક્યાં લાગ્યા તે પ્રશ્ન બદલી મનપાની કઈ મિલકત પર નથી તે પૂછાયો!
શહેરમાં મનપાની કઈ કઈ મિલકતોમાં સોલાર રૂફ ટોપ લાગ્યા છે અને તેનાથી કેટલી વીજળી ઉત્પન્ન થાય છે આ પ્રશ્ન બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ચૂક્યો છે. આ પ્રશ્ન ફરી પૂછાય તો જવાબ વળી એક જ મળે તેથી સોલાર રૂફ ટોપમાં નવી ટેક્નોલોજી તેમજ મનપા કઇ ટેક્નોલોજી વાપરે છે તેમજ લોકો કઈ રીતે આ ટેક્નોલોજી મેળવી શકે તેવા લોકઉપયોગી પ્રશ્ન તેમાંથી મેળવવાને બદલે મનપાની કઈ મિલકતો પર સોલાર રૂફ ટોપ નથી તેવો પ્રશ્ન પૂછ્યો છે!

મનપામાં આ કોર્પોરેટરે પૂછ્યા પ્રશ્ન
ભારતીબેન મકવાણા, રવજી મકવાણા, ભાનુબેન સોરાણી, હિરેન ખીમાણિયા, મિતલબેન લાઠિયા, કંકુબેન ઉધરેજા, આશાબેન ઉપાધ્યાય, રસીલાબેન સાકરિયા, મીનાબા જાડેજા, બાબુ ઉધરેજા, મંજુબેન કુંગશિયા, ભારતીબેન પરસાણા, મગન સોરઠિયા, સુરેશ વસોયા, નિલેશ જલુ,
મકબુલ દાઉદાણી.

અન્ય સમાચારો પણ છે...