મને કોઈ રોકો નહીં, ટોકો નહીં!:સૌરાષ્ટ્ર યુનિ.માં BJP-કોંગ્રેસના 6 સિન્ડિકેટ ઘરભેગા થવાનો ઇન્ચાર્જ કુલપતિને સૌથી વધુ લાભ, બંને હાથમાં લાડવા થતાં એકહથ્થુ શાસન

રાજકોટએક મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • સેનેટની ચૂંટણી ઈરાદાપૂર્વક ન યોજી પેધી ગયેલા સભ્યોને ઘરભેગા કરવા તખતો ઘડાઈ ગયો
  • 22 મેએ 6 સિન્ડિકેટ સભ્ય ઘરભેગા થયા ને સિન્ડિકેટ બેઠક 3 માસ પછી મળી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવા વિદ્યાના ધામમાં છ મહિનાથી ભારે રાજકીય ઉઠાપટક ચાલી રહી છે. રાજ્ય સરકાર બદલાયા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની નજીકના અને માનીતાઓને યુનિવર્સિટીમાંથી દૂર કરાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેધી ગયેલા ભાજપી સિન્ડિકેટ સભ્યોને પણ દૂર કરવા નિર્ણય લેવાયો છે. પ્રદેશ ભાજપની સૂચના મુજબ ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ નિયત સમયે સેનેટની ચૂંટણી ન યોજી 6 સિન્ડિકેટ સભ્યોને ઘરભેગા કરી દીધા છે, આથી યુનિવર્સિટીની સંપૂર્ણ સત્તા ડો.ગિરીશ ભીમાણીની પાંચેય આંગળી ઘીમાં હોય એમ તેમનું એકહથ્થુ શાસન ચાલી રહ્યું છે.

સિન્ડિકેટની બેઠકમાં 22 મુદ્દાને વિરોધ વગર બહાલી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની, જેમાં સેનેટની ચૂંટણી ઈરાદાપૂર્વક ન થઈ. આને પગલે ભાજપ-કોંગ્રેસના પેધી ગયેલા 6 સિન્ડિકેટ સભ્યો ઘર ભેગા થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે 22 મેએ 6 સિન્ડિકેટ સભ્યો ઘરભેગા થયા ને તેના બે દિવસ બાદ 24 મેના રોજ સિન્ડિકેટ બેઠક 3 મહિના બાદ બોલાવવામાં આવી હતી, જેમાં કુલ 26 મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને 22 જેટલા મુદ્દાને વિરોધ વગર બહાલી આપવામાં આવી હતી.

ઇન્ચાર્જ કુલપતિએ 100 નાના કર્મીને છૂટા કર્યા
પૂર્વ સેનેટ સભ્ય અને યુથ કોંગ્રેસના નેતા રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં હાલના કુલપતિ ડો. ગિરીશ ભીમાણી એકહથ્થુ શાસન ભોગવી રહ્યા છે તો ઠીક એનાથી ઉપર કહી શકાય એમ કુલપતિ યુનિવર્સિટીને હાઇજેક કરી લીધી છે. યુનિવર્સિટીને હાઇજેક કરી મનફાવે તેવા નિર્ણયો કરી રહ્યા છે. તાજેતરમાં યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ 100 જેટલા નાના કર્મચારીઓને છૂટા કર્યા છે અને હજુ કેટલાક વધુ કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે. કોઈપણ એક્ટ કે નિર્ણય સેનેટ અને બાદમાં સિન્ડિકેટમાં પસાર થતો હતો, પરંતુ હવે સીધો ભ્રષ્ટાચાર કરવા ખુલ્લું મેદાન મળી ગયું છે. માત્ર હવે કુલપતિ અને તેના નજીકના માણસો જ સિન્ડિકેટમાં છે, માટે યુનિવર્સિટીને હાઇજેકમાંથી છોડાવવા માટે તેઓ વિરોધપ્રદર્શન પણ કરશે અને ઉગ્ર રજૂઆતો પણ કરશે.

કરારી અધ્યાપકોની ભરતીમાં ભલામણકાંડે ભૂકંપ આણ્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક વર્ષ પહેલાં 11 માસના કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં ભાજપના જ સિન્ડિકેટ સભ્યોએ એક ખાસ વ્હોટ્સએપ ગ્રુપ બનાવી પોતપોતાના માનીતા ઉમેદવારોનાં નામ મૂકી ભલામણ કરી હતી, જેમાં હાલના કાર્યકારી કુલપતિ અને તત્કાલીન સિન્ડિકેટ સભ્ય ડો.ગિરીશ ભીમાણી, પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજા ડો.મેહુલ રૂપાણી, ભાજપના કોર્પોરેટર ડો.નેહલ શુક્લ, ડો.ભાવિન કોઠારી, ડો.ભરત રામાનુજ સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય મહેશ ચૌહાણ, વિમલ પરમાર સહિતના ભાજપના સભ્યોએ ભલામણ કરી હતી.

14 યુનિ.માંથી કુલપતિ પાસેથી સઘળી સત્તા ગઈ
ભલામણના સ્ક્રીન શોટ્સ વાઇરલ થતાં રાજકોટ સહિત રાજ્યના શિક્ષણક્ષેત્રે હડકંપ મચી ગઈ હતી. પ્રદેશ ભાજપ કક્ષાએ આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી હતી. ભલામણ કરતા ભાજપના પેધેલા સિન્ડિકેટ સભ્યોને ગેટઆઉટ કરવાનો તખતો ઘડાઇ ગયો હતો. બાદમાં રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં પણ જૂની સરકારના લોકો સામેના કૌસૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીઓમાં કુલપતિ પાસેથી તમામ પાવર છીનવી લીધા હતા.

રાજ્ય સરકારે ઘડેલા સ્ટેચ્યૂટ 187ને રદ કરવાનો વિવાદ
બાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ એ સામે આવ્યો હતો કે રાજ્ય સરકારે ઘડેલા સ્ટેચ્યૂટ 187ને રદ કરવા માટે ભાજપના સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લ સૂત્રધાર બન્યા હતા. 22 સેનેટ સભ્યોની સહી સાથે સ્ટેચ્યૂટ રદ કરવાની માગ કરી હતી, કારણ કે આ સ્ટેચ્યૂટ મુજબ ડમી વિદ્યાર્થી તરીકે બેસેલા વિવેક હિરાણી અને પાસામાં ધકેલાઇ ગયેલા રાજભા ઝાલા બંને ભાજપી સભ્યો ચૂંટણી લડી શકે તેમ નહોતા. જોકે રાજ્ય સરકારે સ્ટેચ્યૂટ રદ કરવાની માગ ફગાવી દીધી હતી. આ દરમિયાન ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડો.ગિરીશ ભીમાણીની નિમણૂક થતાં રાજ્ય સરકારે એક કાંકરે તમામ પક્ષીઓ (ભલામણ કાંડમાં આવેલા ભાજપના તમામ પેધી ગયેલા સભ્યો) મારવાની રણનીતિ ઘડી કાઢી હતી.

હવે ભાજપ-કોંગ્રેસના 9 સભ્ય સિન્ડિકેટમાં બાકી રહ્યા
જેના ભાગરૂપે સેનેટ ચૂંટણી 22 મે 2022 સુધીમાં યોજવામાં ન આવી અને પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજા મેહુલ રૂપાણી, કોર્પોરેટર નેહલ શુક્લ સહિત ભાજપના સભ્યોના સેનેટ પદ સાથે સિન્ડિકેટ પદ પણ છીનવાઇ ગયા, આથી ભાજપ-કોંગ્રેસના 7 સિન્ડિકેટ સભ્યોને ઘરભેગા થવાનો વારો આવ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 16 સિન્ડિકેટ સભ્યો હતા, જેમાં ભાજપના 14 અને કોંગ્રેસના 2 સિન્ડિકેટ સભ્યોનો સમાવેશ થતો હતો, જેમાં સેનેટની ચૂંટણી ન થતાં ભાજપના 6 અને કોંગ્રેસના 1 સિન્ડિકેટ સભ્ય ઘરભેગા થયા છે, આથી હવે ભાજપ-કોંગ્રેસના 9 સભ્યો સિન્ડિકેટમાં બાકી રહ્યા છે,. જેને કારણે સિન્ડિકેટ બેઠક બોલાવી શકાય છે અને કોઈપણ નિર્ણય વિરોધ વિના લઇ શકાય છે.

ચૂંટણી ન થતાં ચૂંટાયેલા 48 સેનેટ સભ્યો ઘરભેગા
જ્યારે સેનેટમાં કુલ 250 સભ્યનો સમાવેશ થાય છે, જેમાં ચૂંટણી ન થતાં ચૂંટાયેલા 48 સભ્ય ઘરભેગા થયા છે, આથી વિદ્યાર્થીઓની સમસ્યાઓનો યોગ્ય રીતે રજૂ થઇ શકતી નથી અને એનો નિકાલ પણ થઇ શકતો નથી. સેનેટ સભ્યોની અંદર 12 સરકાર નિયુક્ત સેનેટ સભ્યોનો સમાવેશ થતો હોય છે. જે પણ નિયત સમયે ચૂંટણી ન થતાં આ સરકાર નિયુક્ત સભ્યો જગ્યા ખાલી પડી છે. સરકાર નિયુક્ત સેનેટ ભરવા માટે આગામી સમયમાં જાહેર કરવામાં આવે એવી શક્યતા સેવાય રહી છે.

હવે આ રાજકીય અખાડામાં શું જોવા મળશે?
આ બધા વચ્ચે સિન્ડિકેટ પદ દૂર થઇ જતાં નેહલ શુક્લ ચાલુ ટર્મમાં મનપાના કોર્પોરેટર હોવાથી મનપાના પ્રતિનિધિ તરીકે સેનેટ બોલાવી ભલામણો શરૂ કરી યુનિવર્સિટીમાં ફરી પ્રવેશ કરવા પ્રયાસ કર્યા હતા, પરંતુ આ દ્વાર પણ તેમના માટે બંધ થઇ ગયા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ભાજપમાં એક વ્યક્તિને બે હોદ્દા પર ન રાખવા નિયમ બનાવવામાં આવ્યો છે. જ્યારે અનિરુદ્ધસિંહ પઢિયાર કે જેઓ સરકાર નિયુક્ત સેનેટ સિન્ડિકેટ છે અને સાથે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના મહામંત્રી પણ છે તેમને પણ કોઇ એક હોદ્દા પરથી દૂર કરવામાં આવે એવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે હવે આ રાજકીય અખાડામાં શું નવી રાજનીતિ જોવા મળશે એ જોવું મહત્ત્વનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...